ભુજ ખાતે મહિલાઓને કામકાજના સ્થળે જાતિય સતામણી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
ભુજ : સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાતિગત સમાનતાને પ્રોત્સાહિત કરવા મહિલા સશક્તકરણ અર્થે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. હાલમાં ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયાને ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરુપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એમ. ધારણી ના અધ્યક્ષ સ્થાને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કલેક્ટરની કચેરી ખાતે કરવામાંઆવેલ હતુ. આ જાગૃતિ સેમિનારમાં ભુજ શહેરમાં સરકારી વિભાગોમાં કામ કરતાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સેમિનારમાં જાણીતા કાયદા નિષ્ણાંત માલશ્રીબેન ગઢવીએ કામકાજનું સ્થળ કોને કહેવાય, જાતિય સતામણીએટલે શું, આ કાયદા મુજબ ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય, કોણ ફરિયાદ કરી શકે, આંતરિક ફરિયાદ સમિતિ, સ્થાનિક ફરિયાદ સમિતી તથા કાયદાની વિવિધ જોગવાઈઓ વિષે સરળ ભાષામાં સમજુતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે દ્વારા સી બોક્સ પોર્ટલ પર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજુતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ધારણી એમ. દ્વારા મહિલાઓને કામકાજના સ્થળે કોઇ પણ પ્રકારની જાતિય ભેદભાવ સહન ન કરવા તથા તેના માટેની પ્રેરણા માટે ભંવરી દેવીમાંથી પ્રેરણા લેવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિએ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ભરતકુમાર મકવાણાએ આભારવિધી તથા ડીસ્ટ્રીક્ટ હબ ફોર વિમેન એમ્પવારમેન્ટના ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસે સંચાલન કર્યું હતું.
-----

Comments