આદિપુરમાં ૭.૬૦ લાખના હેરોઈન સાથે તરનતારન જિલ્લાનો યુવક પકડાયો
પૂર્વ કચ્છમાં માદક પદાર્થો સામે પોલીસની કાર્યવાહી યથાવત
ભુજ : પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્રગ્સની બદી અટકાવવા માટે એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે આદિપુર પોલીસ તપાસમાં હતી ત્યારે તરનતારન જિલ્લાના શખ્સને હેરોઈન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ, પીઆઈ એમ.સી.વાળાની સૂચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમાને બાતમી મળી કે, ગળપાદરથી અંજાર જતા રોડ પર જુમાપીર ફાટક પાસે એક ઈસમ માદક પદાર્થ લઈને આવે છે. જેના આધારે ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પંજાબના તરનતારન જિલ્લાના ૩૮ વર્ષિય બલદેવસિંગ બીરાસિંગને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ૧પ.ર૧ ગ્રામ હેરોઈન કિંમત રૂા.૭,૬૦,પ૦૦ નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખેલ હતો તેને પકડી લેવામાં આવ્યો હતો. પુછપરછ કરતા તરનતારન જિલ્લાના બલરાજસિંગ લાલસિંગ પાસેથી માલ લીધો હોવાની કબૂલાત આપવામાં આવી હતી. પોલીસે મોબાઈલ, વજનકાંટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અત્રે મહત્ત્વનું છે કે, પૂર્વ કચ્છ જિલ્લામાં ખાસ કરીને પંજાબના તરનતારન જિલ્લામાંથી હેરોઈન, એમડી, કોકેઈન સહિતના ડ્રગ્સ આવે છે, જ્યારે બિહાર, ઓરિસ્સામાંથી ગાંજો સપ્લાય થાય છે. જ્યારે પોસડોડા વાગડના ખેતરોમાં ઉગે છે. પંજાબ અને ઓરિસ્સાથી આરોપીઓ માલ લઈને આવે અને ગાંધીધામના કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાઈ અલગ અલગ સ્થળોએ ફરી માલ વેચી તેઓ નીકળી જાય છે અને ફરી માલ લઈને વેચવા માટે આવતા હોય છે. આ પ્રમાણેની મોડસઓપરેન્ડીમાં પૂર્વ કચ્છમાં ડ્રગ્સનો ધંધો ચાલી રહ્યો છે.
..............
ભુજના શખ્સના કહેવાથી સુરેન્દ્રનગરનો શખ્સ ૧૦ કિલો ગાંજો લઈ નાની ખોંભડીમાં વેચવા આવ્યો ને પકડાયો
ભુજ : નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામના ગેટ પાસે ગાંજો વેંચવા આવેલા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બાબતે નખત્રાણા પોલીસમાંથી મળતી વિગતો મુજબ એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજના જુસબ મામદ ગગડાના કહેવાથી સુરેન્દ્રનગરનો ૪ર વર્ષિય સુલેમાન લખુભાઈ માલાણી (મિંયાણા) સુરેન્દ્રનગરમાંથી માદક પદાર્થ ગાંજો મેળવી પોતાની રિક્ષા નં.જીજે૧૮ - બીવાય - ૧૪૧પ મા ૧૦.૧૧પ કિલો ગાંજો લાવી નાની ખોંભડીમાં માલની ડિલેવરી આપવા આવ્યો ત્યારે પકડાઈ ગયો હતો. પોલીસે ૧,૦૧,૧પ૦ નો ગાંજો અને એક લાખની રીક્ષા કબજે કરી સુલેમાનની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે શખ્સો હાજર મળ્યા નથી. નખત્રાણા પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments