Trending News
સ્થાનિક સમાચાર

વરસાદ બાદ જર્જરીત રસ્તા મુદ્દે કચ્છના પદાધિકારીઓ અને અધિકારીઓની ચૂપકીદી : પૂર્વ ડીડીઓએ બોલાવ્યો સપાટો 

15 July



વલસાડ કલેક્ટર તરીકે ફરજરત કચ્છના પૂર્વ ડીડીઓ ભવ્ય વર્માના આદેશની ગુજરાતભરમાં થઈ રહી છે સરાહના : નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના કારણે જો મોત થાય તો નેશનલ હાઈવેના જવાબદાર અને કોન્ટ્રાક્ટર સામે ફોજદારી દાખલ કરવા આપ્યો આદેશ : તાત્કાલિક ખાડા પુરવા પણ આપી સૂચના : કચ્છમાં નેશનલ હાઈવેથી લઈ શેરીઓના રસ્તા ખખડી ગયા છતા કોઈ કામગીરી ન થઈ : તાજેતરમાં આણંદ નજીકનો પુલ તુટી જતા કચ્છ સહિત રાજ્યમાં પુલોની તપાસ શરૂ કરાઈ... પણ લાંબા સમયથી જુના થઈ ગયેલા અને પુલની સમય મર્યાદા વટાવી ચુકેલા પુલ બાબતે અગાઉ જ પગલા લેવાઈ જાય તેવું શા માટે નથી થતો..?



