કચ્છ યુનિ.માં પર૮૦ બેઠકો ખાલી છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વલખાં
જીકાસ પોર્ટલ બન્યું ફલોપ શો
સતત બીજા વર્ષે ક્ષતિયુક્ત પોર્ટલ બન્યું વિદ્યાર્થીઓ માટે પરેશાનીનું કારણ : સરકારી વિશ્વ વિદ્યાલયોમાં ૪૪ ટકા બેઠકો ખાલી : કોર્ષવાઈઝ એડમિશન અને ઓટોમેરિટ નથી થતું જનરેટ : પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થીઓના નામ ચોથા રાઉન્ડ સુધી પણ પોર્ટલમાં યથાવત
ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓનો વારો ન આવતા એડમિશન ન મળવાની બીકે મોંઘી ફી ભરી ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા બન્યા મજબૂર : જીકાસમાં ઈજનેરી - મેડિકલની એડમિશન કમિટીના પોર્ટલ જેમ રિસફલીંગની નથી મળતી તક : ખાનગી યુનિવર્સિટીઓના લાભાર્થે જીકાસ પોર્ટલ શરૂ કરાયાનો વ્યક્ત થતો કચવાટ
ભુજ : કચ્છ યુનિવર્સિટી સહિત રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી રહે તે માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જીકાસ પોર્ટલ લોન્ચ કરાયું હતું. છેલ્લા બે વર્ષથી જીકાસ પોર્ટલ મારફતે પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ જીકાસ પોર્ટલ ફલોપ શો સાબિત થઈ રહ્યું હોય તેમ શિક્ષણ જગતમાં દેકારો બોલી ગયો છે. ગત વર્ષની જેમ આ વર્ષે ફરી ખામી ભરેલા જીકાસ પોર્ટલના કારણે કચ્છ યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં અને તેને સંલગ્ન કોલેજોમાં બેઠકો ખાલી રહી ગઈ છે. સરહદી કચ્છમાંં વિશ્વ વિદ્યાલયમાં કુલ્લ ૧ર૬૭૭ સીટમાંથી માત્ર ૭૩૯૦ સીટ પર એડમિશન થયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયાને સુચારૂ અને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ જીકાસ પોર્ટલ ફલોપ સાબિત થયું છે. કચ્છ સહિત રાજ્યની સરકારી વિશ્વ વિદ્યાલયોની સ્નાતક અને અનુસ્નાતક કોર્ષની ૪૪ ટકા બેઠકો ખાલી રહી જવાનું મુખ્ય કારણ ક્ષતિયુક્ત પોર્ટલને ગણાવવામાં આવી રહ્યું છે. જીકાસ પોર્ટલ મારફતે એડમિશન અને ઓટોમેરિટ જનરેટ ન થતું હોવાની અને પ્રવેશ કન્ફર્મ કરાવનારના નામો ચાર-ચાર રાઉન્ડ સુધી યથાવત રહેવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. જીકાસ પોર્ટલમાં ઈજનેરી અને મેડિકલ એડમિશન કમિટીના પોર્ટલની જેમ વિદ્યાર્થીઓને રિસફલીંગની તક મળતી ન હોવાથી જીકાસ પોર્ટલ બિનઉપયોગી હોવાનું સામે આવી રહ્યું છે.
ગયા વર્ષે જીકાસ પોર્ટલના કારણે કચ્છ સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં બેઠકો ખાલી રહી ગઈ હતી. ચાલુ વર્ષે કોઈપણ સુધારા વગર તે થિયરી જ રિપીટ થતાં વિદ્યાર્થીઓ અને કોલેજોની મુસીબત વધી છે. આ વર્ષે કોલેજોમાં ગત ૧લી જુલાઈથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સ્નાતક કક્ષાના એડમિશન માટે જીકાસ પોર્ટલના ચાર ફેજના ૧૬ રાઉન્ડ જાહેર કરવા છતાં હજુ સરકારી યુનિવર્સિટીનોની સરકારી - ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોની અનેક બેઠકો ખાલી રહી ગઈ છે. કચ્છ યુનિવર્સિટીની કુલ્લ ૧ર,૬૭૭ પૈકી પર૮૦ બેઠકો હજુ ખાલી રહી છે. છેલ્લા બે વર્ષના કડવા અનુભવ બાદ હવે રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓના લાભ માટે જીકાસ પોર્ટલ શરૂ કરાયાનો કચવાટ ઉઠ્યો છે. શિક્ષણવિદ્દોના જણાવ્યા અનુસાર જીકાસ પોર્ટલ મારફતે સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓને રૂા.૩૦૦ ફી ભરી રજિસ્ટ્રેશન કરાવી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને પસંદગીની તમામ કોલેજોમાંથી ઓફર લેટર ઈશ્યુ કરવામાં આવે છે.
વિદ્યાર્થી કોઈપણ એક કોેલેજમાં એડમિશન કન્ફર્મ કરાવ્યા બાદ વિદ્યાર્થી જ્યાં સુધી પ્રવેશ મેળવી લીધાની જાણ ન કરે ત્યાં સુધી તેનું નામ ત્રણ-ચાર પ્રવેશ રાઉન્ડ સુધી જીકાસ પોર્ટલમાં યથાવત રહે છે, જેથી મેરિટમાં નીચે આવતા ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ પોતાનો વારો આવતો ન હોવાથી એડમિશન ન મળવાની બીકે ખાનગી યુનિવર્સિટીમાં મોંઘી ફી ભરી પ્રવેશ લેવા મજબૂર થઈ રહ્યા છે. શિક્ષણ વિભાગના ખામી ભરેલા પોર્ટલના કારણે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની અનેક બેઠકો ખાલી હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ કાલ્પનિક ભયના કારણે મોંઘી ફી ભરી ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. શિક્ષણ વિભાગે આ પોર્ટલ ખાનગી યુનિવર્સિટીના લાભાર્થે જ શરૂ કર્યું હોવાની ચર્ચા શિક્ષણ જગતમાં થઈ રહી છે.
.........

Comments