સીઆરપીએફ ગ્રુપ કેન્દ્ર - ગાંધીનગરના ૫૮માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
પોલીસ મહાનિરીક્ષક અનુપમ શર્માની અધ્યક્ષતામાં
સીઆરપીએફના જવાનો દ્વારા તૈયાર કરાયેલા ૨૫થી વધુ સ્ટોલનું પોલીસ મહાનિરીક્ષકે કર્યું ઉદ્દઘાટન
ગાંધીનગર : સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ગાંધીનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘૫૮માં સીઆરપીએફ ગ્રુપ કેન્દ્રની’ ઉજવણી સીઆરપીએફ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેંજ અનુપમ શર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સીઆરપીએફના જવાનો દ્વારા તૈયાર કરાયેલા ૨૫થી વધુ સ્ટોલનું પોલીસ મહાનિરીક્ષકશ્રી દ્વારા ઉદ્દઘાટન કર્યું હતું.આ પ્રસંગે પોલીસ મહાનિરીક્ષક અનુપમ શર્માએ જણાવ્યું હતું કે, આ ગ્રુપ કેન્દ્રની સ્થાપના તા.૧ ઓગસ્ટ ૧૯૬૮ના રોજ રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવલી ગામેથી કરવામાં આવી હતી. આજે આ ગ્રુપ કેન્દ્રનો ૫૮મો સ્થાપના દિવસ છે. જેની સર્વે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ સાથે સંકળાયેલા પોલીસ જવાનો અને તેમના પરિવારોને શુભકામનાઓ પાઠવું છું.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સીઆરપીએફના જવાનો દેશની આંતરિક સુરક્ષા, ચૂંટણી, કુદરતી આપત્તિઓ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓમાં ફરજ બજાવતા હોય છે. સીઆરપીએફના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની ફરજ, હિંમત અને અડગ પ્રતિબદ્ધતાને પરિણામે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. આ સ્થાપના દિને પરેડ ગ્રાઉન્ડ ઉપર જવાનો દ્વારા ૨૫થી વધુ સ્ટોલ તૈયાર કરયા છે. જેમાં મુખ્યત્વે શિક્ષણ, મેડીકલ - કોસ્મેટીક, રમત-ગમત અને ખાણી-પીણી વગેરેનો સમાવેશ થાય છે. સીઆરપીએફના અધિકારીઓ- જવાનોને તેમના પરિવાર સાથે આ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને જવાનોનો જુસ્સો વધારવા અનુપમ શર્માએ અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં સીઆરપીએફ-ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષકની ધર્મપત્ની સુખબીર કૌર, મેડીકલ મહાનિરીક્ષક ડૉ. રક્ષપાલ સિંહ, કમાન્ડેન્ટ વિજયકુમાર વર્મા, ૧૩૫ મહિલા કમાન્ડેન્ટ વિજયા ઢૂંઢિયાલ તેમજ સીઆરપીએફના અધિકારા્, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
-- ---

Comments