લાકડિયામાં ગાંજો વેચવા આવેલા બે યુવક રંગે હાથ ઝડપાયા
પ.૮૦૦ કિલો ગાંજો કબજે કરાયો : સાબરકાંઠાના બે શખ્સની ધરપકડ : બોર્ડર અને લાકડિયાના યુવકનું નામ ખુલ્યું
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્રગ્સની બદી અટકાવવાની સૂચના અન્વયે લાકડિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગાંજા સાથે બે વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ લાકડિયા - જુના કટારિયા ચાર રસ્તા પાસે આવેલ અજમેર પંજાબી હોટલ પાસે પંચરની દુકાન પાસે બે ઈસમો પોતાની બેગમાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવા લાકડિયા આવ્યા હોવાની હકીકત આધારે લાકડિયા પોલીસ દ્વારા બન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમના બેગની તપાસ કરતા પ.૮૦૦ કિલો સુકો ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. જેની કિંમત પ૮ હજાર આંકવામાં આવી છે. આ સાથે સાબરકાંઠાના પોસીના વિસ્તારના વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર અને અજયભાઈ મણાભાઈ ઉર્ફે માનાભાઈ પરમારની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે પુછપરછ દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડરમાં રહેતા મુકેશભાઈ બુંબડિયા અને લાકડિયાના દિનેશ બાવાજીનું નામ ખુલવા પામ્યું હતું. લાકડિયા પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કરી આગળની તપાસ પીઆઈ જે.એમ.જાડેજાએ હાથ ધરી છે. .

Comments