કચ્છની લોકનારીઓએ ગૃહઉદ્યોગ થકી પોતાની કલાના કામણ પાથરી વિશ્વ ફલક પર બનાવી આગવી ઓળખ
માધાપરના છાયાબેન સખી મંડળ સાથે મળી ગોબર આર્ટની અનોખીવસ્તુઓ તૈયાર કરી ઘરે બેઠા મેળવી રહ્યા છે રોજગારી
ભુજ : કચ્છની લોકનારીઓ વિવિધ હસ્તકળાના માધ્યમથી સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. ભુજમાં આયોજિત હાથશાળ અને રાખી મેળામાં પોતાની કલાનું પ્રદર્શન કરતા સખીમંડળના માધાપરના મહિલા છાયાબેન ભટ્ટ પાસેથી જાણીએ તેમના ભાતીગળ કલા અને આવડતના ઉત્કૃષ્ટ સર્જન વિશે.છાયાબેને જણાવ્યુ હતું કે, તેઓ જય અંબે મિશન મંગલ અને પૃથ્વી મિશન મંગલમ સખી મંડળ સાથે જોડાયેલા છે. જેમાં વિવિધ ગામના ૨૨ બહેનો સાથે મળીને પોતાની કલા થકી ઘરે બેઠા આવક પ્રાપ્ત કરી રહી છે. આ સખી મંડળ દ્વારા મડવર્ક, ગોબર આર્ટ, વિવિધ ભરતકામ, ગોબરથી બનાવેલી ઘર સુશોભનની વસ્તુઓ તેમજ હેન્ડમેડ જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. આમ, સરકારની યોજના હેઠળના સખીમંડળના માધ્યમથી સંગઠિત અશિક્ષિત મહિલાઓ પણ ઘરે જ રહીને પોતાની આવડત થકી માસિક રૂ. ૭ થી ૮ હજારની આવક કરીને ઘરમાં મદદરૂપ થઈ રહી છે. વધુમાં તેઓ ઉમેરે છે કે, મહિલાઓ દ્વારા સંચાલિત ગૃહ ઉદ્યોગ આજે ફૂલ્યો ફાલ્યો છે. જેના થકી અનેકવિધ મહિલાઓના ઘર આજ ફરી ખીલ્યા છે. મહિલાઓના આ વિકાસમાં રાજ્ય સરકાર દ્વારા લોનની યોજના અને ઉદ્યોગના પ્રચાર પ્રસાર માટે ગોઠવવામાં આવતાં વિવિધ પ્રકારના એક્ઝીબિશન દ્વારા આજે મારા જેવી અનેક મહિલાઓને લાભ થઈ રહ્યો છે, તો છેવાડાની મહિલાને પોતાની કલા થકી આવકનો સ્ત્રોત પ્રાપ્ત થઈ રહ્યો છે. મહિલાઓના વિકાસ માટે હંમેશા ચિંતિત એવા રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યકત કર્યો હતો.
----------

Comments