Trending News
સ્થાનિક સમાચાર

ઉત્તમ ગુણવત્તાનો કોલસો કાઢી નબળી ગુણવત્તાના કોલસાની ભેળસેળ પકડાઈ 

29 July


અબડાસા તાલુકામાં તપાસ દરમિયાન એલસીબીએ ૧પ લાખના ટ્રેઈલર સાથે ર.પ૩ લાખનો મિક્સીંગ કરેલો કોલસો કબજે કર્યો 

ભુજ : અબડાસા તાલુકામાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માંડવી તરફથી આવતા ટ્રેઈલર નં.જીજે૩૯ - ટી - ૯રર૩ ને અટકાવી તેના ચાલક રાજસ્થાનના ફિરોજ છોટુજી કાઠાત પાસે ગાડીમાં ભરેલ માલ બાબતે આધાર-પુરાવા માંગતા તેણે રિશી ઈન્ટરનેશનલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનો ગેટ પાસ અને શીલ પેકિંગ કરેલ પહોંચ તથા શિવન્યા એન્ટરપ્રાઈઝ ટ્રાન્સપોર્ટના ચલણની પહોંચ અને બિલ્ટી રજૂ કરી હતી. ઉત્તમ ગુણવત્તાનો કોલસો હોવાનું તેમાં લખેલું હતું. જોકે, ટ્રેઈલરમાં મિક્સીંગ કરેલો કોલસો જણાયો હતો. જેથી પુછપરછ કરતા ડ્રાઈવરે કબૂલાત આપી કે, તે કંડલા પોર્ટમાંથી ઉત્તમ ગુણવત્તાનો કોલસો ભરી નિલકંઠ પાર્કિંગમાં ટ્રેઈલર શીલ કરાવી નીકળ્યા હતા ત્યારે શેઠ ભુરાભાઈ રબારીએ જણાવ્યું કે, ટ્રેઈલરમાંથી કોલસો કાઢવાનો છે જેથી ટ્રેઈલર આપણા વાડા પર લઈ આવ ત્યારે ટ્રેઈલર વાડા પર લઈ જતા શેઠ ભુરાભાઈ રબારી દ્વારા શીલને નુકસાન ન થાય તે રીતે ઉત્તમ ગુણવતાનો ૧ર ટન કોલસો કાઢી લઈ તેમાં નબળી ગુણવત્તાનો કોલસો મીક્સ કરવામાં આવ્યો હતો અનેફરી ટ્રેઈલરમાં શીલ લગાવ્યું હતું. 
ભેળસેળ વાળો માલ અલ્ટ્રાટ્રેક કંપનીમાં ખાલી કરવા જતો હતો ત્યારે પોલીસે વાહન અટકાવી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. ટ્રેઈલરમાંથી ૧.૩ર લાખના ઉત્તમ ગુણવત્તાના ૧ર ટન કોલસાની ચોરી કરવામાં આવી હતી. જ્યારે ર.પ૩ લાખનો મિક્સીંગ કરેલ માલ અને ૧પ લાખનું ટ્રેઈલર કબજે કરી નલિયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર ફિરોજ હાજર મળી આવ્યો છે, જ્યારે ગાંધીધામનો ભુરાભાઈ રબારી હાજર મળી આવ્યો નથી. જેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM