આશાપુરા વુમન્સ એકેડમી દ્વારા મહિલા હુન્નર મેળાનું આયોજન કરાયું
ભુજ : મહિલાઓમાં રહેલી કળાને ઉજાગર કરી તેને એક નવી દિશા - નવી ઓળખ મળે તેવો અવસર આપી, આપણી સંસ્કૃતિને જીવંત રાખવાના હેતુસર મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે અને મહિલાઓ થકી આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત આશાપુરા વુમન્સ એકેડમી દ્વારા મહિલા હુન્નર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું ઉદ્દઘાટન ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી દ્વારા થયું હતું. તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, રચના શાહ, વંદનાબેન ભાવસાર જોડાયા હતા.આશાપુરા ફાઉન્ડેશન દ્વારા ભુજોડી સ્થિત હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્કમાં કચ્છના કારીગરોને વિનામૂલ્યે માર્કેટ પૂરું પાડવામાં આવે છે, જે થકી કચ્છના કારીગરોનો ખૂબ સારો વિકાસ થયો છે. આમ સંસ્થાનો હેતુ ખરા અર્થમાં સાર્થક થયો છે.
આ બે દિવસના કાર્યક્રમમાં ૧૬ જેટલી બહેનોએ પોતાની અવનવી કળાના કામણ પાથરી સમાજ તરફથી સારો પ્રતિસાદ તેમજ ભવિષ્ય માટે નવા ઓર્ડર મળે તેવી નિશ્ચયતા પ્રાપ્ત કરી હતી. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે વેશભૂષા તથા સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ કન્યાકુંજ ની બાળાઓ દ્વારા પોતાની શારીરિક મર્યાદાઓને ઓળંગીને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાખડીનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. શ્રમ, શૃંગાર અને સંગઠનના આ તહેવારમાં દીનાબેન ચેતનભાઇ શાહ ઓનલાઇન હાજર રહીને દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સાર્થક બનાવવા હરીશભાઈ, હસ્મિતાબેન, પ્રિતીબા, સંગીતાબેન, પ્રવિણાબેન, ગીતાબેન, આશાબેન, વંદનાબેન, નૈમિષાબેન, આરતીબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.
----------

Comments