નખત્રાણા તાલુકા કક્ષાના રમતોત્સવમાં ૯૮ શાળાના ૧૬૭૦ બાળકોએ ભાગ લીધો
સંતકૃપા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવનું સફળ આયોજન : વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ૨૮ પ્રથમ સ્થાન, ૨૧ દ્વિતીય સ્થાન અને ૧૦ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યા
નખત્રાણા : તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવનું આયોજન સંતકૃપા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. તાલુકાની ૯૮ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ૧૬૭૦ બાળકોએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. રમતોત્સવનો શુભારંભ વિરાણી રામ મંદિરના લઘુ મહંત સુરેશ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પતુભા જાડેજા, સીઆરસી યોગેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી. ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓના સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રત્યે પણ ખાસ કાળજી રાખવામાં આવી હતી.
સંતકૃપા વિદ્યાલયના ટ્રસ્ટી જાડેજા મુરૂભા વિશાજીએ જણાવ્યું કે, સંસ્થાના બાળકોએ આ રમતોત્સવમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે. સંતકૃપા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કુલ ૨૮ પ્રથમ સ્થાન, ૨૧ દ્વિતીય સ્થાન અને ૧૦ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યા હતા. કબડ્ડી અને વોલીબોલમાં પ્રથમ સ્થાન અને ખો-ખોમાં દ્વિતીય સ્થાન મેળવીને શાળા અને સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નિર્ણાયક તરીકે ડૉ. વિપુલભાઈ મોદી, નિલેશભાઈ પટેલ, નલીનભાઈ પટેલ, આશિષભાઈ, પાર્થભાઈ જોશી, માલાભાઈ, કનકસિંહ, પરેશભાઈ, અનિલભાઈ અને શંકરસિંહ સોઢાએ નિષ્પક્ષ અને સચોટ સેવાઓ આપી હતી. આયોજન વિપુલભાઈ ધોળુ દ્વારા કરવામાં આવ્યું હતું.
----

Comments