કચ્છમાં ખરા ટાંકણે રાસાયણિક ખાતરની કૃત્રિમ અછતથી ખેડૂતોમાં રોષ
મોંઘા બિયારણ ખરીદી ખરીફ પાકનું વાવેતર તો કર્યું પણ...
અષાઢના પ્રારંભે જ સચરાચરી મેઘ મહેરથી કચ્છમાં ખરીફ પાકનું મબલખ વાવેતર : હવામાનની બદલાતી તાસીર અને અચાનક ઘેરાતા વાદળોના કારણે પાકમાં પાયાના ખાતર તરીકે ડીએપીની પડી રહી છે જરૂર : પાકની પોષણક્ષમતા વધારવા રાસાયણિક ખાતરની જરૂર ઉભી થઈ ત્યારે કચ્છમાં અછત સર્જાતા ખેડૂતોની વધી ચિંતા
રાસાયણિક ખાતર માટે ખેડૂતો મારી રહ્યા છે વલખા : ડેપો અને મંડળીઓમાં ‘નો-સ્ટોક’ના પાટિયા : વિક્રેતાઓ ડીએપી અને યુરિયા સાથે એનપીકે અને નેનો યુરિયા લેવાની ખેડૂતોને પાડી રહ્યા છે ફરજ : સબસિડીયુક્ત ખાતરની સરખામણીએ લિક્વિડ દવાઓ અને પાવડરના દામ ઉંચા હોવાથી નાના ખેડૂતોનો મરો
ખેડૂતોને સબસિડીયુક્ત બિયારણનું વિતરણ બંધ થયા બાદ હવે રાસાયણિક ખાતરમાંથી પણ સબસિડીનો એકડો કાઢવા તત્પર સરકાર : કચ્છના કિસાન અગ્રણીઓએ વ્યક્ત કર્યો આક્રોશ
ભુજ : કચ્છમાં આ વર્ષે અષાઢ મહિનામાં જ થયેલ સચરાચરી મેઘ મહેરના પગલે જિલ્લામાં ખરીફ પાકનું મબલખ વાવેતર થયું છે. અત્યાર સુધી કચ્છમાં અંદાજીત ૩.પ થી ૪ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે. કચ્છના ખેડૂતો ચોમાસુ સિઝનમાં મગફળી, કપાસ, એરંડા, ગોવાર જેવા પાક કરીને બેઠા છે. હવામાનની બદલાતી તાસીર સાથે અચાનક ઘેરાતા વાદળોના કારણે પ્રારંભિક તબક્કે પાકમાં પાયાના ખાતર તરીકે ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોની જરૂર પડી રહી છે. જ્યારે પાકની પોષણક્ષમતા વધારવા રાસાયણિક ખાતરની જરૂર ઉભી થઈ છે ત્યારે કચ્છમાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
કચ્છમાં ખરીફ પાકનું વાવેતર કરનાર ખેડૂતો રાસાયણિક ખાતર મેળવવા વલખાં મારી રહ્યા છે. સહકારી મંડળીઓ અને ડેપોમાં ખાતર મળતું જ નથી. ખેડૂતો ખાતરની તપાસ કરવા જાય તો સ્ટોક પૂરો થઈ ગયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખેડૂતો વિક્રેતાઓ પાસેથી માલ ખરીદવા જાય તો ડીએપી ખાતર સાથે ફરજીયાત એનપીકે લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ડીલરો ડીએપીની ૧૦ બોરી સાથે ૩ બોરી એનપીકે લેવાની ફરજ પાડી રહ્યા છે. સબસિડીયુક્ત રાસાયણિક ખાતરની સરખામણીમાં એનપીકે અથવા નેનો યુરિયા કે તેનો ડીએપી ખૂબ મોંઘુ હોવાથી નાના ખેડૂતો માટે તે ખરીદવું પોષણક્ષમ બનતું નથી. ખરા ટાંકણે જ ખાતર ન મળતા મોંઘુ બિયારણ ખરીદી કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
કચ્છ જિલ્લાના કિસાન અગ્રણીઓના જણાવ્યા અનુસાર ડેપો કે મંડળીમાં મહિને એકાદ ગાડી માલ માંડ પહોંચે છે, જે જોતજોતામાં જ ખતમ થઈ જાય છે. ખાનગી વિક્રેતાઓ પાસેથી ખાતર ખરીદવા જાય તો ખેડૂતને એનપીકે અથવા નેનો યુરિયા ફરજીયાત ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. જો ખેડૂત લેવાની આનાકાની કરે તો ખાતર આપવાની વિક્રેતાઓ સ્પષ્ટ ના પાડી દેતા હોય છે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા અનુસાર થોડા વર્ષો અગાઉ ખેડૂતોને મંડળીઓ મારફતે સબસિડીયુક્ત બિયારણ પણ મળતું હતું, જે છેલ્લા થોડા વર્ષોથી બંધ થઈ ગયું છે, જેથી ખેડૂતોને મોંઘુ બિયારણ ખરીદી વાવેતર કરવાની ફરજ પડે છે.
હવે સરકાર ખાતરની સબસિડી બંધ કરવાની તૈયારી કરી રહી હોય તેમ ડેપો કે મંડળીઓમાં રાસાયણિક ખાતરનો સ્ટોક ઓછો કરી દેવામાં આવ્યો છે સાથે જ મંડળીઓને એક ગાડી યુરિયા કે ડીએપી સાથે લિક્વિડ દવા કે એનપીકે ફરજીયાત લેવાની ફરજ પાડવામાં આવે છે, જેથી મંડળીઓ, ડેપો કે વિક્રેતાઓને સરકારની જોહુકમી સામે ઝુકી ખેડૂતોને નાછૂટકે વણજોઈતા લિક્વિડ દવા કે પાવડર ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે. ખેડૂતોને સબસિડીયુક્ત ડીએપી રૂા.ર૬૭માં આપવામાં આવે છે. જ્યારે એનપીકેની કિંમત રૂા.૧૩પ૦ જેટલી છે. ૧૦ બોરી ડીએપી સાથે ફરજીયાત ૩ બોરી એનપીકે પધરાવવામાં આવે છે, જેથી નાના ખેડૂતોની મુસીબત વધી છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફુંકે છે. બીજી તરફ ખેડૂતોને વણજોઈતા ખાતર, જંતુનાશક ખરીદવાની ફરજ પાડી આર્થિક રીતે પાયમાલ કરતા ફટકા મારવામાં આવે છે. કચ્છના કિસાન અગ્રણીઓ કહે છે કે, એક સમયે ઉત્તમ વ્યવસાય ગણાતી ખેતી હવે કનિષ્ઠ વ્યવસાય બની છે.

Comments