Trending News
સ્થાનિક સમાચાર

લખપતની રખાલોમાં ગેરકાયદેસર કોલસાનો કાળો કારોબાર : તંત્રની આંખે પાટા

23 July


મોટી રખાલોમાંથી આડેધડ વૃક્ષોનું નિકળી રહ્યું છે નિકંદન : જંગલી પશુઓના રહેઠાણ છીનવાઈ રહ્યા હોવા છતાં તંત્રનું મૌન શંકાસ્પદ

દયાપર : કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકામાં ગેરકાયદેસર કોલસાનો કાળો કારોબાર ધમધમી રહયો છે. લખપતના કોરીયાણી અને શિણાપર આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે કોલસાના ભઠ્ઠા ધમધમી રહ્યા છે છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં જંગલો કાપી લાકડા ભરી વાહનો દોડી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગની નજર સામે જ ગેરપ્રવૃતિ ચાલી રહી હોવા છતાં જવાબદાર તંત્ર વાહકોનું મૌન શંકાના દાયરામાં આવ્યું છે. કોલસાની પરમીટમાં ખાનગી સર્વે નંબર બતાવી સરકારી અને જંગલખાતાની જમીનોનું ખો નિકળી રહ્યું છે. લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ અને ભચાઉ, રાપરમાં સૌથી વધુ કોલસાનો ગેરકાયદે કારોબાર ધમધમી રહ્યો છે. ખાનગી સર્વેની પરમીટ આપતા પહેલા જંગલખાતાના જવાબદારોએ સ્થળ નિરીક્ષણ સહિતની અનેક કાર્યવાહીમાંથી પસાર થવાનુંં હોય છે, પણ વાસ્તવમાં આવું કંઈ થતું નથી જેનો લાભ કોલસાના કારોબારીયાઓ લઈ રહ્યા છે. મોટા ભાગે જે ખાનગી સર્વે નંબરની કોલસા માટે પરમીટ મંગાય છે, ત્યાંની સ્થિતિ તો કંઈક અલગ હોય છે. પણ તે પરમીટના નામે અન્ય જંગલ વિસ્તાર અને સરકારી જગ્યાએથી કોલસા બનાવવામાં આવી રહ્યું છે. હાલની જ કેટલીક પરમીટનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે તો દુધનું અને પાણીનું પાણી થઈ જાય તેમ છે. 
આ અંગે સ્થાનીક સુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લખપત તાલુકાના અંતરિયાળ ગામોમાં કોલસા પાડવાનો ગેરકાયદેસર કારોબાર લાંબા સમયથી ધમધમી રહ્યો છે. લખપત તાલુકાના કોરીયાણી અને શિણાપર નજીક મોટી રખાલો આવેલી છે. આ વિસ્તારમાં જંગલી જાનવરો વસવાટ કરી રહ્યા છે. પરંતુ કોલસા માટે આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાથી પશુઓના રહેઠાણ છીનવાઈ રહ્યા છે. લાકડા ભરી દોડતા વાહનોની હડફેટે જંગલી પશુઓના ભોગ લેવાઈ રહ્યા છે. જંગલમાં દિવસભર જેસીબી જેવા મશીનો અને વાહનોની ધરધરાટી ચાલતી હોવાથી જંગલી પશુઓ ડરીને રોડ તરફ આવી જતા હોય છે. આ વવિસ્તારના રસ્તાઓ પર અવરજવરથી જંગલી પશુઓના મૃતદેહ મળી આવતા હોય છે. સવારથી જ જેસીબી, ટ્રેકટર અને બોલેરો જેવા વાહનોના આંટાફેરા રખાલો તરફ શરૂં થઈ જતા હોય છે. સ્થાનીક જવાબદાર તંત્ર વાહકોની નજર તળે જ ગેરપ્રવૃતિ ચાલતી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવવતી નથી તેવું સ્થાનીકો જણાવી રહ્યા છે. આ વિસ્તારમાં કોલસાના અનેક ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. પરંતુ તંત્રને આંખે પાટા બંધાયેલા હોય તેમ આ ભઠ્ઠાઓ જવાબદાર અધિકારીઓને દેખાતા નથી તેવું સ્થાનીકો જણાવી રહ્યા છે.



.............






 

Comments

COMMENT / REPLY FROM