ભુજ : ગુજરાતમાં હવે વિકાસના બદલે વિનાશ થઈ રહ્યો છે. લોકો દિનપ્રતિદિન હાલાકીમાં મુકાઈ રહ્યા છે. રાજ્યમાં દર મહિને કોઈને કોઈ દુર્ઘટના થાય અને સરકાર સહાય જાહેર કરી સંતોષમાની લે અને કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેમ કહીં પોતે છુટી જાય છે. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. વરસાદ બાદ ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખાસ કરીને ગામડાઓમાં સંપર્ક કપાઈ ગયો છે. પુલ ધોવાઈ ગયા છે છતાં સરકારને અને વિસ્તારના  ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અને પ્રજાના પૈસે દર મહિને પગાર મેળવતા અધિકારીઓને કોઈ પરવાહ નથી. માત્ર ભાજપના નેતાઓના ઈસારે અધિકારીઓ કામ કરતા હોય તેવું ચિત્ર જોવા મળે છે. પ્રજાની પરેશાની મુદ્દે કોઈ ચિંતા સેવાતી નથી.હાલની જો વાત કરીએ વલસાડના કલેક્ટર ભવ્ય વર્માએ તાજેતરમાં એક આદેશ બહાર પાડ્યો હતો. 
વરસાદ બાદ જર્જરીત રસ્તા
જેમાં વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૮ પર પડેલા ખાડા અને સર્વિસ રોડની તાત્કાલિક કોન્ટ્રાક્ટર દ્વારા મરમત કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. ૧૦ દિવસમાં સમારકામ કરી રસ્તા અવર-જવર યોગ્ય બનાવવા સૂચના આપવામાં આવી હતી. તેમજ જો કામગીરી પૂર્ણ ન થાય અને અકસ્માત સર્જાય તો કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી દાખલ કરવા સહિતની સત્તા આપવામાં આવી હતી. નોટિસ આપવાને બદલે સીધો એક તરફી હુકમ કરવામાં આવ્યો હતો. ભવ્ય વર્મા અગાઉ કચ્છમાં ડીડીઓ તરીકે રહી ચૂક્યા છે. કોરો અને તેમના પછી થયેલી કામગીરી દરમિયાન તેઓએ નોંધપાત્ર કામગીરી કરી હતી. આ આદેશની સમગ્ર ગુજરાતમાં સરાહના થઈ રહી છે.  કચ્છની જો વાત કરીએ તો નેશનલ હાઈવે નં.ર૭ સામખિયાળી, નેશનલ હાઈવે નં.૪૧ સામખિયાળી-ગાંધીધામ - માંડવી - નારાયણ સરોવર, નેશનલ હાઈવે નં.૩૪૧ ભીમાસર - અંજાર - ભુજ - ખાવડા, નેશનલ હાઈવે નં.૭પ૪ કે લખપત - ખાવડા - ધોળાવીરા પસાર થાય છે. ખાસ કરીને કચ્છમાં નેશનલ હાઈવે પર ટોલ ઉઘરાવાતો હોવા છતાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળે છે તેમ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. કોઈ પણ રસ્તો એવો નથી જેમાં ખાડા ન હોય છે. ખાડા ન હોય તો રોડની સાઈડમાં ધુળ અને કાંકરીઓ જોવા મળે છે. આ ઉપરાંત કચ્છમાં ૧પ જેટલા સ્ટેટ હાઈવે આવેલા છે. જેમાં લખપત - કોટેશ્વર - નારાયણ સરોવર - નલિયા, માંડવી - ગાંધીધામ, ભચાઉ - ભુજ - નખત્રાણા - લખપત, દહીંસરા - ગઢશીશા - મોથાળા, મંગવાણા - ગઢશીશા - માંડવી, ભુજ - ખાવડા - કુંવરબેટ, કુકમા - અંજાર - ગાંધીધામ, મિરઝાપર - દહીંસરા - તલવાણા - માંડવી, ભુજ - પ્રાગપર - મુન્દ્રા, ગાંધીધામ - આદિપુર - તુણા, અંજાર - ગળપાદર - ચુડવા - જંગી, ચિત્રોડ - રાપર - લોદ્રાણી - ગાંધીધામ, ઘડુલી - હાજીપીર - ખાવડા - ધોરડો, દેશલપર - હાજીપીર રસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારને જોડતા રસ્તા જોવા જઈએ તો અતીશય ખરાબ છે.
ભુજમાં તાજેતરમાં નવા રસ્તા બનાવાયા અને  ધોવાઈ ગયા છે. આ પૂર્વે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આવ્યા ત્યારે માત્ર એક ગાડીનો કાફલો થાય તેટલો રસ્તો બનાવી માર્ગ અને મકાન વિભાગે પોતાની કાબેલીયત બતાવી હતી. હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના કોઝવે, પુલિયા ધોવાઈ જતા ગામડાઓનો સંપર્ક તુટયો છે. રસ્તો બનાવવામાં તો ભ્રષ્ટાચાર થાય છે પરંતુ રસ્તા બનાવાયા પછી રિપેરીંગના નામે પણ ભ્રષ્ટાચાર થઈ  રહ્યો છે અને માર્ગ અને મકાન વિભાગ કામગીરી કરતો હોવાનો દાવો કરે છે. 
ખરેખર કચ્છના પદાધિકારીઓ અને અધિકારીઓ એસી ચેમ્બર બેસીને મીટિંગ કરવાને બદલે ગામડાઓમાં જઈને હકીકત જાણવી જોઈએ. જો વલસાડના કલેક્ટર કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી દાખલ કરવા સહિતના કડક આદેશ સત્તારૂએ આપી શકતા હોય તો કચ્છના અધિકારીઓ કેમ મૌન છે ? ખુદ કલેક્ટર કચેરીના ગેટ પાસે પાણી ભરાઈ જાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ખરેખર કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગ જે ચિત્ર બતાવે તેમાં હા પુરાવાને બદલે ક્રોસ ચેક કરી કડક આદેશ કરવો જોઈએ. તો જ કચ્છમાં લોકોને સુવિધા પ્રાપ્ત થશે. હાલમાં ખરાબ રસ્તાના કારણે લોકો અતિશય તોબા પોકારી ઉઠ્યા છે. મોરબીમાં પુલ તુટ્યા પછી ભુજનો કૃષ્ણાજી પુલ બંધ કરાયો તેને ચાર વર્ષ વીતી જવા છતા ભુજમાં બેસતા સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના એક નાનકડો ર૦૦ મીટર પુલ આપી શકવામાં નિષ્ફળ સાબિત થયા છે અને ભુજને મહાનગરપાલિકા આપવાની વાતો કરે છે. 


..........


