નિરોણા પંથકમાં દિપડાનો આતંક : ર ભેંસને ફાડી ખાધી
પાવરપટ્ટીમાં દિન દહાડે બે દિપડાએ દેખા દેતા માલધારી વર્ગમાં ચિંતા : અગાઉ પણ નિરોણામાં બકરીનું મારણ કર્યું છે : લોહી ચાખી ચુકેલા દિપડાને તાકીદે પાંજરે પુરવા ગ્રા.પં. સરપંચની માંગ
નખત્રાણા : પાવરપટ્ટીના નિરોણા પંથકમાં દિપડાએ હાહાકાર મચાવતા ર ભેંસને ફાડી ખાધી છે. તો નિરોણામાં થોડાક દિવસ પહેલા બકરીઓનું મારણ કર્યું હતું.
વેડહાર ગામથી અને ઓરીરાની સીમમાં ગઈકાલે સાંજે ઓરીરાના સુમરા રજાક ઈબ્રાહીમ તથા સુમરા અબ્દુલા વલીમામદની લાખો રૂપિયાની કિંમતની ર ભેંસને દિપડાએ ફાડી ખાધી હતી. દુધની રોજીરોટી પર જીવતા આ માલધારી વર્ગ પર આભ ફાટી નિકળ્યું હતું. કચ્છઉદય સાથે વાતચીત કરતા આ બન્ને માલધારીઓ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી ઓરીરાના સીમાડામાં દિપડા નિવાસ કરે છે. બે દિપડા તેમને નજરે જોયા છે. આ બાબતે તેમણે નિરોણા સરપંચ - વનખાતાને જાણ કરી હતી. બીજીતરફ નિરોણાના સરપંચ એન.ટી.આહિરે કચ્છઉદયને કહ્યું કે, નિરોણાની પાવરપટ્ટીના સીમાડામાં અવારનવાર દિપડા દેખા દેતો હોય છે. અગાઉ પણ દિપડાએ ઘણી બધી ગાયો, બકરી, ઉંટોનું મારણ કર્યું છે. આ બાબતે ગ્રામ પંચાયતે વનખાતાને લેખિતમાં રજુઆત કરી હતી. વનખાતા દ્વારા આ સીમાડામાં વાંદરો મુકવામાં આવે, વનખાતાએ વાંદરાનું પાંજરૂં પણ મુકયુંં હતું. પરંતુ આ ચાલાક દિપડો પાંજરાની બાજુમાં આવીને નાસી જાય છે. અને દિપડો પાંજરાને પણ ખો આપી જાય છે. પાંજરામાં દિપડો કેેદ કેમ થાય તે દિશામાં વનખાતા તરફથી બીજી કોઈ યોજનાની અમલવારી કરે તેવી વિનંતી શ્રી આહીરે કરી છે. આ નર દિપડો માનવ વસ્તીમાં પણ વિચરે છે એટલે લોકો એને ભગાડવાની કોશિષ કરે છે છતાં આ દિપડો ભાગતો નથી. અને લોકોનો તેને જરાય ડર રહેતો નથી. જેથી આ રાની પશુને તાકીદે વનખાતો પાંજરે પુરે તેવી માંગ ગ્રા.પં. સરપંચ અને માલધારી વર્ગે કરી છે. આ બાબતે કચ્છઉદયે પૂર્વ આરએફઓ ધવલ દેસાઈનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે વનતંત્રનો સ્ટાફ ત્યાં ધામા નાખ્યા છે. અને જયાં દિપડો ફસાય તે જગ્યા પર પાંજરા મુકવામાં આવ્યા છે અને તેને પકડવા વન તંત્ર તમામ પ્રયાસ આદરયા છે. તાકીદે દિપડાને પાંજરામં પુરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

Comments