મુંદરામાં પ્લાસ્ટીકના દાણાની આડમાં ફરી સોપારી ઠલવાઈ? ૪ કન્ટઈનર અટકાવાયા : કાસેઝના સુમિતનું નામ ઉછળ્યું..!
અમદાવાદ ડીઆરઆઈનો સપાટો : ચાર-પાંચ દીવસથી ચારેક કન્ટેનરો બાજુમાં કરી ચાલતી તપાસ : સત્તાવાર જાહેરાતની ઈંતેજારી : અગાઉ સોપારી દાણચોરીમાં ચકચારમાં રહેલા સુમિત ફરી પોત પ્રકાશ્યું : મુંબઈની એક પાર્ટી સાથે મળીને સોપારીની ગેરકાયદેસર આયાતમાં ફરી અજમાવ્યો હાથ
અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકે છે તો મુંદરા કસ્ટમ-ગાંધીધામ ડીઆરઆઈની ટુકડીઓ શું કરી રહી છે? કેમ તેમને આવા કન્સાઈનમેન્ટની કોઈ ગંધ આવતી નથી?
ગાંધીધામ : કચ્છના બંદરો પર મિસડીકલેરેશન કરી અને ડયુટીચોરી કરનારી અલગ અલગ ગેગો સક્રીય છે અને તેમાં સોપારી દાણચોરીને લઈને તો આ બંદરો ભારે ચર્ચામાં રહેવા પામે છે. મુદરા બંદર પર સોપારી દાણચોરી અને તેનો રેલો કાસેઝ સુધી લંબાતો હોવાની ઘટનાઓ પણ બનતી રહી હતી જેમાં થયેલી કાર્યવાહી બાદ થોડા સમય માટે સોપારી દાણચોર તત્વો શાંત રહ્યા બાદ ફરીથી મેદાનમાં આવી સોપારી દાણચોરીનો પ્રયાસ કરતા હોય તેવી ચર્ચાઓ તેજ બની રહી છે.
આ મામલે સામે આવતી વિગતો અનુસાર મુંદરા પોર્ટ પર પાંચેક દીવસ પહેલા પ્લાસ્ટીકના દાણામાં સોપારી દાણચોરી કરવામાં આવતી હોય તેવા કન્ટેઈનરોને એજન્સીએ બાજુ પર મુકાવી દીધા હોવાનુ સામે આવી રહ્યુ છે. કહેવાય છે કે, આ કન્ટેઈનરો પ્લાસ્ટીક દાણાના નામે સોપારીના હોવાનુ એજન્સીને ઈનપુટસ હતા. આ કન્ટેઈનર કાસેઝ ભણી આવવાના હતા. એટલુ માત્ર જ નહી પણ સોપારી દાણચોરીમાં અગાઉ જેલવાસ ભોગવી ચુકેલ સુમિતનો જ આ માલ હોવાની વાત પણ સામે આવી રહી છે. જો કે, પાંચેક દીવસ પહેલા થયેલી આ કાર્યવાહીને લઈને કોઈ જ સત્તાવાર વાત બહાર ન આવતા રહસયો વધુ ઘેરાઈ જવા પામ્યા છે. એજન્સીઓ હજુ સુધી મગનું નામ મરી પાડતુ ન હોવાથી ભેદભરમ વધી રહ્યા છે. અને સુમિત કયાંક ને કયાંક ફરીથી સોપારી દાણચોરીમાં સક્રીય બન્યો હોય તેમ દર્શાય છે.

Comments