રસલિયા અને બાંડિયામાં પવનચક્કીના કેબલની ચોરી કરનારા છ શખ્સ ઝડપાયા, છના નામ ખુલ્યા
બોલેરો અને ૬૦ હજારના વાયરો કેબલ કબજે કરાયા
ભુજ : રસલિયા અને બાંડિયા ગામમાં થયેલી ચોરીમાં એલસીબીએ છ લોકોની ધરપકડ કરી છે, જ્યારે છના નામ ખુલ્યા છે.
નખત્રાણા તાલુકાના રસલિયા ગામે અદાણી ગ્રીન એનર્જી કંપનીના પવન ચક્કી લોકેશન નં.૧ર૮ માંથી ૭ર હજારની કિંમતના ૧ર૦ મીટર વાયરની ચોરી થઈ હતી. જે અંગે મહેન્દ્રસિંહ સોઢાએ નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો તો અબડાસા તાલુકાના બાંડિયા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં મેઈન્ટેન્સનું કામ ચાલુ હોવાથી કેબલ બદલવાનું કામ ચાલુ હતુ ત્યારે પ૦ મીટર વાયર કિંમત રૂા.૪૦ હજારનો મુદ્દામાલ કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા નલિયા પોલીસમાં ભદ્રસિંહ જાડેજાએ ગુનો દાખલ કરાવ્યો હતો.
દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે રસલિયાથી ઉખેડા જતી બોલેરો ગાડી નં.જીજે૧ર - બીઝેડ -૦૪૯પ ને અટકાવી તેમાં રહેલા કેબલ બાબતે તપાસ કરતા કોઈ આધાર પુરવા મળી આવ્યા હતા. પુછપરછ કરતા ર૦ દિવસ અગાઉ ખાનાય ગામની સીમમાંથી, એક મહિના અગાઉ રસલિયાની સીમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપવામાં આવી હતી. જેથી પોલીસે ભુજના ધવલ વિજયભાઈ ચૌહાણ, ભુજોડીના અનવરશા જુમલશા સૈયદ, નવી સુંદરપુરીના કાસમ ઉર્ફે કારો જુસબ કુંભાર, કોટડા (જ)ના સમીર ઈશાક જાદોરા, ઈમામહુશેન મુતવા, હરોડાના લુકમાન મામદ મંધરા પકડાયા હતા, જ્યારે ભુજના અબાસ, રફીક મામદ લાખા, રસલિયા ઈકબાલ હીંગોરજા, સમીર હીંગરોજા, રતડિયાના રહેમતુલ્લા સાટી, હરોડાના સોકત લતીફ મંધરાના નામ ખુલ્યા હતા. પોલીસે પાંચ લાખની બોલેરો ગાડી અને ૬૦ હજારના કોપર વાયર અને પ્લેટો કબજે કરી આરોપીઓને નખત્રાણા પોલીસના હવાલે કર્યા છે.

Comments