ભુજ પીજીવીસીએલના અધિકારીની બલિહારી : દબાણ હટાવ ઝુંબેશમાં ઉતરેલા વીજ મીટરો થયા ગાયબ
વીજ તંત્ર માટે જ્યોતિ બની જવાલા...
લખુરાઈ ચાર રસ્તા પાસે બ્રિજ બનાવવાની કામગીરી સબબ તોડી પાડવામાં આવેલા મકાનોના મીટર કચેરીએ પહોંચવાના બદલે અન્યત્ર લાગી ગયાની ચકચાર : પ૦થી વધુ મીટરો સિટી-ર વિસ્તારમાં બોગસ સ્થળોએ થયા ફીટની ચર્ચાએ ગરમી પકડી : મીટર ઈન્સ્ટોલેશનની કામગીરી સંભાળતા કોન્ટ્રાકટર સાથે મીલીભગતથી વીજતંત્રની કચેરીને ચોપડાયો ચૂનો
ભુજ : ‘દીવા તળે અંધારૂ’ની ઉક્તિ સાર્થ કરતી હોય તેમ ભુજની વીજ વિભાગની કચેરીમાં એક અધિકારીના ભ્રષ્ટાચારનો ઘોર અંધકાર છવાયેલો હોવા છતાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ તેનાથી અજાણ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ અધિકારી પીજીવીસીએલના કોન્ટ્રાકટ ધારક સાથે મીલીભગત કરી લાલિયાવાડી ચલાવી રહ્યા હોવા છતાં તેમની સામે ફરિયાદ કરવાની કોઈ સાથી કર્મી હિમ્મત સુદ્ધા દાખવતા નથી. ઉલટું અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠાવનાર સામે હેડ ઓફિસમાં ફરિયાદોનો મારો ચલાવી ચોખલિયા કર્મીને પીછેહટ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાનું વીજ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.આ અંગે પીજીવીસીએલના આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભુજ કચેરીએ ફરજ બજાવતા એક અધિકારીએ ગેરરીતિ આચરવામાં મોટા મોટા ભ્રષ્ટાચારીઓને પાછળ છોડી દીધા છે. આ અધિકારીની બલિહારીથી ભુજ શહેરમાં અનેક સ્થળોએ બોગસ મીટરો લાગ્યા છે. વીજતંત્રમાં નવા વીજ મીટરોના ઈન્સ્ટોલેશનનો ઠેકો ધરાવતા કોન્ટ્રાકટરના મળતિયા સાથે સાંઠગાંઠ કરી શહેરમાં અનેક સ્થળોએ બોગસ મીટરો લગાડવામાં આવ્યા છે.
ભુજ શહેરમાં થોડા સમય અગાઉ લખુરાઈ ચાર રસ્તા પાસે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે તે સમયે નડતરરૂપ રહેઠાણના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. ભાડા દ્વારા પીજીવીસીએલને ગેરકાયદેસરના મકાનોમાંથી વીજ મીટરો દૂર કરવાની નોટીસ અપાયા બાદ પ૦થી પ૬ જેટલા ગેરકાયદેસર મકાનોમાંથી વીજમીટર કાઢી લેવાયા હતા. આ કઢાયેલા વીજમીટરો નિયમ અનુસાર વીજ કચેરીએ પહોંચવાના બદલે ગાયબ થઈ ગયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ તમામ મીટરો વીજ મીટર લગાડવાની કામગીરી કરતા કોન્ટ્રાકટરના ઘરે પહોંચી ગયા હતા. જે પૈકીના અમુક મીટરો હાલે ભુજ શહેરના મહિલા કલ્યાણ કેન્દ્ર આસપાસના વિસ્તારોમાં લગાડી દેવામાં આવ્યાની ચર્ચાએ જોર પકડયું છે. વીજચોરીમાં પકડાયેલા કે, વીજ બીલના મોટા બાકીદારના મીટરો તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા બાદ જયાં સુધી દંડની રકમ કે, બાકી રહેતી રકમ પુરેપુરી ન ભરાય ત્યાં સુધી તે સ્થળે બીજુ મીટર પાસ કરવામાં આવતું નથી. આવા વીજ ગ્રાહકોને રપથી ૩૦ હજાર રૂપિયામાં અન્ય નામનું બોગસ મીટર લગાડી આપવામાં આવે છે. આ અધિકારી અને કોન્ટ્રાકટરની મીલીભગતથી શહેરમાં કેટલાક સ્થળોએ આવા બોગસ મીટર લાગી ગયા હોવાનું સુત્રો જણાવે છે. બોગસ મીટર લગાડનાર ગ્રાહકને અગાઉથી જ કહી દેવામાં આવે છે કે, તેનું વીજબીલ અન્યના નામે આવશે. લાખોના વીજબીલ બાકી હોય કે, દંડ થયા હોય તેવા ગ્રાહકો રપથી ૩૦ હજારમાં મળતું બોગસ મીટર લેવા રાજી થઈ જતા હોય છે. આ રીતે અધિકારી અને કોન્ટ્રાકટરની મીલીભગતથી વીજતંત્રને લાખોનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. પીજીવીસીએલ કચેરીના જવાબદાર અધિકારીઓ દબાણમાંથી કાઢવામાં આવેલ મીટરોની તપાસ કરશે દુધનો દુધ પાણીના પાણી બહાર આવી જાય તેમ છે તેવું જાણકારો જણાવી રહ્યા છે.
