જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દરમ્યાન આરબીઆઈના કાર્યપાલક નિર્દેશકે કચ્છની મુલાકાત લીધી
ભુજ : ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગ્રામ પંચાયત સ્તરે “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન” આયોજીત કરવામાં આવેલ છે, જેના અનુસંધાને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના કાર્યપાલક નિદેશક રોહિત જૈન તથા ક્ષેત્રિય નિર્દેેશક રાજેશ કુમાર કચ્છ જિલ્લા ની મુલાકાતે આવેલ હતા.
આ મુલાકાત દરમ્યાન સુમરાસર ગામ ખાતે આરબીઆઈ તથા બેન્ક ઓફ બરોડાના સહયોગથી વિશેષ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. સુમરાસર ગ્રામ પંચાયતના યુવા સરપંચ રણછોડભાઈ આહીરે આરબીઆઈ સહિતના તમામ બેન્ક અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. કલારક્ષા સંસ્થાના ચંદ્રપાલ ભાનાણી તથા રજનીભાઈ પટવાએ સંસ્થાની કામગીરીથી માહિતગાર કર્યા હતા. કેરા ગામ ખાતે કેમ્પની મુલાકાત દરમ્યાન ગામના સરપંચ મદનગીરી ગોસ્વામીએ સ્વાગત કરી ગામને મળતી બેંકિંગ સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા.
કચ્છના બંને ગામોની મુલાકાત દરમ્યાન આરબીઆઈના ક્ષેત્રિય નિર્દેશક રાજેશ કુમારે કચ્છના ગ્રામ્ય લોકોમાં વસતી લાગણી અને આતિથ્ય ભાવનાથી અભિભૂત થયાની લાગણી વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમ્યાન આરબીઆઈ કાર્યપાલક નિર્દેશક રોહિત જૈને આ વિશેષ કેમ્પનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, કચ્છ ના છેવાડાના ગ્રામજનો સુધી સરકાર દ્વારા ભારતના નાગરિકો માટેની તમામ યોજનાઓનો ૧૦૦ ટકા લોકો લાભ લેતા થાય એ લક્ષ્ય સાથે એની જાગરુકતા ફેલાવવા માટે આયોજન કરવામાં આવેલ છે. તમામ બેન્કના પદાધિકારીઓને “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન” માં કચ્છ સમગ્ર ભારત દેશમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક સાથે પ્રથમ ક્રમાંકે રહે એવા સૂચન સાથે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. વધુમાં એમણે જણાવ્યુ હતું કે, કચ્છની ખુમારી ભરી અને પ્રેમાળ ધરતી પર આવવા મળ્યું એ સૌભાગ્ય છે. બેન્ક ઓફ બરોડાના ઝોનલ હેડ મુખ્તાર સિંઘ દ્વારા બંને કાર્યક્રમોમાં સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જુદી જુદી યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ હતા. પીએમજેજેબીવાય, પીએમએસબીવાય હેઠળ અકસ્માતે અથવા કુદરતી મૃત્યુ પામેલા વિમાધારકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયાની વિમાની રકમના ચેક આપવામાં આવેલ હતા. આભાર વિધિ કરતાં બેન્ક ઓફ બરોડા ભુજના રિજિયોનલ હેડ લલિત કુમાર અદલખાજીએ જણાવ્યુ હતું કે, કચ્છમાં પોસ્ટિંગ મળી એ એમના જીવનનો એક લહાવો છે.
સમગ્ર કાર્યક્રમમાં લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર મિતેશ ગામિત, નાબાર્ડના ડીડીએમ નીરજ કુમાર સિંઘ, ગુજરાત ગ્રામીણ બેન્કના જીએમ ડી પી બૈરવા,તથા આરએમ દિનેશ પરમાર, એસબીઆઈ રાજકોટના ડીજીએમ રાજેશજી, એજીએમ કચ્છ જ્ઞાનેશ્વર પ્રસાદ તથા કચ્છની ખાનગી અને સરકારી બેન્કોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઓબીના નિતેશ બારગવાને, સ્મિત અજાણી, રવિરાજસિંહ ઝાલા તથા અંકિત શુક્લાએ જહેમત ઉઠાવી હતી. એનઆરએલએમના સચિન પંડ્યા તથા આરોહ ફાઉન્ડેશનના દાનવીરસિંહ તથા તેમની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમનું સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું.
----

Comments