વિષ્ણુ ધર્મ સ્કૂલના વિદ્યાર્થીઓએ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી
ભુજ : વિષ્ણુ ધર્મ સ્કૂલમાં શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝીયમમાં રાખેલા શિલાલેખોનો પરિચય વિદ્યાર્થીઓએ ખૂબ વિગતવાર મેળવ્યો હતો. કચ્છમાં આવેલી વિવિધ જાતિઓનો પરિચય પણ વિદ્યાર્થીઓએ લીધો હતો, જેેમાં વાગડીયા રબારી, કોલી, કચ્છી રબારી, ચારણ, મેઘવાળ, ફકીરાણી જત અને પઠાણ જેવી જાતિઓનો સમાવેશ થયો હતો. તે તમામ જાતિઓનો કચ્છ મ્યુઝિયમમાં મૂર્તિ દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મ્યુઝિયમમાં કચ્છના રાજાઓના હથિયાર, જુના સિક્કાઓ અને તેમના મહેલમાં રાખવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓનો પરિચય લીધો હતો. મ્યુઝિયમમાં રાખેલા પ્રાચીન સમયના આપણા દેશ અને વિદેશના વિવિધ સિક્કાઓનો પરિચય પણ મેળવ્યો હતોે. કચ્છમાં વસવાટ કરતા પ્રજાતિઓના વિવિધ વસ્ત્રો અને કચ્છમાં બંધાતી સુવિખ્યાત બાંધણી અને પ્રાચીન સમયની કલા દ્વારા માટીની ચીજવસ્તુઓ પણ જોવા મળી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મ્યુઝિયમમાં યુદ્ધમાં વપરાતા શસ્ત્રો અને તોપ જોયાં હતાં. એક પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવતી શીલા કૃતિઓ ઈ.સ. પૂર્વે ૧૦મી સદીથી ૧૮મી સદી સુધીની જોવા મળી હતી. તે વિવિધ મૂર્તિઓ ખૂબ જ સારી રીતે બનાવેલી હતી. પ્રવાસ દરમિયાન મ્યુઝિયમની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ ઇતિહાસ પ્રત્યે પ્રેરિત થયા હતા. ત્યારબાદ ભુજમાં આવેલા ઐતિહાસિક રામકુંડની મુલાકાતે વિદ્યાર્થીઓ ગયા હતા. રામ કુંડની એ વિશેષતા છે કે એ હંમેશા પાણીથી ભરાયેલું રહે છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી રહ્યા હતા. એમડી હેતલ બેન બારોટ, એડવાઈઝિંગ મેમ્બર હિમાંશુભાઈ બારોટ અને આચાર્ય દીપાબેન નાયરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---

Comments