કચ્છમાં અમુક ખનીજમાફીયા-વચેટીયાઓ-ભ્રષ્ટ તંત્રવાહકોની સિન્ડીકેટનો નવો કારસો : ઈસી માટે બી વન-બી ટુમાં ઘોટાળા....!
ખાણખનિજ વિભાગ ગાંધીનગર ફલાઈંગ સ્કવોર્ડ, રાજય સરકાર કરે ક્રોસ તપાસ
ઈસીના જટિલ નિયમોની ‘છટકબારી’ બની ટંકશાળ : કચ્છમાં લીઝ મંજૂરીની પ્રક્રિયામાં ભ્રષ્ટ તંત્રવાહકો અને વચેટિયાઓને ઘી-કેળા...!
કઈ રીતે થઈ રહ્યા છે ચલકચલાણાં? : બીવનમાં આવતા હોવા છતા બી-ટુ કેટેગરીની મંજુરીઓ મેળવીને કેવી રીતે ચાલે છે ઘોટાળાઓ? પ૦૦ મીટરના અંતરે પાંચ હેકટરની ખનીજની લીઝ હયાત હોય તો તેનાથી ભળતાવળતા નામો મેળવીને બી-ટુનું લેવાઈ જાય છે પ્રમાણપત્ર : એટલે કે હયાત લીજ હાયે તે ચાઈનાકલેની હોય તો ગોઠવણીઓ કરી, સબંધિતોથી સેટીંગ કરી અને તે પછીનો મંજુરી મેળવવા ઈચ્છુક લીઝધારક તેની ખનીજનું નામ વ્હાઈટ કલે અપાવી દે? એટલે ખનીજ બન્ને સરખા ન હોવાના નિયમનો ગેરલાભ ઉઠાવી અને આચરી જાય છે
ભુજ : ગુજરાત સરકાર દ્વારા માઈનિંગ સેક્ટરમાં પર્યાવરણીય મંજૂરી (ઈસી) અને માઈનિંગ પ્લાનની અમલવારી ફરજીયાત કરાયા બાદ કચ્છ જિલ્લામાં અનેક લીઝ બંધ થઈ હતી. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા ઈસી કે માઈનિંગ પ્લાન ન હોય તેવી તમામ લીઝ રદ્દ કરવાનો કઠોર નિર્ણય લેતા કચ્છ જિલ્લામાં તેની વ્યાપક અસર જોવા મળી હતી.
પ્રાકૃતિક ખનિજ સંપદાઓથી સમૃદ્ધ કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનિજ પદાર્થો મળી આવે છે. જિલ્લામાં માઈનિંગ ઉદ્યોગ એ રોજગારી આપતો મોટો વ્યવસાય છે. માઈનિંગ ઉપરાંત પ્રોસેસિંગ પ્લાન્ટ, ટ્રાન્સપોર્ટ સહિતના અનેક સંલગ્ન વ્યવસાય થકી કચ્છમાં હજારો પરિવારો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે રોજગાર મેળવે છે. ઈસી અને માઈનિંગ પ્લાનની અનિવાર્યતાના નિયમથી જિલ્લાના ખનિજ વ્યવસાયને મોટો ફટકો પડ્યો છે. જોકે, હવે સરકારે બાંધકામ કે અન્ય ઉદ્યોગોમાં રો-મટેરિયલની અછત ન સર્જાય તે માટે ઈસીની જટિલ પ્રક્રિયાને થોડી સરળ બનાવવા આયોજન કર્યું છે. રાજ્યમાં લીઝને બે કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. બી-વન અને બી-ટુ એમ કેટેગરીમાંં લીઝ મંજૂરીની પ્રક્રિયામાં મોટી ગડબડ ચાલી રહી હોવાની ચકચાર મચી ગઈ છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો બન્ને કેટેગરીવાઈઝ મંજૂરીની શક્યતાઓ અને પ્રક્રિયાઓના કારણે લીઝ મંજૂરી માટેની અરજીઓ અમુક ભ્રષ્ટ તંંત્રવાહકો અને વચેટિયાઓ માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન બની ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુપ્રિમ કોર્ટ દ્વારા ખાણ ખનિજ સેક્ટરમાં પર્યાવરણીય મંજૂરી ફરજીયાત કરવાના આદેશની અમલવારી ગુજરાતમાં થયા બાદ તેની વ્યાપક અસર જોવા મળી છે. થોડા સમય પહેલાં સરકાર દ્વારા પર્યાવરણીય મંજૂરી વિના ધમધમતી લીઝ બ્લોક રદ્દ કરવામાં આવી હતી. