જિલ્લામાં આધાર-પુરાવા વગરના અનાજના વેપલા પર પુરવઠા વિભાગની રહેમ નજર
અવાર નવાર પોલીસ દ્વારા માંડવી અને ભુજમાં અનાજ કબ્જે કરાય છે, પરંતુ મૂળ સુધી તપાસ પહોંચતી નથી
ભુજ : સરકાર દ્વારા એનએફએસએ રાશનકાર્ડ ધારકોને દર મહિને અનાજ આપવા સાથે શાળા અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અવાર નવાર પોલીસ દ્વારા આધાર પુરાવા વગરના ઘઉં અને ચોખા કબ્જે કરવામાં આવે છે. જોકે, મૂળ સુધી તપાસ પહોંચતી નથી.
માંડવી તાલુકાના કોડાય, બાગ, ગઢશીશા, વાંઢ સહિતના વિસ્તારોમાં તેમજ ભુજમાં પણ અલગ - અલગ સ્થળોએ પોલીસ દ્વારા ઘઉં - ચોખા કબ્જે કરવામાં આવે છે. માલ વેચાણ માટે જતો હોય તે પેહલાં પકડી લેવામાં આવે છે, પરંતુ આ આધાર પુરાવા વગરનો અનાજ ખરીદનારા અને મોકલનારા કે વેચનારા પર કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પુરવઠા વિભાગ દ્વારા દુકાનોમાં તપાસ કરવામાં આવે ત્યારે અનાજમાં વધઘટ જણાતા દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આ પ્રમાણે સરકારી અનાજ જ્યારે સગેવગે થતું હોય ત્યારે મૂળ સુધી નક્કર કાર્યવાહી થતી નથી.
અનાજની ગોલમાલ કરનારા તત્ત્વો એટલા હોંશિયાર છે કે સરકારી અનાજની બોરીમાંથી ઘઉં અને ચોખા કાઢી અન્ય બોરીમાં ઠલવી દેવામાં આવે છે, જેથી નામોનિશાન રહેતું નથી. ઘણા કાર્ડધારકો રાશન લેવા જતા નથી અને અનાજ સગેવગે થઈ જાય છે. ખરેખર જે કાર્ડધારકો રાશન લેતા નથી તેઓએ મામલતદાર કચેરીમાં જઈને પોતાનો કાર્ડ નોન એનએફએસએ કરાવી નાખવું જોઈએ. આધાર પુરાવા વગરના અનાજના વેપલા પર કાર્યવાહી થવી જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પકડાવવામાં આવેલ શંકાસ્પદ અનાજના જથ્થાને પાછળથી બીલ રજુ કરવામાં આવે છે. જ્યારે આ માલની સાથે બીલ કે તેના વિગત સાથે રાખવાની હોય છે. પોલીસ દ્વારા ૪૧ વન્ડીના કેસમાં ચલક ચલાણું અવાર - નવાર ચર્ચામાં આવતું હોય છે પણ ઉપરી અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરાય તો બધુ બહાર આવી જાય તેમ છે. હાલ સસ્તા અનાજના જથ્થો સગવગે કરવાના અનેક કિસ્સા કચ્છમાં ચર્ચામાં આવી ગયા છે. આ વખતે પોલીસ આ કાર્યવાહી શું કરે તે જોવું રહ્યું.

Comments