.................
ભાડાએ વીજમીટરો ઉતારી લેવા આપી હતી સુચના
ભુજ : શહેરના લખુરાઈ ચાર રસ્તે ગેરકાયદેસરના રહેણાક હેતુસરના દબાણો દૂર કરવા પૂર્વે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા) દ્વારા ભુજ પીજીવીસીએલને તે મકાનોમાંથી વીજ મીટરો ઉતારી લેવા માટે નોટીસ પાઠવી હતી. ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા તે પૂર્વે પીજીવીસીએલ દ્વારા વીજ મીટરો ઉતારી લેવાયા હતા. અંદાજીત પ૬ જેટલા ઉતારવામાં આવેલ વીજ મીટરો વીજ વિભાગની કચેરીએ પહોંચાડવાના બદલે ગાયબ કરી દેવાયા હોવાની ચર્ચાએ શહેરભરમાં ભારે ચકચાર મચાવી છે. આ મીટરો શહેરના વિવિધ સ્થળોએ લગાડવામાં આવ્યા હોવાની વાત બહાર આવી રહી છે જે વીજ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
..................
લેણાં બાકી હોય તો નથી અપાતું બીજું મીટર
ભુજ : પીજીવીસીએલના નિયમો અનુસાર જો કોઈ વીજ ગ્રાહકના મોટા વીજ બીલ બાકી હોય અને તે અનુસંધાને વીજ ગ્રાહકનું મીટર કાઢી લેવાયું હોય અથવા કોઈ વીજ ગ્રાહક વીજ ચોરી કરતા પકડાયા હોય અને વીજ મીટર કાઢી લઈ દંડ ફટકારવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓમાં વીજ ગ્રાહક જયાં સુધી ચડત વીજબીલની રકમ કે દંડની રકમની પુરેપુરી ભરપાઈ ન કરે તો બીજું મીટર તે નામે ઈસ્યું કરવામાં આવતું નથી. જેથી મોટા બાકીદારો કે, વીજચોરો આવા બોગસ મીટરો લગાડવા રાજી થઈ જતા હોય છે.
...........
મીટર રીડરો પણ કોન્ટ્રાકટરના તાબાના માણસો
ભુજ : શહેરના જુદા જુદા વિસ્તારોમાં મીટર રીડીંગનું કામ કોન્ટ્રાકટર બેજ પર અપાયું છે. ભુજ સિટી-ર વિસ્તારમાં મીટર રીડીંગ લેવાનું કામ ભ્રષ્ટ અધિકારી સાથે સાંઠગાંઠ ધરાવતા વીજ મીટર લગાડવાના કોન્ટ્રાકટ ધારક પાસે જ છે. શહેરમાં મીટર રીડીંગ કરતા મીટર રીડરો કોન્ટ્રાકટરના તાબાના જ માણસો છે. જેથી બોગસ મીટરો લગાડયા બાબતે કોઈ ફરિયાદ સામે આવતી નથી.

Comments