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો જણાવે છે કે, પર્યાવરણીય મંજૂરી મેળવવાની પ્રક્રિયા બી-વન અને બી-ટુ એમ બે
કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે છે. બન્ને કેટેગરીની પ્રક્રિયા અને મંજૂરી મેળવવાની લાક્ષણિકતાઓ અંગે જણાવતા તજજ્ઞો કહે છે કે, બી-વન કેટેગરીમાં પરવાનગી ઈચ્છુક લીઝ આવતી હોય તેને મંજૂરી મળતી નથી. જ્યારે બી-ટુમાં કોઈ લીઝ હોય તો પણ તેને મંજૂરી મળવાની શક્યતાઓ હોય છે.
કચ્છ જિલ્લામાં ખાણ ખનિજ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં લીઝ મંજૂરી માટેની પ્રક્રિયામાં મોટી ગડબડ ચાલી રહી છે. બી-વન કેટેગરીમાં પર્યાવરણીય મંજૂરી મળવામાં જટિલ પ્રક્રિયા અને લાંબો સમય લાગતો હોવાથી નિયમોની કેટલીક છટકબારીઓનો ઉપયોગ કરી બી-ટુ કેટેગરીમાં
સરળતાથી મંજૂરી મેળવવાની ગતિવિધિઓ ચાલી રહી છે. લીઝ અને ઈસીના નિયમોના જાણકાર એવા વચેટિયાઓ તંત્રના જ કેટલાક ભ્રષ્ટ અમલદારો સાથે સાંઠગાંઠ કરી મોટું કૌભાંડ આચરી રહ્યા છે. બી-વન કેટેગરીના નિયમ મુજબ કોઈ લીઝધારક ઈસી માટે અરજી કરે તો પ૦૦ મીટરની રેન્જમાં પાંચ હેક્ટરથી વધારે એક જ પ્રકારના ખનિજની લીઝ હયાત હોય તો તે કલ્સ્ટર એટલે કે સમૂહ લીઝ
ઈસી મંજૂરી પ્રક્રિયા હેઠળ આવી જાય છે, જેમાં મંજૂરી મેળવવી કપરી હોય છે. રાજ્ય સરકારનો નિયમ બી-વન કેટેગરીમાં ઈસીની મંજૂરી માટે મહત્તમ ર૪પ દિવસના સમયનો છે, પરંતુ આ પ્રક્રિયામાં આવતી ક્વેરીઓ, વાંધા - અરજીઓની સુનાવણી અને મિનિટ્સની નોંધ જેવી જટિલ પ્રક્રિયાના કારણે ઈસીની મંજૂરી મેળવવામાં નિયત સમયમર્યાદાથી વધુ સમય લાગી જતો હોય છે. આવા કિસ્સાઓમાં નિયમની છટકબારીનો ઉપયોગ કરી ઈસીની મંજૂરી માટે અરજી કરવામાં આવે છે, જેમાં એક જ પ્રકારની લીઝ માટે બે અલગ - અલગ ખનિજ
નામનો યોગ કરવામાં આવે છે. દાખલા તરીકે વાઈટક્લેની મંજૂરી માટે ચાઈનાક્લે અથવા બેન્ટોનાઈટના બદલે લેટેરાઈટ જેવા ખનિજ નામનો ઉપયોગ થાય છે. ઈસીના નિયમ અને પ્રક્રિયાના જાણકાર વચેટિયાઓ અરજદારો પાસેથી મોટી રકમ લઈ ઝડપભેર ઈસી મેળવી આપવા સક્રિય થયા છે. જેમાંથી મોટી રકમનો કટ ભ્રષ્ટ તંત્રવાહકો સુધી પણ પહોંચતો હોવાની ચર્ચા કચ્છના માઈનિંગ સેક્ટરમાં ચાલી રહી છે.