સાંસદે મોરબીમાં બેઠક કરી, કચ્છમાં અધિકારીઓનું લે પુછાણું 


હાલમાં મોરબી ચર્ચામાં છે કારણ કે, મહાનગરમાં આવ્યા પછી અહીં અતિશય ખાડાના કારણે જનતા એટલી પરેસાન થઈ કે સોશિયલ મીડિયામાં વિરોધ થયો હતો અને સતત ૩૦ વર્ષથી ચૂંટાતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રસ્તા રિપેરીંગના બદલે તાજેતરમાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ પણ સામે ચેલેન્જનો સ્વિકાર કરી રાજીનામુ આપવા તૈયારી બતાવી હતી. ખરેખર મોરબીના લોકોને સારા રસ્તાની જરૂરિયાત છે અને ત્યાંના ધારાસભ્ય રાજીનામુ રાજીનામુ રમે છે અને આપના ધારાસભ્યને બે કરોડ આપવાની ઓફર કરી હતી. મોરબીના લોકોએ એટલી હદે આક્રોશ બતાવ્યો કે, આ બે કરોડ ગોપાલભાઈને આપવાને બદલે રસ્તા રિપેરીંગમાં વાપરો તો રાહત થશે. ઉપરાંત ધારાસભ્ય પાસે બે કરોડ આવ્યા ક્યાંથી ? તે સહિતના સવાલ ઉઠતા ડેમેજ કન્ટ્રોલ માટે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ મંત્રી વિનોદ ચાવડા રવિવારે મોરબી ગયા અને કલેક્ટર, મ્યુન્સિપલ કમિશનર સહિતનાઓ સાથે મીટિંગ કરી હતી. જો સાંસદ મોરબીની ચિંતા કરતા હોય તો તેની સાથે કચ્છની પરિસ્થિતિ સંદર્ભે અધિકારીઓનો પુછાળા લે તેવું પ્રજા ઈચ્છી રહી છે. ગોપાલ ઈટાલિયા કચ્છમાં આવી રેલી કરશે પછી કચ્છના ચૂંટાયેલા ભાજપ પદાધિકારીઓ હરકતમાં આવશે અને લોકોની સમસ્યા જાણશે તેવો આક્રોશ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. 


.........


અમુક ચૂંટાયેલા પદાધિકારીઓ ચૂંટણી પછી દેખાયા નથી 

નગરપાલિકાએ વરસાદમાં રસ્તા રીપેરિંગના નામે ગ્રાન્ટો મેળવી રસ્તા બનાવ્યા અને હવે લાઈનો પાથરવા ફરી રસ્તા તોડી નાખ્યા છે. ખરેખર આંતરિક રસ્તાઓની જરૂરિયાત છે પરંતુ આ દિશામાં કામગીરી થઈ જ નથી. નગરપાલિકા બજેટમાં રસ્તા રિપેરીંગના નામે ઠરાવ કરે અને મહિલા પ્રમુખ આંખ બંધ કરીને સહીંઓ કરે તમામ વહીવટ પ્રમુખ કે કારોબારી ચેરમેન ચલાવે અને પરિણામો લોકોને ખાડા સિવાય કાંઈ મળ્યું જ નથી. ત્રિ-માસિક સભામાં જે રસ્તાઓ મંજૂર થાય છે તે પૈકી અડધા પણ બન્યા નથી. ભુજના વોર્ડ નં.૪ સહિત અનેક વિસ્તારોમાં નગર સેવકો આખે આખા રસ્તા ચાંઉ કરી ગયા હોવાની ચર્ચા શરે જાહેર ચર્ચાઈ રહી છે. કચ્છના ચુંંટાયેલા ધારાસભ્ય તેમના ઘરેથી બહાર નીકળે લોકોના વિસ્તારમાં ફરે ત્યારે તેમને ખ્યાલ આવશે કે કચ્છની પ્રજા કેટલી હદે પરેસાન  છે. માત્ર માઈક પર નગર સેવકોને સૂચના આપવાથી કોઈ ફેર પડતો નથી. ગ્રાઉન્ડ પર જઈને રિયાલિટી તપાસવી પડશે. ભુજના ચીફ ઓફિસરની નિયુક્તિ એક રાજકીય નેતા દ્વારા અટકાવીને પ્રાંત અધિકારીને સાત મહિનાથી ચાર્જ આપવામાં આવ્યો છે. કચ્છમાં નગરપાલીકા, મામલતદારો, તાલુકા વિકાસ અધીકારીઓ સહિત મહત્વની કેટલીક જગ્યા લાંબા સમયથી ઈન્ચાર્જ હવાલે ચાલી રહી છે. ભુજ પ્રાંત, ભાડા અને નગરપાલિકાનો ચાર્જ એક જ અધિકારી પાસે હોતા લોકોને સુવિધા મળશે તેવો અગાઉ દાવો કરાયો હતો પરંતુ હાલમાં લોકો ગામડા કરતા પણ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે. ભુજને કાયમી ચીફ ઓફિસર આપી શકવાની નેતાઓમાં તાકાત નથી અને દર વખતે મહાનગરપાલિકાનું લોલીપોપ પકડાવીને મોદીના નામે મત માંગે છે. જો ખરેખર ભાજપના નેતાઓમાં તાકાત હોય તો અત્યારે ઘરે ઘરે જઈને મોદી અને ભાજપના નામે નહી પરંતુ પોતાના નામે મત માંગીને બતાવે. જનતા પોતાનો જવાબ આપશે. અગાઉની નગરપાલિકાઓએ શહેરમાં જે સુવિધા આપી હતી તે સુવિધા જાળવી શકવામાં પણ નગરપાલીકાની વર્તમાન બોડી સાવ નિષ્ક્રીય ગઈ છે.

...........

Comments

COMMENT / REPLY FROM