Trending News
સ્થાનિક સમાચાર

ભુજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે શ્રાવણ માસની પારાયણની પૂર્ણાહુતિ

28 July



ભુજ : ભાનુશાલીનગર નિર્મલસિંહની વાડી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોજાયેલ વિદ્વાન વક્તા સંત પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીની શ્રાવણ માસની પારાયણની પૂર્ણાહુતિ સંતો તથા વિશાળ સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. “સાચો મળ્યો છે સત્સંગ” તે વિષયક કેન્દ્રવર્તી વિચારની આ પારાયણમાં પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ જણાવ્યું હતું કે,  સત્સંગથી આપણને આચા, વિચાર અને વ્યવહારની શુદ્ધિ થાય છે.  સંબંધોની શુદ્ધિ થાય છે તથા  ભગવાન અને સંતને સમર્પિત થવાની પ્રેરણા મળે છે.  તેમણે જણાવ્યું હતું કે, જાગૃતિ રાખવી, વ્યવહાર વર્તનમાં સાચા થવું, સત્સંગને જીવનશૈલી બનાવવી જોઈએ. શાસ્ત્રોએ કહેલી મર્યાદાને લોપીએ તો જીવનમાં નિશ્ચિત દુઃખ થાય.  ભગવાન સ્વામિનારાયણે આચાર, વ્યવહાર, વિધિ, શુદ્ધિ ના નિયમો આપ્યા છે. જીવનમાં નાના નાના નિયમોથી પ્રગતિની શરૂઆત થાય છે. સ્પર્શ, શબ્દ, રસ, રૂપ, ગંધ જેવા ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય તો મન શુદ્ધ થાય અને તેની વ્યક્તિ ઉપર હકારાત્મક અસર થાય છે. વર્તમાન સમયમાં ટેકનોલોજીનો વિવેકથી ઉપયોગ કરીએ તો તે આશીર્વાદરૂપ છે નહીંતર શાપરૂપ છે. બાળકોના ઉછેર માટે વાલીઓએ બહુ વહેલા સજાગ થવા સ્વામીએ જણાવ્યું હતું. ભુજ ખાતે નિર્માણ થઈ રહેલ ભવ્ય સ્વામિનારાયણ મંદિર માંથી આવતા ૧૦૦૦ વર્ષ સુધી એટલે કે ૫૦ પેઢી સુધી આપણને સંસ્કાર અને ઊર્જા મળતી રહેશે તેમ જણાવ્યું હતું. સુવિધાથી સગવડ મળે છે પરંતુ શાંતિ મળતી નથી, પરિવારમાં એકતા છે ત્યાં શાંતિ અને પ્રગતિ છે તેથી કોઈ પ્રત્યે દુર્ભાવ ન રાખવા, નકારાત્મક બાબતોથી દૂર રહેવા તથા કોઈનો પણ અવગુણ ન લેવા તથા હંકાર છોડવા અંગે વાત કરી હતી.  અંતમાં હરિભક્તોએ સંતોને વસ્ત્રદાન કર્યું હતું તથા આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો ભુજ ઉપરાંત કચ્છભર માંથી વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો હરિભક્તો તથા ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા. કોઠારી પૂ. વિવેકમંગલ સ્વામી, પુ.પરમચૈતન્ય સ્વામી તથા પુ. અખંડસેવા સ્વામીના માર્ગદર્શનમાં કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી, 
-----

Comments

COMMENT / REPLY FROM