...........
બી-વન કેટેગરીના નિયમો
ભુજ :જ્યારે કોઈ લીઝધારક ઈસી માટે અરજી કરે ત્યારે તે સ્થળની પ૦૦ મીટરની રેન્જમાં પાંચ હેક્ટરથી વધારે એક જ પ્રકારમાં ખનિજની લીઝ હયાત હોય તો તે ક્લસ્ટર એટલે કે સમૂહ લીઝ ઈસી મંજૂરી પ્રક્રિયા (બી-વન) હેઠળ આવે છે. આ કેટેગરીમાં લીઝની મંજૂરી મેળવવી જટિલ બને છે અને ઈસીની મંજૂરી માટે લાંબોસમય લાગી જાય છે.
..........
બી-ટુ કેટેગરીમાં મંજૂરી આસાન
ભુજ :જ્યારે કોઈ લીઝધારક ઈસી માટે અરજી કરે ત્યાં પ૦૦ મીટરની રેન્જમાં પાંચ હેક્ટરથી ઓછી સમાન ખનિજની લીઝ હોય, ભલે તે બે-બે હેક્ટરમાં હોય તો તે બી-ટુ કેટેગરીમાં આવે છે અને મંજૂરી મળવાપાત્ર બને છે.
...........
ખાણ ખનિજ વિભાગની ભૂમિકા
ભુજ : લીઝ મંજૂરીની પ્રક્રિયામાં ખાણ ખનિજ વિભાગે સ્થળ નિરીક્ષણ, નકશાની ચકાસણી કરી માઈનિંગ પ્લાન બને પછી પર્યાવરણીય મંજૂર માટે ઈરાદાપત્રક રજૂ કરવામાં આવે તે તમામ પ્રક્રિયામાં ખાણ ખનિજ વિભાગની ભૂમિકા રહેલી છે. ત્યારબાદ ગુજરાત પોલ્યુશન કંંટ્રોલ બોર્ડ દ્વારા પર્યાવરણીય મંજૂરી અપાય છે.
...........
ગુગલ મેપીંગ હોવાથી તંત્ર ધારે તો
તટસ્થ પ્રક્રીયા થઈ જ શકે છે..!
ભુજ :પર્યાવરણીય મંજૂરી મેળવવાની અરજી ઓનલાઈન જ કરવામાં આવે છે. ગુગલ મેપ પરથી સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. જોકે, ઈસીની મંજૂરી પ્રક્રિયા જીપીસીબી હસ્તક હોય છે, પણ તેઓ બી-વનના નિયમ અનુસાર ખરાઈ ગુગલ મેપ પરથી કરી શકે છે. ઓનલાઈન અરજી હોય છે એટલે ડેટા ઓનલાઈન મેચ કરવા સરળ બની જાય છે. સર્વે નંબર અલગ અલગ તારવાય છે, જેથી સ્થળનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે.
.........
વહેલું એલઓએ મળે ઝડપી મંજૂરી
ભુજ : બી-ટુ કેટેગરીમાં મંજૂરી મેળવવા માટે વહેલું એલઓએ મેળવવું અગત્યનું બની રહે છે. જે લીઝધારકને વહેલુંં એલઓએ મળે તેને બી-ટુ કેટેગરીમાં મંજૂરી મળી શકે છે. એલઓએ માટે પહેલા અરજી કરી હોય તેની પાછળ પ૦૦ મીટરમાં આવતા હોવા છતાં પાંચ હેક્ટર લીઝવાળાએ ઈસી માટે અરજી ન કરી હોય તો પ્રથમ એલઓએને મંજૂરી મળી શકે છે.
.........

Comments