કચ્છની જમીનોમાં રહેલ માપણી વધારો નાબુદ કરવા રાપરના પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
ભુજ :રાપર પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના હિતમાં નવી જુની શરતનું પ્રિમિયમ નાબુદી, ખેડૂત ખાતેદાર કોઈ કારણોસર ખાતેદાર મટી ગયા હોય તો પુનઃહ જીવીત કરવા જેવા અનેક મહેસુલી સુધારા કરવા બદલ આભાર વ્યક્ત કરીને હર્ષની લાગણી વ્યક્ત કરાઈ હતી સાથે સાથે કચ્છ જિલ્લામાં જમીન માપણી વધારો નાબુદ કરવા બાબતે જણાવ્યું હતું કે, રાજયમાં કચ્છ એક એવો જિલ્લો છે કે જેમાં ખેતીની જમીનમાં માપણી વધારો છે. માપણી વધારો એટલે કે કચ્છ જિલ્લાના કુલ ૧૦ તાલુકા પૈકી પ તાલુકામાં પહેલા પ્રમોલગેશન વખતે બે વખત માપણી થઈ જે તે વખતે તત્કાલીન માપણીદારોની ભૂલને કારણે હાલના તથા માજી સર્વે નંબરોના ક્ષેત્રફળ વધે તેને માપણી વધારો કહેવામાં આવે છે. માપણી વધારો થયેલ મુળ જમીન પહેલેથી જ ખેડૂત ખાતેદાર માલિકીની હતી, પરંતુ માપણીમાં ભૂલ - વિસંગતતાના કારણે અત્યારે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માલિકીની જમીન રેગ્યુલર કરવામાં ખેડૂતોને જંત્રીના અઢી ગણા રૂપિયા વસુલ કરવામાં આવે છે.
કલેકટર કચેરી ખાતે તેમની મર્યાદામાં આવતો માપણી વધારો દા.ત. ૧૦ એકરમાં ૪ એકર માપણી વધારો હોય તો ૪ એકર માપણી વધારાની ખેતીની જંત્રીના અઢી ગણી કિંમત નકકી કરતા જો ૧૫ લાખ મર્યાદામાં ખેડૂતને ભરવાના થાય તો કલેકટર દ્વારા હુકમ કરી આપવામાં આવે છે અને આ સંપુર્ણ પ્રક્રિયા વધીને ૧૫ દિવસ અથવા ૧ મહિનાની સમયમર્યાદામાં રૂપિયા ભરવા હુકમ કરી આપવામાં આવે છે, પરંતુ કલેક્ટરની સતા બહાર એટલે કે ઉપર મુજબની કિંમત અથવા ક્ષેત્રફળથી વધારે કિંમત થતી હોય તો કલેકટર દ્વારા ઉપરોકત મર્યાદા બહારના હુકમો અર્થે ગાંધીનગર મહેસુલ વિભાગ ખાતે સાદર કરવામાં આવે છે, પરતુ ગાંધીનગર મહેસુલ વિભાગ ખાતે એક ફાઈલ કિલયર કરવા માટે વર્ષો એટલે કે રથી પ વર્ષ નીકળી જાય છે અને જો જંત્રી વધારો થાય તો ફાઈલ પરત આવે છે. ઉપરોકત ફાઈલ મહેસુલ મંત્રી સુધી જાય છે. મહેસુલ વિભાગ ત્યાંથી નાણા વિભાગમાં મોકલી દે છે અને નાણાં વિભાગ સરકારી જંત્રી મુજબ અઢી ગણા ભરવા માટે બરોબર ગણતરી કરેલ છે કે કેમ ? ફક્ત આટલો જ મહેસુલ વિભાગ તથા નાણાં વિભાગનો રોલ હોય છે. મહેસુલી અધિકારીઓ એવું સમજે છે કે માપણી વધારા વાળી જમીન છે તે ફક્ત સરકારી જ છે અને ખેડૂતોની માલિકીની નથી, પરંતુ ડીઆઈએલઆરની કચેરી ખાતે હાલનું તથા માજી એટલે પ્રમોલગેશન પહેલાનું જે ’ હાલીમાજી’’ પત્રક જોઈએ તો અગાઉનું ક્ષેત્રફળ વાળા ટિપ્પણમાં હાલે જે માપણી વધારો જાહેર થાય છે તે માપણી વધારો જુના નંબરોના માપમાં પહેલેથી જ દર્શાવેલ હોય છે. જે તાલુકામાં માપણી વધારો જાહેર થયોતેમાં મૂળ જમીન કરતાં કબ્જા મુજબની માપણી કરાયેલ હોય તેવું જણાય છે, જેથી ખેડૂતને જ પોતાની જમીનને રેગ્યુલર કરવા માટે માલિકીની જમીનના જંત્રીદરના અઢી ગણા રૂપિયા ભરવા પડે છે. એવું નથી કે માપણી વધારો રેગ્યુલર થાય એટલે વધારાની જમીન ખેડૂતને મળે. હાલે જમીનનું પ્રકરણ માપણી વધારો રેગ્યુલર કરવા માટે આવે તે માપણી વધારાવાળી જમીન ખેડૂત પાસે પહેલેથી જ કબજામાં હોય છે, ફકત ટેકનિકલ ભૂલને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે અને ગામ નમુનો નં. ૭ તથા ૧૨માં પણ માપણી વધારો માલીકીના આધાર તરીકે માપણી વધારા સહિતનું ક્ષેત્રફળ દર્શાવેલ હોય છે .
શ્રી મહેતાએ વધુમાં જણાવ્યું હતુ કે, ગાંધીનગર મહેસુલ ખાતે આ ફાઈલો મોકલવાથી સમયનો બગાડ થાય છે અને ખેડૂતોને આખરે ૩૭૦ કી.મી.ના ધકકા થાય છે અને ઘણા લાંબા સમય સુધી ફાઈલોનો નિકાલ આવતો નથી. ખેડૂતોના હિતને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અનેક મહેસુલી સુધારા કરાયા છે તેમ કચ્છ જિલ્લામાં આવેલ આવા માપણી વધારો નાબુદ કરવાનો નિર્ણય તેમના દ્વાારા કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરતા આવનારા સમયમાં કચ્છના ખેડૂતોને ખોટી રીતે પડતી મુશ્કેલી અને ખર્ચમાંથી મુકિત મળશે તેવો આશાવાદ પંંકજભાઈ મહેતાએ વ્યક્ત કર્યો હતો.
-----

Comments