અંજારમાં સરકારી જમીનો પર હાઈપ્રોફાઈલ દબાણો સામે તંત્ર કેમ ઘુંટણિયે? બુલડોઝરવાળી કરવામાં કોની લાજ નડે છે?
નગરપાલિકા કે આડાને આ બધી જ સરકારી જમીનો પરના દબાણો દેખાતા નથી કે પછી આંખ આડા કાન કરવામા આવી રહ્યુ છે?
આ ફરીયાદ મારા ધ્યાને નથી, પણ ચોકકસથી તપાસ કરાવીશુ : શ્રી સુનીલકુમાર (અંજાર ડે.કલેકટરશ્રી)
સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બાંધવામાં આવેલ દુકાનો તોડી પાડવા તેમજ સરકારી જમીનો ખુલ્લી કરાવવા માટે જાગૃત નાગરીકે અંજાર ડે.કલેકટર સમક્ષ કરી લેખિતમાં વિગતવાર ફરીયાદ : સરકારી જમીનો પર અડીંગો જમાવનારા કોઈને પણ નહીં છોડાયા તેવા દાવાઓ કરાય છે, જયારે બીજીતરફ સરકારી જમીનો પર દુકાનો ચણાઈ ગઈ છે, તેના ખુલ્લેઆમ દાદાગીરી પૂર્વક ભાડા પણ ખવાઈ રહ્યા છે, છતા તેને દુર કરવા કોઈના પેટનું પાણી નથી હાલતું..તેની પાછળનું રહસ્ય શું?
ગાંધીધામ : તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સરકાર જમીન પર અડીંગો જમાવી બેઠેલાઓની સામે રાજયવ્યાપી ઝુંબેશ છેડી અને રીતસરની બુલડોઝરવાળી જ કરવામાં આવી હતી અને તેનાથી દબાણકારોમાં ફફાડટ પણ ફેલાયો હતો. આ કાર્યવાહી સરકારે દાવો પણ કર્યો હતો કે, સરકારી જમીન પર બેસી જનારાઓને કોઈ પણ કારે નહી છોડાય, સરકારી જમીન ખાલી કરાવવામાં કોઈને પણ બાકાત નહી રાખવામાં આવે, હવે જો આવી વાતો મોટા મથાડા સાથે માધ્યમોમાં પ્રસિદ્ધ થઈ હોય અને તે પછી પણ કચ્છના અંજાર જેવા વિસ્તારોમાં મોક્કમાની જગ્યાએ સરકારી જમીનો પર ન માત્ર દબાણો કરાય, બલ્કે એ દબાણવાળી જગ્યાએ દુકાનો પણ ચણી દેવામા આવે અને તે દુકાનો ભાડે પણ આપી દેવાય અને તેના માસીક તગડા ભાડા પણ વસુલવામાં આવી રહ્યા હાવેાની સ્થિતી સર્જાયેલી જોવાઈ રહી છે. તેમ છતા પણ તંત્રના પેટનું પાણી જ હાલતુ ન હોય તેવી રીતે આ દબાણકારો અહી વર્તતા જોવાઈ રહ્યા છે. કેમ આવા હાઈપ્રોફાઈલ દબાણો તોડવામાં બુલ્ડોજરવાળી કરવામાં તંત્ર પાછી પાની કરી રહ્યુ છે તેવા વેધક સવાલો જાગૃત નાગરી કદ્વારા અંજાર ડે.કલેકટરને લેખિત અરજી કરીને પુછેલા છે.
આ અરજીમાં જણાવાયું છે કે, એકતરફ સરકાર સરકારી જમીનોના દબાણકારોને નહી છોડે તેવુ હે છે તો પછી અંજારમાં આવેલી સરકારી જમીનો પર ખુલ્લેઆમ દાદાગીરીથી દુકાનો બનાવી ભાડે દઈ ભાડા ખાય છે તેના વિરુધ્ધ કેમ કોઈ કાર્યવાહી કરતા નથી ને ગરીબ માણસોના ભૂંગા તોડો છો? ફરીયાદી પૃથ્વીરાજ જી રાણાએ વધુમાં જણાવ્યુ છે કે, અંજારની તાલુકા પંચાયતની બાજુમાં સરકારી જમીન ઉપર દબાણ કરી ખુલ્લેઆમ દુકાનો બનાવી મોટી રકમનું ભાડું માંધાતાઓ ઉઘરાવે છે તે કેમ તોડતા નથી ?નવા અંજારની શાળા નં. ૩ ની પાછળ ચાર રસ્તાના બન્ને બાજુ ખુણા ઉપર સરકારી જમીન ઉપર ભાજપ વાળાની સાંઠગાંઠથી બે માળની
પાકી દુકાનો બનાવી એકબાજુ ઢોસાવાળાને અને બીજી બાજુ સલુનવારાને ભાડે દઈ મોટી રકમનું ભાડું પાંચ વરસથી ખાય છે. અંજાર નગરપાલિકા કે આડા કંઈ કરતી નથી. આખો દિવસ ટ્રાફીક જામ થાય છે, રસ્તા ઉપર વાહનો રાખે છે, હાલવાની જગા રહેતી નથી, આંખલા વઢે છે, આ બધું કોણ અટકાવશે ? પૂર્વ નગરપતિ ભરત શાહના બંગલા પાસે સરકારી જમીન ઉપર છ દુકાનો બનાવી ભાડે દઈ ભાડા ખાય છે. આ તમામ સરકારી જમીનો ઉપર દબાણ કરી પાકા મકાનો/દુકાનો બનાવી ભાડા ખાય છે.આ તો માત્ર નમુના છે. અંજારના ચારેય નાકે ખુલ્લેઆમ સરકારી જમીનો દબાવી દુકાનો બનેલ છે તે તંત્રને નહીં દેખાતું હોય ? આ દુકાનોની બાજુમાંથી જ સરકારી અધિકારીઓની ગાડીઓ દિવસમાં ચાર વખત વટાય છે. નવા અંજારની શાળા નં. ૩ પાછળ બનેલ દુકાનો તો મામલતદાર, અંજારના ઘરની બાજુમાંઆવેલ છે અને ઘરમાંથી જોઈ શકાય છે. સરકારી અધિકારીઓને પૈસા મળે તેવા કામમાં જ રસ છે, સરકારી જમીન ખાલી કરાવવામાં રસ નથી તેવું લોકો કહે છે. અખબારોમાં મોટા નિવેદનો અપાયા છે તે અનુસાર હવે આ દબાણો દુર કરાવી દાખલો બેસાડો તેવી લોકોની માંગણી છે. કોઈ બોલતા નથી પણ સમજે બધા છે તેથી હું ફરીયાદ કરવા આગળ આવેલ છું. મારી ફરીયાદને ધ્યાને લઈ તાત્કાલિક ઉપરોકત દુકાનો તોડી પાડી સરકારી જમીનો ખાલી કરાવવાની દાદ અરજદાર પૃથ્વીરાજસિંહ જી રાણાએ કરી છે.
બીજીતરફ આ બાબતે અંજારના એસડીએમ શ્રી સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, આવી કોઈ સ્પષ્ટ ફરીયાદ મારા ધ્યાને આવવા પામી નથી, છતા તપાસ કરાવી અને યોગ્ય પગલા લેવડાવીશુ.
...........................

Comments