કચ્છમાં સરકારી ટયુશનિયા શિક્ષકો સામે પગલાં ભરવામાં કેમ ખચકાય છે તંત્ર ?
શહેર અને ગ્રામ્યમાં અનેક શિક્ષકો ટ્યુશન આપતા હોવા છતાં તંત્રના આંખે પાટા : અમદાવાદ ગ્રામ્ય જેવી કાર્યવાહી કચ્છમાં કયારે ? : એજ્યુકેશન ઈન્સ્પેક્ટર, બી.આર.સી., સી.આર.સી.ની નિષ્પક્ષ તપાસ થાય તો ઘણા શિક્ષકો ઉઘાડા પડી શકે
ભુજ : તાજેતરમાં અમદાવાદ ગ્રામ્યમાં ટયુશનીયા શિક્ષકો પર નિયમ વિરૂદ્ધની કામગીરી સબબ રાજીનામા લેવા સુધીના પગલા ભરાયા છે ત્યારે આ બદી કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ છાનાખુણે ક્યાંકને ક્યાંક ગેરપ્રવૃત્તી વર્ષોથી ચાલી આવતી રહી છે, ત્યારે ફરિયાદની રાહ જોવાના બદલે શિક્ષણ નિરીક્ષકો જો તટસ્થ તપાસ કરે તો મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના છે. જગજાહેર આ ટ્યુશનિયા શિક્ષકો કામગીરી કરી રહ્યા છે. તો શુંં શિક્ષણ તંત્રને આ બાબતની જાણ નહીં હોય ? કે પછી તેરી ભી ચુપ મેરી ભી ચુપની જેવો તાલ સર્જાઈ રહ્યો છે.
આ અંગેની વિગતો મુજબ સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે ખાનગી શાળાનાં શિક્ષકોને ખાનગી ટયુશન કરવા પર પ્રતિબંધ હોવા છતાં ઘણી શાળાનાં શિક્ષકો બહાર ટયુશન કરાવી રહ્યાં છે. જેનાથી સ્કુલો પણ પરિચિત છે. તેમ છતાં તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ ચાલ્યા કરે છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્યમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસો દ્વારા નામજોગ ફરિયાદના પગલે રાજીનામા લેવાયા હતા. કચ્છના શહેરી અને મોટા ગ્રામ્ય વિસ્તારોમાં કોચીંગ કલાસીસ ધીકતો ધંધો બન્યા છે. જિલ્લા મથક ભુજના ઘનશ્યામનગર જેવા રહેણાંકના વિસ્તારોથી માંડી દુર દુર આવેલ સોસાયટી વિસ્તારોમાં પણ કોચીંગ સેન્ટરો ધમધમી રહ્યા છે. ભુજની ભાગોળે આવેલા માધાપર ગામે જેટલી શાળાઓ છે તેનાથી વધુ ખાનગી ટયુશનના હાટડા ધમધમી રહ્યા છે. એક ઈમારતમાં કલાકના બેચ બનાવી વિવિધ ધોરણના વિદ્યાર્થીઓને ક્રમાનુસાર ટયુશન આપવામાં આવે છે. જેના કારણે સવારથી મોડી રાત સુધી આવા વિસ્તારોમાં દ્વીચક્રી વાહનોના ખડકલા જોવા મળતા હોય છે. ખુલેઆમ ધમધમતા કોચીંગ સેન્ટરો તંત્રને કેમ દેખાતા નથી તેવો વેધક સવાલ ચોખલીયા શિક્ષણ વિદો ઉઠાવી રહ્યા છે. જ્યારે કચ્છ જિલ્લામાં પણ ઘણા નોકરીયાત શિક્ષકો ટયુશન કલાસ ચલાવી રહ્યા છે અને કેટલીક શાળા ડે-કેરમાં પણ કોચીંગની કામગીરી કરી રહ્યાં છે. જે અંગે યોગ્ય તપાસ થાય તો આ ગેરરીતિ બહાર આવી શકે છે. એક તરફ સરકારે ગુરૂજનોને ફિકસ વેતનના બાંધણા કરી આપ્યા બાદ આજના મોંઘવારીના દોરમાં ટુંકા પગારમાં ઘરના બે છેડા ભેગા કરવામાં નેવાના પાણી મોભે ચડાવવા જેવી સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે મજબુરીમાં પણ કેટલાક શિક્ષકોને નાછુટકે પાર્ટ ટાઈમ કોઈ કોચીંગ સેન્ટરમાં નોકરી કરવાની ફરજ પડતી હોય છે. જયારે કેટલાક તો શિક્ષક બનવાની ગુણવતા ધરાવતા વેપારીવૃતિના ગુરૂજનોએ તો શાળાઓમાં નોકરી કરવાના બદલે પોતાના કોચીંગ સેન્ટર શરૂ કરવામાં જ પોતાનું હિત જોયું છે.

Comments