નખત્રાણાના દેવીસરમાં રેતીચોરી પર ફલાઈંગ સ્કવોડનો સપાટો
નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા ૩ વાહનો કરાયા જપ્ત
ભુજ : પશ્ચિમ કચ્છમાં વ્યાપક બનેલા રેતી અને ખનીજ ચોરીના દુષણ પર તંત્ર દ્વારા અવારનવાર ગાજ વરસતી હોય છે. બેફામ બનેલા ખનીજ માફિયાઓને ડામવા ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોડ દ્વારા સમયાંતરે આકસ્મિક તપાસ કરી ઝડપી પાડવામાં આવતા હોય છે. દરમ્યાન જ ફલાઈંગ સ્કવોડને મળેલી પૂર્વ બાતમીને આધારે ગત મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડે નખત્રાણા તાલુકાના દેવીસર ગામના નદીપટ્ટ વિસ્તારમાં ખાનગી વાહનથી તપાસ હાથ ધરી હતી. જેમાં નદીપટ્ટમાં એક લોડર મશીન દ્વારા સાદી રેતીનું ખનન થતું જોવા મળ્યું હતું. સાથે જ બે ડમ્પર રેતી ભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ફ્લાઈંગ સ્કવોડની ટીમે સ્થળ પર રેતી ખનન અને વહન માટેની પરવાનગીની તપાસ કરી હતી. જેમાં હાજર મળેલા શખ્સો પાસે કોઈપણ માન્ય પુરાવા ન મળતા પરવાનગી વગર સાદી રેતીનું ખનન અને વહન થઈ રહ્યું હોઈ તપાસ ટીમે સ્થળ પર હાજર તમામ વાહનોને સીઝ કરી દીધા હતા. જપ્ત કરાયેલા વાહનોને નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા એક લોડર મશીન અને બે ડમ્પર સહિત કુલ્લ અંદાજીત ૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---

Comments