નખત્રાણા - ભુજ રસ્તાની વરસાદે દશા બગાડી છતાં તંત્ર કુભકર્ણની નિંદ્રામાં
બે - બે ટોલનાકા ધરાવતો ધોરીમાર્ગ
મોતના કુવા જેવો ભયજનક રસ્તો તાકીદે મરામત માંગે છે : મોટો અકસ્માત સર્જાય તે પહેલા મરામત જરૂરી : નવ સો સતાવન કરોડ રસ્તા માટે મંજૂર થયા પણ કામ કયારે ? : રસ્તામાં ઠેર - ઠેર ખાડા છતાં ટોલ ટેક્સ ઉઘરાવાય છે : સરકારે આ રસ્તો જીએસઆરડીસી નિગમ પાસે લઈને માર્ગ મકાનને સોંપવો જોઈએ તેવી ઉઠી માંગ : ભુજ - અબડાસાના ધારાસભ્યો અને પ્રજાના પ્રતિનિધિઓ અનેક વખત સંકલનમાં પ્રશ્ન ઉઠાવે છે પણ રસ્તો સુધારવાના બદલે બગડે છે
નખત્રાણા : ભુજથી નખત્રાણા પ૦ કિલોમીટરનો રસ્તો ભારે વરસાદમાં ધોવાતા આ માર્ગ અગાઉ જર્જરીત હતો હવે વધુ જર્જરીત બન્યો છે. ઠેર ઠેર ખાડા પડતાં આ રસ્તો કોઈ મોટો અકસ્માત સર્જે તે પહેલા મરામત કરવા ઉગ્ર માંગ ઉઠી છે.
બે - બે ટોલનાકા ધરાવતો આ માર્ગ મોતના કુવા જેવો ભયજનક બન્યો છે. જીએસઆરડીસી વિભાગ જેને કચેરી ભુજમાં નથી. ગાંધીનગર મુખ્યમંત્રી હસ્તક આવે છે તે કચેરીના હકુમત હેઠળ આ રસ્તો નવો બનાવવા ૪ મહિના પહેલા સરકારે નવસો કરોડ સતાવન લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવી છે પણ ફાઈલ આગળ વધતી નથી. ભુજ - અબડાસાના ધારાસભ્યોએ અનેક વખત જિલ્લા - તાલુકાની સંકલન બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો છે પણ નથ ઝાડ કટીંગ થતી કે, નથી ખાડા પુરાતા આ ખાડાના લીકે રથી ૩ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. માનકૂવાથી નખત્રાણા ૪૦ કિ.મી. માર્ગ હાઈવે હોય તેવું લાગતું જ નથી. ડાકડાઈથી સામત્રા અને દેશલપરથી દેવપર સુધી અનેક ખાડા છે, જે મોતને નોતરે છે. વાહન ચાલકો માટે આ માર્ગ માથાનો દુઃખાવો છે. ડામરનો નામો નિશાન મીટાવતા રસ્તામાં કયારે મરામત થશે ? વાહન ચાલકો અગાઉ તા.પં. પૂર્વ પ્રમુખ જયસુખભાઈ પટેલ પાસે રજૂઆત કરી હતી અને જયસુખભાઈ આ બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી. વાહન ચાલકો કહે છે. દેશલપરથી નલિયા એક્સપ્રેસ રોડ સારો છે, ત્યાં કોઈ ટોલનાકુ નથી અને નખત્રાણાથી નારાયણસરોવર રોડ સારો છે. ત્યાં પણ કોઈ ટોલનાકુ નથી. જયારે ભુજથી નખત્રાણા પ૦ કિ.મી.માં બે ટોલનાકા હોવા છતાં રસ્તો ખરાબ છે. આ નિગમનો રસ્તો છે. જયારે ઉપરોક્ત બંને રસ્તા માર્ગ - મકાન વિભાગમાં આવે છે. તો નિગમ પાસેથી આ માર્ગ લઈને માર્ગ મકાન વિભાગને આપવો જોઈએ અને ટોલટેક્સ પણ બંધ કરવા જોઈએ તેવી વાહન ચાલકો માંગ કરી છે. ટૂકમાં આ રસ્તો તાકીદે નવનીકરણ પામે તે માટે લોકો ઉગ્ર આંદોલન કરે તે પહેલા સરકાર તાકીદે કામગીરી કરવી જોઈએ તેવી બુલંદ માંગ ઉઠી છે.

Comments