Trending News
સ્થાનિક સમાચાર

ખરીફ વાવેતર ટાંકણે નકલી બિયારણ વિક્રેતાઓ સામે જિલ્લાવ્યાપી સર્ચ ઓપરેશન અનિવાર્ય

18 July

ચારેકોર નકલીની બોલબાલા વચ્ચે....




જિલ્લામાં વાવણીલાયક વરસાદ બાદ ચોમાસુ પાકના વાવેતરનો ધમધમાટ શરૂ : કચ્છના કિસાનો ખાતર, બિયારણની ખરીદીમાં પરોવાયા : વધુ નફો મેળવવાની લ્હાયમાં ધરતીપુત્રોને આંબાઆંબલી બતાવી હલકી ગુણવતાના બિયારણ - ખાતર ધાબડી દેતા લેભાગુઓ પણ સક્રિય : જિલ્લા કૃષિ વિભાગ દ્વારા રાપરથી લખપત સુધી તપાસ થવી ઘટે : ખેડૂતો પણ સસ્તાની લ્હાયમાં ફસાવવાના બદલે વિશ્વસનીય વિક્રેતાઓ પાસેથી જ ખરીદીનો રાખે આગ્રહ 



ભુજ : કચ્છ જિલ્લામાં ચોમાસાની શરુઆત સાથે નાના, મોટા ખેડૂતો પાકને અનુરુપ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાની ખરીદી હાથ ધરતા હોય છે. આથી વધતી માંગ સામે વધુ નફો રળી લેવા લાલચી કેટલાક વિક્રેતાઓ ભેળસેળયુકત બિયારણ પધરાવવાની મોડસ ઓપરેડન્સી અપનાવતા હોય છે, જેમાં કવોલિટી વગરના બિયારણમાં લાલ પાવડર ભેળવીને જાણીતી કંપનીના નામે પેકીંગ કરીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પધરાવવામાં આવતું હોય છે. આ બિયારણના વેચાણથી તગડો નફો મળતો હોવાથી વિક્રેતાઓ ખેડૂતોને સારું બિયારણ હોવાનું કહીને વેચાણ કરતા હોવાનું પણ ચર્ચામાં છે. દર વર્ષે જિલ્લામાં નકલી બિયારણની બૂમરાડ ઉઠતી રહેતી હોય છે ત્યારે ‘ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા’ને બદલે કચ્છનો કૃષિ વિભાગ કુંભકર્ણી નિંદ્રા ત્યજી જિલ્લાવ્યાપીં સર્ચ ઓપરેશન હાથ ધરે તે અત્યંત જરૂરી બન્યું છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારીત હોઈ ચોમાસુ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. ચોમાસા દરમ્યાન રામમોલની સાથોસાથ અન્ય પાકોનું પણ વાવેતર થતું હોઈ બજારમાં બિયારણની રીતસરની લાવ લાવ રહેતી હોય છે. ખેડૂતો સમયસર વાવણી કરી શકે તે માટે જયાંથી મળે ત્યાંથી બિયારણની ખરીદી કરી લેતા હોય છે. આ તકનો લાભ લઈ કેટલાક લેભાગુઓ હલકી ગુણવત્તાનું બિયારણ મોંઘા ભાવે ખેડૂતોને ધાબડી દેતા હોય છે. ગત વર્ષોમાં વાગડ પંથકમાં નકલી બિયારણના કારણે ખેડૂતોને મોટું નુકશાન ભોગવવું પડયું હતું. 
જિલ્લામાં વાવણીલાયક વરસાદ થયા બાદ ખેડૂતોએ ખરીફ પાકના વાવેતર માટે હથીયારો સજાવી લીધા છે. છેલ્લા બે દિવસથી કચ્છમાં વરાપ નિકળતા ખેડૂતોએ ખેતરની વાટ પકડી છે. સાથે જ ચોમાસુ પાકના વાવેતર માટે બિયારણ અને ખાતરની ખરીદીમાં પરોવાઈ ગયા છે. જિલ્લામાં ખાતર - બિયારણનું વેંચાણ કરતા વેપારીઓ પાસે કિસાનોની કતારો જોવા મળી રહી છે. સમયસર વાવણી કરવા માટે આસપાસના વિસ્તારના વેપારી પાસેથી ખરીદી કરી લેતા હોય છે. વિવિધ પાકોના બિયારણમાં પણ અનેક જાત ઉપલબ્ધ રહેતા હોઈ દરેક કંપની અને વિક્રેતાઓ પોતાનો માલ શ્રેષ્ઠ હોવાની વાતો ઉચ્ચારતા હોય છે. ખેડૂતો પણ વધુ ઉત્પાદન મેળવવાની આશાએ વેપારી પર આંધળો વિશ્વાસ મુકી ખરીદી કરતા હોઈ આ તકનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી કેટલાક લેભાગુઓ જૂનો, હલકી ગુણવતા વાળો અને નકલી માલ પણ ખેડૂતોને પધરાવતા અચકાતા હોતા નથી. ત્યારે કચ્છમાં કૃષિ વિભાગ હજુય કાર્યવાહી કરવા માટે મુર્હૂતની રાહમાં હોઈ ખેડૂતો છેતરપીંડીનો ભોગ બને તે પૂર્વે તંત્ર આળસ ખંખેરી તપાસણી હાથ ધરી શંકાસ્પદ નમુનાઓને લેબ ટેસ્ટ માટે મોકલી આપે તો ધરતીપુત્રો છેતરપિંડીનો ભોગ બનતા બચી શકે તેવું જાણકાર કિસાન અગ્રણીઓ જણાવી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM