Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના કુખ્યાત બુટલેગરનો ૩ર.૪૦ લાખનો વિદેશી દારૂ સાંતલપુરમાં પકડાયો

31 July



સાંતલપુર પોલીસની નાકાબંધી દરમિયાન ટ્રેઈલરની તપાસમાં ખાતરના કટ્ટા નીચે છૂપાવેલો ૫૨.૯૭ લાખનો વિદેશી દારૂ સાથે બે પકડાયા, પાંચ ફરાર

ગાંધીધામ : સાંતલપુર પોલીસે ગાંધીધામના કુખ્યાત બુટલેગરે મંગાવેલ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો કચ્છમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ૫૨,૯૭,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.નાકાબંધી વખતે પોલીસે હરિયાણા પાસીંગના એચઆર-૬૨-૬૭૨૫ નંબરના ટ્રેલરને અટકાવ્યું હતું. આ ટ્રેલરમાં જીપ્સમ ખાતરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન છુપાવવામાં આવ્યા હતા. તપાસમાં કુલ ૮૧૧૨ નંગ બોટલો અને ટીન મળી આવ્યા. આ દારૂની કિંમત ૩૨,૪૦,૬૦૦ આંકવામાં આવી છે. ઘટના સ્થળેથી બે આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ બંને હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના મેહુવાલા ગામના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓમાં રોહતાશ સુભાસચંદ્ર રામકુમાર કડવાસરા (૨૭) અને વિક્રમકુમાર રણસિંહ ભાગીરથ થાકેન (૨૮)નો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ટ્રેલર ગાડી (૨૦,૦૦,૦૦૦), બે મોબાઈલ ફોન (૧૦,૦૦૦), ૨૦ નંગ જીપ્સમ ખાતર ભરેલા કટ્ટા (૪૫,૩૬૦), એક પ્લાસ્ટિકની તાડપત્રી (૧૦૦૦), અને એક જી.પી.એસ. (૧૦૦૦)નો સમાવેશ થાય છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓ ફરાર છે. તેમાં ટ્રેલરના માલિક, દારૂનો જથ્થો મોકલનાર સંદિપ ગીલ અને હરદિપ જાટ (બંને હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના મંદોરી ગામના રહેવાસી), દારૂનો જથ્થો ભરી આપનાર બે અજાણ્યા ઈસમો, અને દારૂનો જથ્થો મંગાવનાર ગાંધીધામના રાહુલનો સમાવેશ થાય છે.સાંતલપુર પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫એ, ૬૫ઇ, ૧૧૬-બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM