ગાંધીધામમાં આંગડિયા પેઢીના માલિકના અપહરણ કેસમાં પૂર્વ પોલીસ કર્મચારી સહિત બેની ધરપકડ
સોપારીકાંડમાં સસ્પેન્ડ બાદ ડિસમીસ થયેલા કિરીટસિંહ ઝાલા અને ચોખા અને તેલ ચોરીમાં આવી ચૂકેલા મયૂર આહિરે આરોપીઓને આપ્યો હતો આશરો
ગાંધીધામ : શહેરમાં સંકેતનિધિ આંગડિયા પેઢીના માલિક કેતનભાઈ કાંકરેચાનું કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હથિયા બતાવી ફિલ્મી ઢબે બળજબરીથી પૈસા પડાવવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ગુનામાં પોલીસે રાજસ્થાનના આરોપીને ઝડપી પુછપરછ કરતા મોરબીના માથાભારે શખ્સ દ્વારા અપહરણનું કાવતરૂં રચીને સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની તપાસમાં પૂર્વ પોલીસ કર્મચારી સહિત બે જણની સંડોવણી સામે આવી છે.
પોલીસે આ બનાવમાં રાજસ્થાનના પવન કિશનલાલ બરોરની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે, મોરબીના સનાડા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલાએ સમગ્ર અપહરણનું કાવતરૂં રચ્યું હતું. આરોપી હિતેન્દ્રસિંહ સામે અગાઉ બળાત્કાર, હત્યા, હત્યાની કોશિષ, મારામારી, આર્મ્સ એક્ટ સહિતના જુદા જુદા પોલીસ મથકે ૧૩ ગુના નોંધાયેલા છે જે ગુના સંદર્ભે આ શખ્સ ગળપાદરની જેલમાં હતો. તેને સ્થાનિકના કોઇ કેદીએ માહિતી આપી હતી કે, કેતન કાકરેચા પાસે પૈસા છે જેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોતાના બોડીગાર્ડ તુષાંત ઉર્ફે સૂરજ ઉર્ફે ટાઇગર લેખરાજ વાસુને અહીં મોકલાવ્યો અને તેણે આંગડિયા પેઢીના સંચાલકના ઘર, ઓફિસ વગેરેની રેકી કરી હતી. ત્યારબાદ રાજસ્થાનથી ટોળકી બોલાવી સ્વીફ્ટ કાર લઇને પવન બરોર, શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા (રાજપૂત) (રહે. બિકાનેર), આકાશ નિરંજનસિંહ રાજપૂત (રહે. બિકાનેર) તથા અજય નામના શખ્સો અહીં આવ્યા હતા અને રિવોલ્વરની અણીએ વેપારીનું અપહરણ કરી ભાગી ગયા હતા. ભૈયાજી નામનો શખ્સ અપહરણકારોની પાછળ પાછળ પોતાની કાર હંકારીને જતો હતો.
દરમિયાન આ બનાવમાં પૂર્વ પોલીસ કર્મચારી સપનાનગરમાં કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા અને અંજારની કામધેનુ સોસાયટીમાં રહેતા મયૂરભાઈ શંભુભાઈ હેઠવાડિયા (આહિર)ની ધરપકડ કરવામાં આવી છે. ગુનાને અંજામ આપતા પહેલાં મોરબીના હીતુભાએ કિરીટસિંહનો સંપર્ક કર્યો અને પોતાના માણસો મોકલ્યા ત્યારે કિરીટસિંહે મયૂરને કહીને આરોપીઓના રહેવા સહિતની વ્યવસ્થા કરાવી આપી હતી. કિરીટસિંહ અગાઉ રેન્જ પોલીસમાં એએસઆઈ તરીકે હતો અને મુન્દ્રાના પોણા ચાર કરોડના સોપારી તોડ કાંડમાં સસ્પેન્ડ બાદ ડિસમીસ કરાયો હતો, જ્યારે અંજારનો મયૂર આહિર, તેલ ચોરી, ચોખા ચોરી સહિતના બનાવોમાં અવાર-નવાર પકડાઈ ચૂક્યો છે. આરોપીઓ અપહરણ કરવા માટે આવ્યા ત્યારે ગાંધીધામમાં એક પેટ્રોલ પંપ પર મીટિંગ કરવામાં આવી હતી. હાલ પોલીસે બન્નેની ધરપકડ કરીને અન્યની પણ પુછપરછ હાથ ધરી છે. આ કામગીરીમાં એ-ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી અને સ્ટાફના માણસો જોડાયા હતા.

Comments