Trending News
સ્થાનિક સમાચાર

દુધઈમાં રાજસ્થાનના વેપારીને છરીની અણીએ લૂંટનારા ભુજના બે કુખ્યાત આરોપી ઝડપાયા 

28 July



છરી બતાવીને ૧૦ લાખ રૂપિયાની ચલાવી હતી લૂંટ : પોલીસે બન્નેને ઝડપી ૯.૪૦ લાખ રિક્વર કર્યા : ઝડપાયેલ રમઝાન શેખ સામે જિલ્લામાં ચીટિંગ સહિતના અનેકવિધ ગુના છે નોંધાયેલા 

ગાંધીધામ : અંજાર તાલુકાનાં દુધઇ નજીક આવેલા હરિનગર પાસે રાજસ્થાનના આધેડને છરી બતાવીને ૧૦ લાખની લૂંટ કરવામાં આવી હતી. જેમાં સંડોવાયેલા ભુજના બે શખ્સોની ઝડપી ૯.૪૦ લાખ રિક્વર કરવામાં આવ્યા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર દુધઇ નજીક આવેલાં હરિનગરમાં હનુમાન મંદિર પાસે આ બનાવ બન્યો હતો. રાજસ્થાનના બિકાનેરના ફરિયાદી અશોકકુમાર ધનરાજ લુણાવત (જૈન)એ દુધઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભુજના શેખ ફળિયામાં રહેતા રમજાનશા કાસમશા શેખ અને આશાપુરા મંદિર પાસે રહેતા આબિદખાન અબ્દુલખાન પઠાણ નામના શખ્સો ફરિયાદી પાસે આવ્યા અને છરી બતાવી રોકડ રૂા. ૧૦ લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસમાં ભારે દોડધામ થઇ હતી. પોલીસે બન્નેને ઝડપી લીધા હતા અને ૯.૪૦ લાખ રિક્વર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 
અત્રે મહત્ત્વનું છે કે, ઝડપાયેલો રમઝાન ચીટિંગ અને લૂંટનો કુખ્યાત આરોપી છે. થોડા સમય પહેલાં ભુજમાં કોમ્બિંગ દરમિયાન તેના ઘરેથી ઠગાઈ કરવા માટે રાખેલ ભારતીય ચલણી નોટો તરીકે ઉપયોગ લેવાય તેવી માપ-સાઈઝના નોટોના કાગળના ૯૦ બંડલ પકડાયા હતા. ર૦રર મા મહારાષ્ટ્રના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પણ લતીફ શેખની ટોળકી સામે ઠગાઈ સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રફીક સામે ભુજ બી-ડિવિઝન, એ-ડિવિઝન, માધાપર, મુન્દ્રા સહિતના પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

 

Comments

COMMENT / REPLY FROM