ભુજ નગરપાલિકા દ્વારા રૂા.૧ કરોડના ખર્ચે સીસી અને ડામરના પેચવર્કનું કરાશે કામ
કારોબારી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ
ભુજ : નગરપાલિકાના વિવિધ વિષયોને લઈને કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી, જેમાં એમપી - એમએલએની ગ્રાન્ટમાંથી સંસ્કાર નગર ગરબા ચોક, દાંતીવાળા હનુમાન મંદિર, ગોપીનાથ કોડકી, આરટીઓ રીલોકેશન, યોગેશ્વરધામ ખાતે બેસવાના બાંકડા તેમજ અંજલી નગર રોહીદાસ ખાતે ઇન્ટરલોક,ભીલવાસ રામદેવ મંદિર કોમ્યુનિટી હોલ, ઉમાનગર પાછળ આવેલ વાળંદ સમાજ, વોર્ડ નંબર-૭ કૈલાશનગર તેમજ વાલરામ નગર-૧માં સાંસ્કૃતિક હોલ જેવા વિવિધ કામોને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુડીપી-૮૮ અંતર્ગત ઉમેદનગરના પુલ બનાવવાનું કામ, ઉમેદ નગર પાસે ગટરના બેઝનું કામ, ભારત નગર તેમજ વોર્ડ નંબર-૯માં પુલ બનાવવાનું કામ તેમજ નવી ઓફીસ બિલ્ડીંગ ખાતેે સભા ખંડનું આયોજન, વોર્ડ નંબર-૩માં સોની સમાજવાડી સ્મશાન પાસે પુલનું કામ, ભારે વરસાદ અંતર્ગત ઓગનથી પોલિસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો રોડ બનાવવા કામ અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. રૂા. ૧ કરોડના ખર્ચે સમગ્ર ભુજ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં સીસી અને ડામરના પેચ વર્કનું કામ તેમજ પોલીટેકનીક કોલેજ રોડ પર તાત્કાલિક સીસી પેચ વર્કનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વોર્ડ નંબર ૧ થી ૧૧માં તમામ વોર્ડમેનને સુચના આપવામાં આવી હતી જેમાં મુખ્ય રોડમાં ખાડા થયેલ હોઇ જેની જાણ બાંધકામ શાખાના ઇન્જીનીયર્સ તેમજ શાખાના ચેરમેનને કરવી જેથી ખાડા પુરી શકાય.
પાણી પુરવઠા તેમજ રોડ લાઇટ શાખામાં અલગ અલગ સોસાયટી દ્વારા લાઇટ તેમજ વીજ કનેકશન માટે આવેલ અરજીઓનો નિકાલ કરી નિર્ણય કરવામાં આવ્યો હતો. વોર્ડમેનનને સુચના આપવામાં આવી હતી કે જે વોર્ડમાં લાઇટ બંધ હોય તેની જાણ ઇન્જિનિયર્સ તેમજ ચેરમેનને કરી રીપેર કરાવવા જેથી યોગ્ય નિકાલ થાય. ભુજ શહેરનો સ્ટેશન રોડ પર વર્ષો જુની લાઇન બેસી જતા તાત્કાલીક રીપેર કરવાની મંજૂરી તેમજ ગાર્ડન સીટી ખાતે ડ્રેનેજની નવી લાઇન નાખીને પાણી નિકાલની વ્યવસ્થાનો નિર્ણય તેમજ ડ્રેનેજ શાખાના કર્મચારીની ખર્ચની મંજુરી આપવામાં આવી હતી.
આ કારોબારી સમિતિમાં મનુભા જાડેજા, સંજયભાઇ ઠકકર, અશોકભાઇ પટેલ, ધીરેનભાઇ લાલન, મનીષાબેન ડી.સોલંકી, રીટાબેન આર.ભાંડેલ તેમજ ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી ડો.અનીલ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.
----------------

Comments