ભુજ અણુવ્રત સમિતિ જ દ્વારા સંયમ દિવસની સાધનામય ઉજવણી
ભુજ : અણુવ્રત સમિતિ - ભુજ દ્વારા દર મંગળવારે “સંયમ દિવસ” ઉલ્લેખનીય ભાવથી ઉજવવામાં આવે છે. આ દિવસ અંતરાત્માના જાગરણ અને નૈતિક જીવનશૈલીની પ્રેરણાત્મક અનુભૂતિ કરાવે છે. આ સંયમ દિવસ નિમિત્તે મૌન - શાબ્દિક શાંતિયાત્રા દ્વારા આંતરિક સંવાદ, સામાયિક - સમયાંતરે સમતાની સાધના દ્વારા આત્મસંવાદનું સાધન, ધ્યાન - ચિત્તની એકાગ્રતા દ્વારા શાંતિનો અનુભવ, જાપ - પવિત્ર ધ્વનિઓ દ્વારા ચૈતન્યની ઊંડાણમાં પ્રવેશ તથા તપશ્ચર્યા - ઉપવાસ, એકાસણ વગેરે દ્વારા ઇન્દ્રિય સંયમ સાધનાનું આયોજન કરાય છે.
આ સાધનાઓનું લક્ષ્ય વ્યક્તિને નૈતિક, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ વધુ મજબૂત બનાવવાનો છે. સંયમ દિવસ નિમિત્તે આ વખતે એકાસણનું વિશેષ આયોજન કરાયું છે. સૌ અણુવ્રતી તેમજ સંઘના ભાઈ બહેનોઆ સંયમ દિવસની પવિત્ર યાત્રામાં સહભાગી બનીને પોતાની આત્માને આધ્યાત્મિકતાથી ભાવીત બનાવી છે.સંયમ, નૈતિકતા અને અહિંસાના સૂત્રો આજે માત્ર વાણી સુધી સીમિત નથી રહ્યા, પરંતુ અણુવ્રત સમિતિ ભુજના જીવનજગતમાં તે શ્વાસરૂપ બની ઊગતા જોવા મળે છે. આ પરિવર્તનશીલ પ્રવાહ પાછળ ઊંડે મૂલ્યાંકિત વિઝન અને સતત સેવા સાથે કાર્યરત અણુવ્રત સમિતિ ભુજનું અમૂલ્ય યોગદાન છે.સમિતિ માત્ર વિચારધારાનું પ્રચારમાધ્યમ નથી, પરંતુ જીવંત ચેતનાના સ્વરૂપે અનેક સામાજિક ક્ષેત્રોમાં કાર્યરત છે. સમયોચિત વિષયોમાં સરસ સંવાદ રચતી પ્રવૃત્તિઓ - જેમ કે નૈતિક શિબિરો, અહિંસા રેલીઓ, વ્યસનમુક્તિ અભિયાન, પર્યાવરણ માટે વૃક્ષારોપણ યજ્ઞો, અને યુવાનોમાં સકારાત્મક ચિંતન માટે નાટ્યસર્જનાઓ - સમાજને સતર્ક કરતી રહી છે.
આ આયોજનની કામગીરીમાં નીચે મુજબના અગ્રણી સભ્યોની ખાસ ભૂમિકા રહી છે,અણુવ્રત સમિતિ - ભુજના અધ્યક્ષશ્રી મહેશભાઈ પ્રભુલાલ મહેતાના માર્ગદર્શન હેઠળ શ્રી નરેન્દ્રભાઈ મહેતા,શ્રી વાડીલાલભાઈ મહેતા,અશોકભાઈ ખંડોલ,દિનેશ મહેતા,શ્રીમતી ભારતીબહેન શાહ તેમજ અણુવ્રત પથના નિષ્ઠાવાન અન્ય કાર્યકરોના યથાયોગ્ય યોગદાન દ્વારા આ સંયમ દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું.સંયમ એ આત્મા માટેનો આહાર છે - આવો, તે જીવનમાં ઉતારીએ તેવું એક યાદીમાં અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્યશ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
--------

Comments