અંજારમાં ચોકીદારની હત્યા કરવાના બનાવમાં બે શખ્સને આઠ વર્ષની સજા
ર૦૧૯ મા ચોરી કરવા આવેલા શખ્સોએ ચોકીદારની કરી હતી હત્યા
ગાંધીધામ : અંજારમાં બંધ મકાનમાં ચોરી કરવા આવેલા શખ્સોને ચોકીદારે પડકારતા આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બન્નેને આઠ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ અંજાર તાલુકા પંચાયત કચેરી નજીક આવેલ ગોલ્ડન સેન્ડ સોસાયટીના બંધ મકાનમાં જાન્યુઆરી - ર૦૧૯ ના આ બનાવ બન્યો હતો. ફરિયાદી પુષ્કર બાબુભાઈ પટેલના બંધ મકાનમાં ચોકીદાર ખોડાભાઈ લાખાભાઈ રબારી ચોકીદારી કરતા હતા ત્યારે આરોપી મેઘપર (કુંભારડી)ના રમેશ દામજી ઉર્ફે દેવજી મહેશ્વરી અને પાટણના નાનજી ઉર્ફે નાનકો બાબુભાઈ કોલી ચોરી કરવા માટે ઘરમાં ઘૂસ્યા હતા. મકાનમાંથી નળ અને ફુંવારા સહિત ૧૦ હજારની ચોરી કરવામાં આવી હતી. ઝપાઝપી સમયે નાનજીએ છરી વડે હુમલો કરતા ખોડાભાઈનું મોત થયું હતું. બનાવ બાદ આરોપી ભાગી ગયા હતા. અંજારના બીજા અધિક સેશન્સ જજ કમલેશ શુકલએ બન્ને આરોપીને સાપરાધ મનુષ્યવધ હેઠળ દોષીત ઠરાવી આઠ વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આશીષ પંડ્યાએ હાજર રહી દલીલો કરી હતી. --

Comments