ભુજ તાલુકા પંચાયતમાં ૪૦ હજારની લાંચ લેતા ગ્રામ સેવકની ધરપકડ
પ્રાધાનમંત્રી આવાસ યોજનાની અરજી મંજૂર કરવા માટે માંગી હતી રકમ
ભુજ : અહીં તાલુકા પંચાયતમાં પ્રાધાનમંત્રી આવાસ યોજનાની અરજી મંજૂર કરવા માટે ૪૦ હજારની લાંચ માંગવામાં આવી હતી, જેમાં ગ્રામ સેવકની ધરપકડ કરવામાં આવી છે. જયારે ટેકનિકલ આસિસ્ટન્ટનું નામ ખુલ્વા પામ્યું છે.
આ બાબતે મળતી વિગતો મુજબ અરજદારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે ભુજ તાલુકા પંચાયતમાં અરજી કરી હતી, જેમાં જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ વિશાલ ભરતભાઈ જોષી દ્વારા ૪૦ હજારની લાંચ માંગવામાં આવી હતી. આ રકમ ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલને આપવા જણાવાયું હતું. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભુજ એસીબીનો સંપર્ક કર્યો હતો. અને એસીબીએ દરોડો પાડી લાંચની રકમ સ્વીકારતાં દર્શન પટેલને ઝડપી લીધો હતો. એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં ભુજ એસીબીના પીઆઈ એલ.એસ. ચૌધરીની ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતના કર્મચારી લાંચ લેતા પકડાઈ જતાં સમગ્ર તાલુકા પંચાયતમાં ચકચાર મચી જવા પામી હતી.
---

Comments