મુરચબાણમાં વધુ એક વખત બેન્ટોનાઈટનુંં ખોદકામ કરતા વાહનો પકડાયા
અવાર નવાર આ વિસ્તારમાં ખનિજ ચોરીના કારણે મસમોટા ખાડા પડી ગયા : વરસાદે વિરામ લેતા આ પટ્ટામાં ખનિજ ચોરો ફરી સક્રિય થયા : મુરચબાણની જેમ માંડવી તાલુકાના નાગ્રેચામાં પણ ખનિજ ચોરીની ચર્ચા
દયાપર : લખપત તાલુકાના માતાનામઢથી કોટડામઢ અને મુરચબાણને જોડતા માર્ગ પર અવાર નવાર ખનિજ ચોરી પકડાય છે. અગાઉ વિવિધ સરકારી યોજનાઓના નામે ખોદકામ કરી ખનિજ ઉસેડવામાં આવ્યું હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. ફલાઈંગ સ્કવોર્ડ, ભુજ ખનિજ વિભાગ, એલસીબી દ્વારા દરોડા પાડી વાહનો કબજે કરી દંડ પણ ફટકારવામાં આવ્યો છે ત્યારે વધુ એક વખત ભુજ ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મુરચબાણ વિસ્તારમાં બેન્ટોનાઈટ ખનિજની ચોરી પકડાઈ હતી. વિભાગે ગેરકાયદેસર બેન્ટોનાઈટ ખનીજની ચોરી કરતા એક ટ્રક અને એક્સેવેટર મશીન જપ્ત કર્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ ખનીજ ચોરીના કિસ્સા પકડાયા હતા. ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા વાહનોને ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે. ખનિજ વિભાગ દ્વારા આ મામલે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ પૂર્ણ થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માંડવી તાલુકાના નાગ્રેચામાં પણ આ પ્રમાણે ખનિજ ચોરી થતી હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે કાર્યવાહીમાં કરવામાં આવે તે જરૂરી છે.
=-----------

Comments