ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા ‘માતા વાંચે બાળક વાંચે’ અભિયાનનો સાતમો મણકો યોજાયો
ભુજ : જો માતા એક પુસ્તક વાંચે તો તેની પ્રેરણાથી બાળક પણ વાંચતું થાય એ હેતુથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા આયોજિત માતા વાંચે બાળક વાંચે અભિયાન અંતર્ગત સંસ્કારનગર સહેલી મંડળ દ્વારા પુસ્તક સમીક્ષનો કાર્યક્રમ યોજાયો હતો. ઈન્સ્ટિટ્યુટના પ્રમુખ રસનીધિ અંતાણીના માર્ગદર્શનમાં કચ્છના મહિલા મંડળો માટે શરૂ કરાયેલ આ પ્રોજેકટના સાતમા મણકામાં ઈન્નરવ્હીલ ક્લબ ભુજ ફ્લેમિંગોના સભ્ય મહિલાઓ દ્વારા વાંચેલ કોઈ એક પુસ્તક વિષે સમીક્ષા સાથે જીવનમાં તેની ઉપયોગીતા અંગે વિગત આપવામાં આવી હતી. ઇન્સ્ટીટ્યુટના સાડા ચાર દાયકાના સામાજિક સેવાકાર્યોની વિગત આ પ્રોજેકટના સંયોજક પૂજન જાનીએ આપતા જણાવ્યુ કે, વાંચનની સુટેવથી સ્વયં સમસ્યાનું હલ શોધવા સાથે દરેક પરિસ્થિતિએ સમતા કેળવાય અને અભિયાનના સંયોજક જાગૃતિ વકીલે બહેનોને વાંચન વધારવા પર ભાર મૂકતા કહ્યું કે, સમાજના ઘણા પ્રશ્નોનું માર્ગદર્શન પુસ્તકો થકી મળે. મંડળના પ્રમુખ વિશ્વા ધલે આવકાર અને રચના શાહ દ્વારા આભાર માનતા જણાવાયું કે, આવા કાર્યક્રમ એ મહિલાઓ અને તે દ્વારા બાળકોમાં વાંચન જાગૃતિ લાવનારો સ્તુત્ય પ્રયાસ છે. આયોજન અને વ્યવસ્થામા ઇન્સ્ટિટ્યૂટના સ્વયંસેવક એવા મેઘા મહેતા તથા ફ્લેમિંગો મંડળના સભ્યોએ સહકર આપ્યો હતો.
મંડળના બહેનો અનિતા વર્માએ ગોદાન પુસ્તક, વૈશાલી શાહે ઉતરાદી દિવાલો પર તો દર્શિતા ગોરે સિંહપુરુષ, અલકાબેન ઠક્કરે કાર્યકુશળતાનો ગુણાકાર પુસ્તક પર ઉતમ સમીક્ષા રજૂ કરી હતી. નગરપાલિકાના કાઉન્સિલર ક્રિષ્નાબા જાડેજાએ ગીતાજી અને મહિલા જાગૃતિની વાત રજૂ કરી બહેનોને અને તેમના બાળકોને ખાસ પુસ્તકો વાંચતા કરવા પર ભાર મૂક્યો હતો. ભાગ લેનાર મહિલાઓને જામનગરના પૂર્વ ગ્રંથપાલ સ્વ.પ્રદીપ મધુકાન્ત છાયાની સ્મૃતિમાં તેમના ધર્મપત્ની જહાનવીબેનના સહયોગથી પ્રમાણપત્ર તથા સંયોજક જાગૃતિ વકીલના સહયોગથી પુસ્તકો ઇન્સ્ટીટ્યુટ દ્વારા આપી પ્રોત્સાહિત કરાયા હતા.
------

Comments