ભુજ અને ગાંધીધામમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો
સોશિયલ મીડિયા મારફત રાતોરાત કરોડપતિ બનવાની ઘેલછા : આઇડી અને બેંક ખાતાઓની તપાસ કરાય તો કરોડો રૂપીયાનો બેનામી વ્યવહાર બહાર આવે
આંગડીયા અને હવાલા મારફત કરોડો રૂપીયાનો વેહવાર થાય છે ડબ્બા ટ્રેડિગમાં : તાજેતરમાં સુરત પકડાયેલા ડબ્બા ટ્રેડિંગમાં ૯૪૮ કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે તેમાં કચ્છમાં તપાસ કરાય તો તેના કરતા મોટું બહાર આવે તેમ છે
ભુજમાં આરટીઓ, ન્યુ સ્ટેશન રોડ અને ગાંધીધામ બજાર વિસ્તારમાં ચાલી રહ્યા છે ગેરકાયદે વેપાર : ડબ્બા ટ્રેડિગના બ્લેકના પૈસા જમીનો અને મોટી બિલ્ડિંગો બનાવવામાં મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે
ભુજ : કચ્છના જિલ્લા મથક ભુજ અને આર્થિક પાટનગર ગાંધીધામમાં ડબ્બા ટ્રેડીંગનો ગેરવ્યવસાય ખૂબ ફુલ્યો-ફાલ્યો છે. બન્ને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડબ્બા ટ્રેડીંગના સેન્ટરો ધમધમી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં ડબ્બા ટ્રેડીંગનું કરોડોનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે કચ્છમાં ચાલી રહેલ ડબ્બા ટ્રેડીંગનો મુદ્દો ફરી લોકચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
આ અંગેની વિગતો મુજબ સુરતના મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટર સ્થિત સનરાઈઝ ડેવલોપર્સની ઓફિસમાં સુરત શહેર એસઓજીએ રેઈડ કરી ત્યાં કન્સ્ટ્રકશન ઓફીસની આડમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી અને ઓનલાઈન ગેમીંગ રમાડતી ટોળકીના રંગે હાથે પકડી પાડવામાં આવી હતી. આ ગેરકાયદેસરનો કારોબાર કચ્છના મોટા શહેરોમાં બહુ ફુલ્યો ફાલ્યો છે. કચ્છના કેટલાક લોકો અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ સહિત વિસ્તારમાં આ ચેઈન મારફતે આ ટબ્બા ટ્રેડીગ ચલાવી રહ્યા છે જેની રકમ કરોડોને આંબી જાય છે. હાલ ઓછી મહેનત કરોડો રૂપીયા કમાવાની હોડમાં ખોટા કામ તરફ લોકો આકર્ષાઈ જાય છે. જેમાં પાછળથી રાવોના વારો આવતો હોય છે.
ભુજના ન્યુ સ્ટેશન રોડ, સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ, આરટીઓ જેવા વિસ્તારોમાં ડબ્બા ટ્રેડીંગની પ્રવૃત્તિ ધમધમી રહી છે. ગાંધીધામ શહેરના બજાર વિસ્તાર ઉપરાંત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ડબ્બા ટ્રેડીંગના સેન્ટરો ચાલી રહ્યા છે. સુરતની જેમ કચ્છમાં પણ સઘન તપાસ કરી બેન્ક વ્યવહારો ચકાસવામાં આવે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થાય. હાલે કચ્છમાં ડબ્બા ટ્રેડીંગ અને ગેમિંગ સાથે સંકળાયેલા વ્યવસાયકારોએ બિલ્ડર લોબી સાથે સાંઠગાંઠ કરી ગેરપ્રવૃત્તિથી કમાયેલા નાણાંને સફેદ કરવા પ્રોપર્ટીમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.કચ્છ, અમદાવાદ, સુરત સહીત રાજ્યમાં અન્ય ઓફીસની આડમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી ટોળકી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં જાહેરાત આપી શેરબજારમાં ઓછા સમયમાં વધુ વળતર આપવાનું કહી ગ્રાહકો ઉભા કરતી હતી. તેઓ ગ્રાહકને તેમના બ્લેક મનીનું રોકાણ કરવા કહેતા હતા. તેઓ તે માટે તેવું કહેતા હતા કે બ્લેક મનીનું રોકાણ તો થશે સાથે જો તેમાં નફો કે નુકશાન થાય તો સ્ટોક માર્કેટના ટ્રેડીંગની જેમ તમારે તેમાં સરકારી ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેઓ પોતાની બે બે વેબ્સાઈટની લીંક મોકલી તેમાં ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપતા હતા. તેઓ રોકાણ કરનાર પાસેથી પૈસા આંગડીયા મારફતે મેળવતા હોય છે જે હાલ ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, અંજાર, માંડવી અને વાગડમાં મોટા પાયે કાર્યરત થઈ છે. હાલ આગડીયા પેઢીની સાથે હવાલા મારફતે પૈસાની લેવડ - દેવડ થઈ રહી છે. જે સરહદી જિલ્લા માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ કારસામાં કચ્છના અનેક લોકોના નાણાં સંડોવાયેલા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
એસઓજીએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેઓ એકાઉન્ટ ધારકની જાણ બહાર તેમના નામે એકાઉન્ટ ખોલાવી તેના નેટ બેંકીંગના યુઝર નેઈમ અને પાસવર્ડ મેળવતા હતા અને તેમાં રોકાણકારોના પૈસા જમા કરાવી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાને બદલે પોતાના ડેવલોપ કરેલા વેબપેજમાં રોકાણ કરતા હતા. કચ્છમાં પણ ડબ્બા ટ્રેડીંગ અને ગેમિંગ સાથે સંકળાયેલા લોકો નાણાંનું રોકાણ સ્ટોક માર્કેટમાં કરવાના બદલે પ્રોપર્ટીમાં કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Comments