શ્રુજન એલએલડીસી ક્રાફ્ટસ મ્યુઝિયમ દ્વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટ શરૂ કરાયેલ ‘હસ્તકળા પરિચય’ કાર્યક્રમને મળતો બહોળો પ્રતિસાદ
ભુજ : તાલુકાના અજરખપુરમાં નવ એકરમાં સ્થિત બહુઆયામી હસ્તકળા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર તરીકે સુવિખ્યાત આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રાફ્ટ મ્યુઝિયમ શ્રુજન લિવિંગ અને લર્નિંગ ડિઝાઇન સેન્ટર (એલએલડીસી) કચ્છની હસ્તકળાના વારસાને સંરક્ષિત કરવા અને સક્ષમ બનાવવા માટે સતત કાર્યરત છે અને હસ્તકળાઓના સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે ઘણા વર્ષોથી પ્રયત્નશીલ છે. શ્રુજન એલએલડીસી મ્યુઝિયમનો ઉદ્દેશ કચ્છની ભાતીગળ લોકસાંસ્કૃતિક વારસા સમાન કચ્છની વિવિધ હસ્તકળાઓથી આજની યુવાપેઢી પરિચિત થાય અને તે દ્વારા તેમનામાં પણ હસ્તકલાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય અને સન્માન વધે તેવો છે. એલએલડીસી મ્યુઝિયમ વિવિધ સજનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા અને નિખારવા માટે સતત તત્પર રહે છે.
આજના આધુનિક યુગમાં ભાવિ પેઢીનું સર્વાગી ઘડતર થાય તે અનિવાર્ય છે. હસ્તકળા વિદ્યાર્થીઓમાં રહેલી ખૂબીઓને બહાર લાવે છે તથા તેમનામાં રહેલ આંતરિક મૂલ્યોનો પણ વિકાસ કરે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ વડે વિદ્યાર્થીઓમાં પોતાની જાત પ્રત્યે આત્મવિશ્વવાસ અને આવડત કેળવાય છે. આ જ ઉદ્દેશને ફળીભૂત કરવા શ્રુજન એલએલડીસી ક્રાફ્ટસ મ્યુઝિયમ દ્વારા સમગ્ર શૈક્ષણિક વર્ષ (૨૦૨૫-૨૬) દરમિયાન “હસ્તકળા પરિચય” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જોડાય તે માટે રાહત દરે કચ્છની પ્રાદેશિક ક્રાફ્ટ જેવી કે, અજરખ બ્લોક પ્રિન્ટ, બાંધણી, ભરતકામ, મડ વર્ક (લીંપણ કામ), પોટરી વગેરે પૈકીની હસ્તકળાઓ શીખવવામાં આવે છે, વિવિધ ક્રાફ્ટ અંગેની ફિલ્મના નિદેશનની સાથોસાથ મ્યુઝિયમની તમામ ગેલેરીઓની ટુર અપાય છે અને બપોરના ભોજનને પણ આમાં આવરી લેવામાં આવે છે. આ ‘હસ્તકળા પરિચય” કાર્યક્રમમાં શાળા - કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને તેઓને કચ્છ તેમજ કચ્છની હસ્તકળાઓ વિશે જાણવાની તક મળે છે. આ હેન્ડસ્-ઓન પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ જાતે નમુનાઓ તૈયાર કરે છે જેથી તેઓ પસંદિત હસ્તકળા શીખી શકે છે. ઉપરાંત સરકાર દ્વારા શૈક્ષણિક અભ્યાસની સાથેસાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર વધુ ભાર મુકીને બેગલેસ ડે (દર શનિવારે) જાહેર કરેલ હોવાથી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓ દ્વારા ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને કચ્છની અલગ અલગ શાળાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. હજુ વધુને વધુ શાળાઓ આ ‘હસ્તકળા પરિચય’ કાર્યક્રમમાં જોડાય અને વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવે, હસ્તકળાથી પરિચિત થાય તેવો અનુરોધ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મો. નં. ૮૮૬૬૨ ૩૫૫૫૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.
-------

Comments