Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં મહિલા એએસઆઈની ગળે ટૂપો આપી હત્યા કરાતા ચકચાર

19 July



હત્યા કર્યા બાદ આરોપી સીઆરપીએફ જવાન સામેથી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો : ગઈકાલે રાત્રે બંને વચ્ચે થયો હતો ઝઘડો : પોલીસ કર્મચારીની હત્યા થતાં પૂર્વ કચ્છ પોલીસ બેડામાં મચી ચકચાર 


ગાંધીધામ : અંજાર શહેરમાં મહિલા એએસઆઈની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ગળે ટૂપો આપીને હત્યા કરવામાં આવી હતી. બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજારમાં ગંગોત્રી સોસાયટી -ર ખાતે રહેતા અને અંજાર પોલીસ સ્ટેશનમાં એટેચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રપ વર્ષિય અરૂણાબેન જાદવની હત્યા કરવામાં આવી હતી. હતભાગી મૂળ સુરેન્દ્રનગરના ડેરવાડા ગામના વતની હતા. સીઆરપીએફમાં મણિપુર ખાતે ફરજ બજાવતા આરોપી દિલીપ ડાંગચિયા અને હતભાગીનો ગત રોજ રાત્રે ઝઘડો થયો હોવાનું આસપાસ રહેતા લોકોએ જણાવ્યું હતું. જે બાદ આવેશમાં આવીને ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી. બનાવ બાદ આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો હતો. હતભાગી અને આરોપી આસપાસના ગામના હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. પીઆઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે. આરોપીએ કયા કારણોસર મહિલા એેએસઆઈનું ગળુ દબાવી હત્યા કરી તે દિશામાં પુછપરછ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતાં સમગ્ર પૂર્વ કચ્છ પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી. 

 

Comments

COMMENT / REPLY FROM