Trending News
સ્થાનિક સમાચાર

ભુજ - નલિયા ટ્રેક પશ્ચિમ રેલવે માટે બન્યો કમાઉ ‘દિકરો’

21 July

પ્રવાસી ટ્રેન દોડતી થાય તે પૂર્વે 



વર્ષ ર૦રપમાં પ્રથમ છ માસ જેટલા સમયગાળામાં ૮૯ રેક થકી ૦.૩૦પ એમએમટી માલનું પરિવહન કરાયું : રેલવેની તિજોરીને રૂા. ૭૭ કરોડની આવક : સૌથી વધુ બેન્ટોનાઈટના ૬ર રેકનો મળ્યો ટ્રાફિક

ખનિજ સંપદાથી સમૃદ્ધ અને ઔધોગિક ક્ષેત્રે વિકસિત અબડાસા પંથકના ઉદ્યોગકારો અને વ્યવસાયકારોએ માલ પરિવહન માટે સસ્તી અને સલામત રેલવે સેવા પર ઉતારી પસંદગી


ખાટલે મોટી ખોટ : ભુજ-નલીયાની પ્રવાસી ટ્રેન શરૂ થવામાં એક યા બીજા કારણોસર વિલંબ જ થઈ રહ્યો છે, અબડાસા-લખપત સહિતના છેવાડાના વિસ્તારો માટે આર્શીવાદરૂપ આ પ્રવાસી ટ્રેન હજુ શરૂ નથી થઈ શકે, પરંતુ ઉદ્યોગો તથા ખનીજક્ષેત્રના એકમો માટે માલગાડી ચાલુ પણ થઈ ગઈ અને કરોડોની આવક પણ રડતી થવા પામી ગઈ? પશ્ચિમ રેલવે-સરકારને તો અહી આર્થિક લાભ થઈ જ રહ્યો છે, પરંતુ ખરેખર પ્રવાસી ટ્રેન શરૂ કરવી પણ છે તેટલી જ પ્રાથમીકતા..! માલગાડીને ઝડપ અને પ્રવાસીમાં વિલંબ તેની પાછળનું પણ રહસ્ય શું?



