Trending News
સ્થાનિક સમાચાર

એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત ભુજ હાટ ખાતે “સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ” કાર્યક્રમ યોજાયો

01 August





૬ કાર્યક્ષમતા સૂચકાંકોમાં પૂર્તિ હાંસલ કરી એસ્પિરેશનલ બ્લોક તરીકે પસંદગી પામનાર રાપર તથા લખપતના કર્મયોગીઓનું સન્માન કરાયું

ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ દેશના અલ્પવિકસિત ૫૦૦ તાલુકામાંથી નક્કી કરાયેલી કાર્યક્ષમતા સૂચકાંકોમાં ૧૦૦ ટકા પૂર્તિ હાંસલ કરનાર એસ્પિરેશનલ બ્લોક તરીકે કચ્છના રાપર તથા લખપત તાલુકાની પસંદગી કરાઇ છે ત્યારે ભુજ હાટ ખાતે “સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ” કાર્યક્રમ હેઠળ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાપર અને લખપત તાલુકાના અધિકારી તથા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ દેશના અલ્પવિકસિત ૫૦૦ તાલુકામાં ઝડપી અને અસરકારક પરિવર્તન લાવવાનો હેતુ ધરાવે છે. જુલાઇ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનએ આકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સ માટે ૬ મહત્વપૂર્ણ સૂચકાંકોમાં પૂર્તિ હાંસલ કરવા માટે શરૂ કરાયેલી ઐતિહાસિક પહેલ હતી. જેમાં રાપર અને લખપત બ્લોકે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત ૬ મહત્વપૂર્ણ કાર્યક્ષમતા સૂચકાંકોમાં ૧૦૦ ટકા પૂર્તિ હાંસલ કરી છે. જે અંતર્ગત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને “સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાને ૨ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. તેમાં કચ્છ કલેક્ટર આનંદ પટેલને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત ભુજ ખાતે જિલ્લાકક્ષાનો સન્માન સમારોહ યોજાયો હતો.
એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત આયોજિત ભુજ હાટ ખાતેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમમાં કચ્છના પસંદ કરાયેલા રાપર અને લખપત તાલુકાના આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઇસીડીએસ, ગ્રામસેવક, ડીઆરડીએ સહિતના વિવિધ વિભાગના કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતુ. રાપર તાલુકા ટીમ વતી તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા તથા લખપત તાલુકા ટીમ વતી તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોરનું ગોલ્ડ મેડલ આપી પદાધિકારીશ્રીઓના હસ્તે બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝન થકી ભૂકંપમાંથી બેઠું થયેલું કચ્છ આજે પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે, ખાસ કરીને કચ્છની ઓળખ સમાન હેન્ડીક્રાફ્ટને એક નવી ઓળખ અને માર્કેટીંગ પ્લેટફોર્મ પ્રાપ્ત થયું છે. છેવાડાના લોકોને પણ રોજગાર મળી રહે તે વડાપ્રધાનશ્રીની નેમ સાર્થક થઇ છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને હંમેશા કચ્છની ચિંતા કરી છે, અહીંની હસ્તકલાને પ્રોત્સાહન આપતા આજે મહિલાઓ ઘેર બેઠા પોતાની હસ્તકલાથી રોજગાર મેળવી રહી છે, આકાંક્ષા હાટ(વોકલ ફોર લોકલની પહેલ)ના કારણે કારીગરોને વેચાણનું પ્લેટફોર્મ મળતા તેઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ પ્રસંગે હાથશાળ, રાખી મેળાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે પદાધિકારીઓ તથા અધિકારીઓએ આકાંક્ષા હાટ હેઠળ ભાગ લેનાર કારીગરોના સ્ટોલની મુલાકાત લઇને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તાલીમી સનદી અધિકારી એમ.ધારિણી, જિલ્લા આયોજન અધિકારી જે.સી.રાવલ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ, હસ્તકલાના કારીગરો હાજર રહ્યા હતા.
---------

Comments

COMMENT / REPLY FROM