અણુવ્રત સમિતિ ભુજ દ્વારા સંયમ દિવસની અનોખી સાધના
૧૨૦ પોરસીના પ્રત્યાખ્યાન તથા આગામી મંગળવારે ૨૫૦ પચ્ચખાણ કરાવવામાં આવશે
ભુજ : આત્મસંયમ, સાધના અને નૈતિક જીવનમૂલ્યોના પ્રચારમાં સતત સંલગ્ન અણુવ્રત સમિતિ ભુજ દ્વારા સંયમ દિવસ નિમિત્તે મંગળવારના દિવસે એક અનોખી આગવી શરૂઆત થઈ હતી. સમિતિના પ્રયત્નોથી શહેરના અનેક શ્રદ્ધાળુઓએ આ દિવસે સૂર્યાસ્તથી લઈને બીજા દિવસે સવારે ૧૦ વાગ્યા સુધી કશું પણ ખાવા-પીવાના ત્યાગ કરીને પોરસીના પ્રત્યાખ્યાન કર્યા હતાં. કુલ ૧૨૦ ભક્તજનો દ્વારા આ તપસાધનાનું પાલન કરાયું હતું, જે સમાજમાં સ્વયંશિસ્ત અને સંયમ પ્રત્યેની ભાવનાને ઊંડાણ આપે છે.જેમાં સમિતિના ઉપાધ્યક્ષા ભારતીબેન શાહે પરિશ્રમ કરીને સૌને પ્રેરણા આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અણુવ્રત આંદોલન માત્ર સિદ્ધાંતોની વાત નથી રહી, તે હવે જીવનશૈલી બની ગઈ છે. સંયમ દિવસનો ઉપક્રમએ જીવનમાં સંયમ, નમ્રતા, ઉપવાસ, પ્રત્યાખ્યાન તથા નૈતિક ઊર્જાના સંચાર માટેનું ઉત્તમ સાધન છે. ભુજની અણુવ્રત સમિતિએ આ સંયમ દિવસને ઉત્સવ સમાન આકાર આપ્યો હતો-પણ એ ઉત્સવ હર્ષના નહીં, આત્મવિવેક અને અહિંસા પરમો ધર્મના મૂળ મૂલ્યો સાથે ઊંડા જોડાણનો હતો. ભુજ સમિતિના અધ્યક્ષ મહેશ પ્રભુલાલ મહેતા તથા નિવૃત્ત અધ્યક્ષ નરેન્દ્ર મહેતા તથા સ્થાપક અધ્યક્ષ વાડીલાલ મહેતા દ્વારા આ પ્રસંગે સમિતિના આગેવાનો અને સાધકોએ જણાવ્યું હતું કે આવનારા મંગળવારે, સમાજના વિસ્તૃત સહયોગ સાથે વધુ મોટા પાયે "પચ્ચખાણ" યોજાશે. આશરે ૨૫૦ પચ્ચખાણો લેવાનું આયોજન છે, જેમાં વિવિધ પ્રકારના પચ્ચખાણ-જેમ કે નાનામાં નાના નવકારશીના પ્રત્યાખ્યાન થી લઈને ઉપવાસ સુધીના ત્યાગ સાથે અનેક જણ આત્મશોધનના માર્ગે આગળ વધી રહ્યા છે.
અણુવ્રત સમિતિ ભુજ દ્વારા આ યોજનાઓ માત્ર ધાર્મિક નહીં પરંતુ સમાજમાં વ્યાપી રહેલા અશાંત જીવનપ્રવાહમાં થોભીને પોતાના અંતરમાં ઝાંકી જુઓ એવી ભાવના સાથે પ્રેરિત છે. આ દિવસો મનન, ચિંતન અને આત્મવિશ્લેષણ માટેના અવસર બની રહ્યા છે. આ કાર્યમાં અશોક કાંતિલાલ ખંડોલ, ભારતીબહેન સેવંતી શાહ, નવીન શાહ, દિનેશ રાજપાર મહેતા, ભરત બાબરિયા, મોતીલાલ મગનલાલ શાહ, મહેશ નેમજી ગાંધી, આશીષ નાનાલાલ બાબરિયા, ગીરીશ ભાઈચંદ મહેતા, મેઘા તેજશ મહેતા, શ્વેતા દોશી, અશોક કેશવલાલ સંઘવી, વિક્રમભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ શાહ, ભદ્રેશ દોશી, સંદિપ મુલચંદ મહેતા, હાર્દિક ફતેચંદ બાબરિયા, ભરત ભાઈચંદ મહેતા, જગદીશ કાનજી દોશી, વર્ષા જગદીશ દોશી, પ્રફુલ્લા ફતેચંદ બાબરિયા, દિપક દલીચંદ મહેતા, ભાવિક ચુનીલાલ મહેતા, મિતુલ મહેતા, નિલેશ શાંતિલાલ મહેતા, પાર્થ સુરેશ ઘારશી મહેતા તથા અવની સોનીનો વિશિષ્ટ ઉલ્લેખ જરૂરી છે કે તેઓ સમાજના દરેક વર્ગ સુધી અણુવ્રતના સિદ્ધાંતો પહોંચે અને તે જીવનમૂલ્યરૂપે રચાય તે માટે અપાર ઉર્જા સાથે કાર્યરત છે.
સમિતિના સભ્યો અને ભક્તજનોના સમર્પણ અને તપશ્ચર્યાના ભાવને આદરપૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે અને ભાવિ પચ્ચખાણ દિનને વધુ ઉચિત રીતે ઉજવવા માટે આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્યા સાધ્વી હેમલતાજી આદી ઠાણા-૫ના માર્ગદર્શન સાથે તૈયારીઓ ચાલી રહી છે. આ આધ્યાત્મિક અભિયાન ભુજ શહેર માટે આદરપૂર્ણ ગૌરવની લાગણી ઉભી કરે છે. જ્યાં સંયમનો પ્રકાશ મનુષ્યમાત્ર માટે પથદર્શક બની રહ્યો છે તેવું એક યાદીમાં અણુવ્રત સમિતિના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----------------

Comments