ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના ખાતામાંથી ર.ર૮ લાખ ઉસેડી લેવાયા
પૂર્વ કચ્છમાં આરટીઓની બોગસ એપના નામે ત્રીજી ઠગાઈ
એમ પરિવહનની એપ મોકલાવી મોબાઈલ હેક કરી ત્રણ ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા
ગાંધીધામ : હાલમાં ઓનલાઈન ઠગાઈમાં આરટીઓની એપ્લિકેશનના નામે છેતરપીંડીના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં વોટ્સએપમાં આરટીઓની એપ્લિકેશનની લિન્ક મોકલાવી તમારો મેમો આવ્યો છે. તેમ કહી ચેક કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવાય છે. બાદમાં મોબાઈલ હેક કરી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. રાજ્યભરમાં ઠગાઈના બનાવો વધતા ગુજરાત પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી આવી કોઈપણ એપ ડાઉનલોડ ન કરવા જણાવાયું છે. પૂર્વ કચ્છના ટુંકાગાળામાં આ પ્રમાણે ઠગાઈનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. જેમાં હવે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ભોગ બન્યા છે. આ બાબતે ફરિયાદી ગાંધીધામમાં રહેતા ટ્રાન્સપોર્ટનું કામ કરતા જગદીશભાઈ ધરમશીભાઈ મસુરિયાના જણાવ્યા પ્રમાણે ગત રર જૂનના તેમના મોબાઈલમાં એમ પરિવહન નામની એપ્લિકેશનની ફાઈલ આવી હતી. જે ફાઈલ ખોલતા તેમનો મોબાઈલ હેક થયો અને બેન્ક ઓફ બરોડાના ખાતામાંથી પ૦,ર૪૩, નિલકંઠ ટ્રાન્સપોર્ટના ખાતામાંથી ૭૮,૪પ૦ અને એચડીએફસીના બેન્કના ખાતામાંથી ૯૯,૯૮૩ મળી કુલ ર,ર૮,૦૭૬ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ જતા ૧૯૩૦ મા ફોન કરી જાણ કરવામાં આવી હતી અને ફરિયાદ નોંધાવાઈ છે. રૂપિયા પરત ન મળ્યા અને રકમ પણ ફ્રીઝ થઈ ન હોવાથી એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. આ પ્રમાણેના વધતા બનાવોથી લોકોમાં ઉચાટ ફેલાયો છે. આવી કોઈપણ લિન્ક કે એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી જ સૌથી મોટી સમજદારી છે.

Comments