Trending News
સ્થાનિક સમાચાર

શું કચ્છના પેટાળમાં ફરી વધ્યું છે  સખળડખળ.?ખાવડા નજીક નવી  ફોલ્ટલાઈન કેટલી ચિંતાજનક ?

27 July

વિનાશક ભુંકપ વાળા જિલ્લામાં હળવાશ ન પાલવે !


વારંવાર આવતા ભુકંપથી તજજ્ઞોમાં સર્જાયા સવાલો


ગાંધીધામ : ર૦૦૧ના મહાવિનાશક ભુકંપ જે કચ્છ જિલ્લાએ જોયો છે ત્યાં ફરીથી ધરતીના પેટાળમાં કોઈ હલચલ શરૂ થવા પામી હોય તેમ સતત આંચકાઓ આવવા પામી રહ્યા છે. વાગડ ફોલ્ટલાઈન તો કચ્છને માટે ચિત-પરિચિત જ હતી પરંતુ હવે નવી ખાવડા ફોલ્ટલાઈન સક્રીય થઈ હોય તેમ એ વિસ્તારમાં ચારનો આફટરશોક નોંધાવવા પામ્યો હતો.કચ્છમાં ૨૦૦૧ માં આવેલ વિનાશકારી ભૂકંપ બાદ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ આંચકા વર્ષોથી અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હજી થોડા દિવસ 
પહેલા જ કચ્છના ખાવડા નજીક ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ત્યારે ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન સક્રિય થતા ચિંતાનો વિષય બન્યો છે.
૨૦૦૧ના ભૂકંપ બાદ કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાય રહ્યા છે.
છેલ્લા થોડા દિવસથી નોંધાઇ રહેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ડર અને ભયનો માહોલ ઊભો થયો છે. હાલાં જ કચ્છના ખાવડા નજીક ૪ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેની તીવ્રતા વધારે હતી. કચ્છ જિલ્લામાં મોટા ભાગના આંચકાના કેન્દ્રબિંદુ ભચાઉ,રાપર અને દુધઈ નજીક નોંધાય રહ્યા છે. 
ત્યારે વાગડ સાઉથ ફોલ્ટ લાઈન એક્ટિવ હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઇ રહ્યા છે.
તજજ્ઞો કહી રહ્યા છે કે, કચ્છ જિલ્લામાં ૬ થી ૭ જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે. 
ભૂકંપ ફોલ્ટ લાઈનમાં કચ્છની ભૂકંપ ફોલ્ટ લાઈન પર સિસ્મોલોજી વિભાગ અને જિયોલોજિકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે. ખાવડા નજીક નવી ફોલ્ટ લાઈન એક્ટિવ થતા ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં ઘોરાડુંગરની સાઉથ નજીક ફોલ્ટ લાઇન પર આંચકો નોંધાયો છે. આ ફોલ્ટ લાઈન ઉપર ખુબજ ઓછા ભૂકંપના આંચકા નોંધાયા છે. તેવામાં ખાવડા નજીક નોંધાયેલા આંચકાને લઈને સંશોધન હાથ ધરવું જોઈએ. 


......................

શું ભુકંપ ઝોન -પાંચમાં સમાવિષ્ટ
કચ્છમાં આંચકા આવતા જ રહેશે ?



ગાંધીધામ : કચ્છમાં સૌથી વધુ ભૂકંપ ઝોન-૫ માં આવે છે. અહીં ભૂકંપ આવતા રહેશે. કારણ કે, કચ્છમાં ૮ થી વધુ ફોલ્ટ લાઈન સક્રિય છે. આમાંના કેટલાક ફોલ્ટ એવા છે, જેના કારણે ભૂકંપ આવતા રહે છે. ખાવડામાં આવેલા ૪ ની તીવ્રતાના ભૂકંપે લોકોને પરેશાન કર્યા છે અને તેમને ૨૦૦૧ ના મોટા ભૂકંપની યાદ અપાવી છે. કચ્છમાં ૨૦૦૧ માં આવેલા વિનાશકારી ભૂકંપે હજારો લોકોના જીવ લીધા હતા અને હજારો લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું. તેના બાદ કચ્છીઓ માંડ માંડ બેઠા થયા છે. આ વાતને કચ્છના લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી. કચ્છ ભૂકંપ ઝોનમાં આવે છે અને તેમાં ૮ ફોલ્ટ સક્રિય છે, તેથી કચ્છમાં ભૂકંપ આવતા રહેશે.


...................


સાવધાની દાખવી જ ઘટે : કચ્છમાં ભુકંપ
પ્રતિરોધક બાંધકામની કડક અમલવારી જરૂરી



ગાંધીધામ : કચ્છના લોકોએ સાવધ રહેવું જોઈએ અને ભૂકંપ-પ્રતિરોધક ઇમારતો અને ઉદ્યોગો બનાવવા જોઈએ જેથી કોઈ જાનહાનિ ન થાય. ખાવડાની સરહદ પાસે આવેલ ગોરા ડુંગર હજારો વર્ષ પછી બંધાયો હશે. ગોરા ડુંગરમાં આવેલા ભૂકંપ સક્રિય છે, જેના કારણે સરહદ પર ભૂકંપ આવતા રહે છે. જે કચ્છ માટે ચિંતાજનક છે. સરકાર જે પણ વિકાસ કરી રહી છે તે ભૂકંપ-પ્રતિરોધક હોવો જોઈએ. સીમા પર વિકસિત થઈ રહેલા આરઈ પાર્ક, મીઠાના કારખાનાઓ  ભૂકંપ-પ્રતિરોધક હોવા જોઈએ.


..............


કચ્છમાં ફરી ભૂકંપનો ઝટકોઃ 
ધોળાવીરા નજીક ૩.૦ તીવ્રતાનો આંચકો



ગાંધીધામ : કચ્છ જિલ્લાના રહેવાસીઓ માટે એકવાર ફરી ચિંતા વધારતી ઘટના બની છે. આજે વહેલી સવારે ૪ઃ૩૭ મિનિટે જમીન ફરી કંપાઈ હતી. ભારતીય ભૂગર્ભવિજ્ઞાન સંસ્થાના મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૦ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરા શહેરથી લગભગ ૩૧ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહ્યું હતું. અત્યાર સુધીમાં કોઈ જાનહાની કે માલહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. છતાં, અનેક વિસ્તારોમાં લોકો ઝટકો અનુભવી ઘરની બહાર નીકળી આવ્યા હતા. કચ્છમાં ભૂકંપ જેવી કુદરતી આફતો અવારનવાર સર્જાતી રહે છે, કારણ કે આ વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવે છે. તેથી પ્રશાસને પણ સતત નજર રાખી છે અને લોકોની સલામતી માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM