હરીયાણાથી કચ્છ સુધીના ગેરકાયદેસર રોકડ હેરફેર કૌભાંડનો પર્દાફાશ
હરિયાણાથી ગાંધીધામ આવતી કારમાંથી ર૦.પ૦ લાખની રોકડ ઝડપાઈ
ત્રણ આરોપીઓની ધરપકડ : રાજસ્થાન પોલીસની તપાસ ટીમનો સપાટો : પ્રારંભીક તબક્કે હવાલાકાંડની આશંકા : પોલીસ ટીમની તત્પરતાને કારણે એક મોટું ગેરકાયદેસર વ્યવહારનું કાવતરું ટળી ગયું : કાર્યવાહી બાદ પોલીસે તાત્કાલિક આવકવેરા વિભાગને આ અંગે જાણ કરી
ગાંધીધામ : રાજસ્થાન પોલીસની આકસ્મિક તપાસમાં ગેરકાયદે નાણાની હેરફેરનું મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. હરિયાણાથી કચ્છના ગાંધીધામ આવી રહેલ એક કારમાંથી રાજસ્થાન પોલીસે લાખોની રોકડ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. પ્રારંભીક તપાસમાં આ ગેરકાયદે નાણાકીય હેરફેર કોઈ હવાલાકાંડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આવક વેરા વિભાગને તેની જાણ કરી આગળની તપાસનો દોર આરંભ્યો છે. આગામી દિવસોમાં તપાસના તાર ગાંધીધામ પહોંચશે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના સિરોહીના આબુ રોડ રેઇકો પોલીસે ગેરકાયદેસર રોકડની હેરફેર અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે અને હરિયાણાથી નિકળી ગાંધીધામ આવતી સ્કોર્પિયો કારમાંથી ૨૦ લાખ ૫૦ હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કાર પણ જપ્ત કરી છે. રોકડ અંગે કોઈ માન્ય દસ્તાવેજો ન મળતા પોલીસે કાર્યવાહી કરી હતી.આબુ રોડ રેઇકો પોલીસ સ્ટેશનના અધિકારી લક્ષ્મણ સિંહ ચંપાવતએ જણાવ્યું હતું કે માઉન્ટ આબુ સર્કલ ઓફિસર ગોમારામની દેખરેખ હેઠળ, પોલીસ સ્ટેશન સ્તરની ટીમે આબુ રોડ-પાલનપુર ચાર રસ્તા પર સ્થિત માવલ ચોકીમાં નાકાબંધી કરી હતી. આ દરમિયાન, હરિયાણાથી પસાર થતી એક કારને રોકવામાં આવી હતી, જે આબુ રોડથી ગુજરાત તરફ જઈ રહી હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેઓ રોકડ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ઊલટું, પૂછપરછ દરમિયાન, તેઓ ઉશ્કેરાઈ ગયા અને દલીલ કરવા લાગ્યા, જેનાથી શંકા વધુ ઘેરી બની હતી. કારની તલાશીમાં ૨૦ લાખ ૫૦ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જેના કોઈ માન્ય દસ્તાવેજો નહોતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાજેશકુમાર બલવીરસિંહ કશ્યપ (સોનીપત), પ્રદીપકુમાર જગવીર જાટ (ગોહાના) અને રાજકુમાર પ્રકાશ જાટ (ગોહા)ના તરીકે થઈ છે. આ ત્રણેય આરોપીઓ હરિયાણાથી ગુજરાતના ગાંધીધામ જઈ રહ્યા હતા.પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને કાર અને રોકડ રકમ જપ્ત કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. એસએચઓના જણાવ્યા મુજબ, એવી શંકા છે કે પૈસા ગેરકાયદેસર રીતે હવાલા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા, જેની તપાસ બાદ
પુષ્ટિ થશે. આ સમગ્ર કામગીરીમાં આબુરોડ રેઇકો પોલીસની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની તત્પરતા અને સતર્કતાને કારણે, સંભવિત હવાલા નેટવર્ક દ્વારા મોટી રકમની રોકડની હેરફેરને સમયસર રોકી શકાઈ છે.

Comments