ભુજ : સવાયા કચ્છી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભુજ - નલિયા રેલવે ટ્રેકના ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીના હસ્તે તેનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્રણ દાયકાના લાંબા સમયગાળા બાદ ફરી એકવખત અબડાસા તાલુકાના ગામો રેલવે સેવા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભુજ - નલિયા ટ્રેક પર વિદ્યુતિકરણનું કામ પણ ફેબ્રુઆરી મહિનમાં પૂર્ણ થયું છે. અને ટ્રાયલ રન પણ સફળતા પૂર્વક કરી લેવામાં આવ્યું છે. અબડાસા પંથકમાં કંપનીઓમાં શ્રમજીવીઓ  અને સુરક્ષા દળોમાં પરપ્રાંતિય જવાનો ફરજ બજાવે છે. નલિયાથી મુંબઈ કે દિલ્હી સુધીની ટ્રેન સેવા શરૂ થશે. તો ખુબ મોટો લાભ તેઓને થવાનો છે, પરંતુ પ્રવાસી ટ્રેન સેવા શરૂ થવા પૂર્વે માલગાડીઓ ભુજ - નલિયા ટ્રેક પર દોડતી થઈ ગઈ છે, જેનો ભરપુર લાભ પશ્ચિમ રેલવેને થઈ રહ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ - નલિયા ટ્રેક પર વિદ્યુતીકરણનું કામ વાયોર સુધી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ પ્રવાસી ટ્રેન શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. નલિયા અથવા ભુજ રેલવે સ્ટેશન પર પીટલાઈન બન્યા બાદ પ્રવાસીઓ માટે ટ્રેનની સેવા શરૂ થશે. ભુજના નવવનિર્માણ પામી રહેલા રેલવે સ્ટેશન પર બે પીટલાઈન બની રહી છે. દરમ્યાન પ્રવાસી ટ્રેન શરૂ થવા પૂર્વે રેલવે દ્વારા માલગાડીઓની સેવા શરૂ થઈ ગઈ છે. આજથી ત્રણ દાયકા અગાઉ ભુજ-નલિયા વચ્ચે પ્રવાસી ટ્રેન સેવા શરૂ થઈ હતી, જે બંધ થયા બાદ સરહદી કચ્છને આધુનિક રેલવે સેવા સાથે સાંકળી લેવા ગેજ પરિવર્તનનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિથી ગેજ પરિવર્તનનું કાર્ય પૂર્ણ થયું છે સાથે જ વિદ્યુતીકરણનુું કામ પૂર્ણ કરી લેવાયું છે. પ્રવાસી ટ્રેન શરૂ થયા બાદ વીર અબડાની પાવન ભૂમિ પર વસવાટ કરતા લોકોની સુખાકારીમાં વધારો થશે. અબડાસા પંથક ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકસીત થયો છે. આ વિસ્તારમાં સિમેન્ટના એકમોના કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થતાં પરપ્રાંતિય શ્રમિકોની વસતી વધી છે સાથે જ વાયુસેના અને સુરક્ષા દળોના જવાનોને રજાઓમાં પોતાના વતન જવા માટે રેલવેની સેવાનો લાભ મળતો થશે. પ્રવાસી જનતાને લાભ થાય તે પૂર્વે ઔદ્યોગિક એકમો અને પ્રાકૃતિક ખનિજ સંપાદની સમૃદ્ધ અબડાસા પંથકના માઈનિંગ સેક્ટરને રેલવેની માલ પરિવહનની સેવાનો લાભ મળતો થયો છે. રોડ ટ્રાન્સપોર્ટેશનની સરખામણીમાંં માલગાડી મારફતે માલનું પરિવહન વધુ સસ્તુ અને સલામત થતું હોવાથી ઉદ્યોગો અને માઈનિંગ સેક્ટરના વ્યવાસયિકો તેનો ભરપૂર લાભ લઈ રહ્યા છે.પશ્ચિમ રેલવે દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ-નલિયા ટ્રેક પર માલગાડીઓ નિયમિત દોડતી થઈ છે. સિમેન્ટ, બેન્ટોનાઈટ અને ક્લીંકરના પરિવહનમાં તેનો ભરપૂર લાભ સંબંધિત ઉદ્યોગકારોને મળી રહ્યો છે.


...................


માલગાડી થકી સંચાલનનો 
આ રહ્યો આંકડાકીય એકસ-રે..!


ગાંધીધામ : જાન્યુઆરી ર૦રપથી અત્યાર સુધી કુલ્લ ૮૯ રેકમાં બેન્ટોનાઈટની ૬ર રેક, સિમેન્ટની ર૪ રેક અને ક્લીંકરની ૩ રેક દોડી છે, જેના થકી રેલવેને ૭૭ કરોડની આવક થઈ છે. વર્ષ ર૦રપમાં બેન્ટોનાઈટ, સિમેન્ટ અને ક્લીંકરનું ૦.૩૦પ એમએમટી કાર્ગોનું પરિવહન રેલવે રેક દ્વારા કરવામાં આવ્યું છે. બેન્ટોનાઈટના ૬ર રેકમાં ૦.ર૭ એમએમટી લોડ પરિવહન સાથે રૂા.૭૪ કરોડની આવક થઈ હતી. સિમેન્ટના ર૪ રેકમાં ૦.૦૩પ એમએમટી માલ પરિવહનથી ૧.પ કરોડ અને કલીંકરની ૩ રેકમાં ૦.૦૦૧ એમએમટી માલ પરિવહનથી ૧.પ કરોડની આવક થઈ છે. ભુજ-નલિયા રેલવે ટ્રેક પર પ્રવાસી સેવા શરૂ થવા પૂર્વે જ માલ પરિવહન શરૂ થતાં આ ટ્રેક રેલવે માટે કમાઉ દિકરો સાબિત થયો છે.

Comments

COMMENT / REPLY FROM