માંડવી તાલુકાના વાંઢ ગામે સરકારી જમીનમાં બોક્સાઈટની ખનિજ ચોરી પકડાઈ
એલસીબીએ દરોડો પાડી ડમ્પર અને મશીન સહિત ૮૧.૭પ લાખનો મુદામાલ કબ્જે કર્યો
ભુજ : માંડવી તાલુકાના વાંઢ ગામે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સરકારી જમીન પર ખનિજચોરી કરવામાં આવતી હોવાની બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ વાંઢ ગામથી ગોણિયાસર જતા રોડ પર વાંઢ ગામની સીમમાં સરકારી પડતર જમીનમાં અમુક ઈસમો ગેરકાયદે રીતે બોક્સાઈટનું ખોદકામ કરતા હોવાની બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં ડમ્પર અને મશીન મળી આવ્યા હતા. ડમ્પરમાં ૩પ ટન બોક્સાઈટ ભરેલું હતું. ચાલક પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા.
ગેરકાયદે રીતે ખનિજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી ૪૦ લાખનું મશીન અને ૪૦ લાખનું ડમ્પર નંબર જી.જે. ૩૯ ટીએ ૬પ૬પ તેમજ ૧.૭પ લાખનું ૩પ ટન બોક્સાઈટ સહિતનો મુદામાલ કબ્જે કરી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો.

Comments