બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે યુરોલોજી કેમ્પ યોજાયો
બિદડા : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે પેશાબ પથરી માટે વિનામૂલ્યે યુરોલોજી કેમ્પ યોજવામાં આવ્યો હતો. બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે પેશાબ રોગમાં નડીયાદની પ્રખ્યાત મુલજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલના તબીબોની ટીમે સેવાઓ આપી હતી. ૧૨૨ દર્દીઓની વિના મૂલ્યે તપાસણી કરાઈ હતી, જે પૈકી ૧૮ દર્દીઓના ઓપરેશન ટ્રસ્ટના નવનીત સર્જીકલ ઓપરેશન થીયેટર મધ્યે આધુનિક પધ્ધતિ દ્વાવારા વિનામૂલ્યે પાર પાડવામાં આવ્યા હતા. ૧૯ દર્દીઓના મેજર ઓપરેશન હોતા તેઓને નડીયાદ રીફર કરવામાં આવેલ છે. જયાં એમના ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવશે.
આ પેશાબ રોગ વિશે માહિતી આપતા ડો. નિરામય પાઠકે જણાવ્યું કે, કચ્છનું વિષમ હવામાન, ઉંડા ઉતરતા ભૂર્ગભજળ, વધારે પડતા ટીડીએસ વાળા પાણી અને ભાગદોડ ભર્યા જીવનના અનિયમિતતાને કારણે પેશાબ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગની સાવધાની માટે ચોખ્ખુ અને ઉકાળેલુ પાણી ઉપયોગમાં લેવુ જોઈએ. નાના બાળકોમાં પણ પથરી અને પેશાબ રોગ વધુ પડતા પ્રમાણમાં જોવા મળે છે.
એક યુવા દર્દીનેે નાની નાની ઘણી બધી પથરીઓ જોવા મળી હતી, જેનું નડીયાદ મધ્યે ફલેક્ષીબલ યુરોથ્રોસ્કોપી દ્વારા ઓપરેશન કરવામાં આવશે. અગાઉ કેમ્પમાં રીફર થયેલ દર્દીનું ૪ લાખ જેટલા ખર્ચાની રોબોટીક સર્જરી પણ વિનાૂલ્યે કરવામાં આવેલ છે. વધુમાં ડો. દેસાઈએ જણાવ્યું હતુ કે, ૧૮ વર્ષ પહેલા અમે જયારે અહી કેમ્પમાં આવતા ત્યારે દર્દીઓને ઈંડાના આકાર જેટલી મોટી પથરીઓ જોવા મળતી હતી, પરંતુ આજે જાગૃતતા અને સમયસરની સારવારને લીધે વધુમાં વધુ ૨.૫ સેમીની મોટામાં મોટી પથરી જોવા મળી હતી.
ચેરમેન વિજયભાઈ છેડાએ ડો. મહેશ દેસાઈ અને નડીયાદ ટીમનો આભાર વ્યકત કર્યો હતો. આ સમગ્ર કેમ્પ દાતાઓ, સ્વયંસેવકો, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફના લીધે સફળ થયો હતો. નડીયાડ ટીમના ડો. રોહન બત્રા, ડો. નિરામયા પાઠક, ડી. નિશાંથ એસ., ડો. સાહિલ અગ્રવાલ, ડો. પ્રતિક પટેલ, ડો. કવન ટાકવાણી અને ડો. અરૂજ શાહ, એનેસ્થેટીક ડો. દિનેશ પ્રજાપતિ અને નર્સિંગ સ્ટાફે સેવાઓ આપી હતી.
લાખાપરના વતની કાનાભાઈ જીવાભાઈ આહીર (ઉ.વ.૬ર)નું તાત્કાલિક ઓપરેશન કરાયું હતું. જ્યારે બાળ દર્દી રાહુલ કાનાભાઈ રબારી (ઉ.વ. ૧૫) (રહે. મખીયાણ)ને છેલ્લા મહિનાથી પેશાબમાં તકલીફ જણાતી હોવાથી તપાસણી કરાવતા કીમોસિસની તકલીફ ફરી થઈ હોવાની જાણ થતાં તેનું પણ બિદડા ખાતે ઓપરેશન કરાયું હતું. આ ઉપરાંત ઉકડમોરાના રહેવાસી નવિન કાનજી વરચંદનું પણ ઓપરેશન કરાયું હતું.
સ્વયંસેવક તરીકે મુંબઈના અક્ષય શાહ, મનન શાહ, રેખા સંગોઈ, ધરણા શાહ અને રફીક મીસ્ત્રીએ સેવાઓ આપી હતી. કેમ્પ દરમ્યાન આવતા દરેક દર્દીઓની તપાસણી, એકસ-રે, લેબોરેટરી, ઓપરેશન, દવાઓ અને રહેવા-જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી હતી.
--------------

Comments