ધુનારાજા ડેમની જળસંગ્રહ ક્ષમતા ૩૩ ટકા વધારવા કવાયત
ભુજના ધારાસભ્ય કેશુભાઈની આગવી કોઠાસુઝ
એક માત્ર નર્મદાના નીર આધારિત બની ગયેલા ભુજની પાણી વિતરણ વ્યવસ્થા માટે વ્યવહારૂ વૈકલ્પિક સ્ત્રો બનશે ધુનારાજા ડેમ : ડેમની ઉંચાઈ ૧ મીટર વધારી નર્મદાની લાઈનથી ભરવાની પ્રક્રિયા નિર્ણાયક તબક્કે પહોંચી : તાજેતરમાં કચ્છના પ્રવાસે આવેલા રાજ્યના પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લીધી હતી ડેમ સાઈટની મુલાકાત
નર્મદાની લાઈનમાં છાશવારે સર્જાતી ક્ષતિથી ભુજમાં સર્જાય છે જળસંકટ : વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થતાં ધુનારાજા ડેમ બનશે સંકટ સમયે ખેંચવાની સાંકળ
ભુજ : કચ્છનું મુખ્ય મથક ભુજ ભૂતકાળમાં તેની જળસંગ્રહ ખાસિયતના કારણે વિખ્યાત બન્યું હતું. રાજાશાહીના સમયગાળામાં ભુજ શહેરની જળસંગ્રહની વ્યવસ્થા સર્વોતમ ગણાવવામાં આવતી હતી, જો કે, શહેરના વિકાસની લ્હાયમાં પરંપરાગત જળસંગ્રહ સ્થાનો લુપ્ત થયા છે. આજે ભુજવાસીઓ પાણી માટે નર્મદાના નીર આધારિત બની ગયા છે. ભુજ શહેરને નર્મદાનું પાણી પહોંચાડતી મુખ્ય લાઈનમાં ભંગાણ પડે છે, ત્યારે દિવસો સુધી ભુજવાસીઓને પાણી વિતરણ કરવાની નગરપાલિકાની વ્યવસ્થા રફેદફે થઈ જતી હોય છે. છાશવારે નર્મદાની લાઈનમાં થતી ક્ષતિઓમાંથી બોધપાઠ લઈ ભુજમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા માટે વિવિધ સ્તરો પર મનોમંથન થયું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નર્મદાના નીરની અવેજીમાં ભુજ શહેરને નજીકમાં જ આવેલા ધુનારાજા ડેમમાંથી પાણી મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મુકી હતી, જેને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી છે. જો કે, નગરપાલિકા, ભાડા, સિંચાઈ, પાણી પુરવઠા વિભાગ વચ્ચે હાલે સંકલન સાથે આયોજન ઘડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના જણાવ્યા અનુસાર ભુજ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા માત્ર નર્મદાના નીર આધારિત ન રહે તે માટે ધુનારાજા ડેમ એક વ્યવહારૂ ઉકેલ છે, જો કે, ધુનારાજા ડેમનું પાણી ભુજ શહેરને મળતું થાય તે પૂર્વે ધુનારાજા ડેમની ઉંચાઈ એક મીટર વધારવામાં આવે તે ઈચ્છનીય છે. ધુનારાજા ડેમની પ્રવર્તમાન ઉંચાઈને ૧ મીટર વધારવાથી તેના ઘેરાવાને ધ્યાને લેતાં જળસંગ્રહની ક્ષમતના ૩૩ ટકા વધી શકે છે. તાજેતરમાં કચ્છમાં આવેલા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવડિયાએ પણ ધુનારાજા ડેમની મુલાકાત લીધી હતી. તે સમયે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા ધુનારાજા ડેમને નર્મદાના નીરથી ભરવાના પ્રોજેકટ વિશે વાત કરી હતી. આ પ્રક્રિયા ઝડપભેર થાય તે માટે પણ રજૂઆત કરી હતી. મંત્રીશ્રીએ પણ સ્થળ પર વિવિધ સબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રોજેકટ અંગે પુરક વિગતો મેળવી હતી અને આ કામ ઝડપભેર પૂર્ણ થાય તે દિશામાં સહયોગી બનવાની હૈયાધારણા પણ આપી હતી.
અત્રે નોંધનીય છે કે, મહાનગર બનવા ભણી અગ્રેસર ભુજ શહેરના વ્યાપ અને વસતીમાં છેલ્લા અઢી દાયકામાં ખુબ વધારો થયો છે. શહેરના પરંપરાગત ભૂગર્ભ જળસ્ત્રોત અને નર્મદાના પાણીથી શહેરને માંડ પાણી પુરૂં પાડી શકાય છે, ત્યારે નર્મદાની લાઈનમાં ક્ષતિ સર્જાય છે, ત્યારે શહેરની પાણી વિતરણની વ્યવસ્થા દિવસો સુધી ખોરવાઈ જતી હોય છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં પાણીની તીવ્ર અછત સર્જાતી હોય છે. ત્યારે શહેરની વધતી પાણી જરૂરિયાતને ધ્યાને લઈ ભુજ શહેરથી તદન નજીક આવેલા ધુનારાજા ડેમને જીડબલ્યુઆઈએલની પાઈપલાઈનથી ભરવાનું સૂચન સામે આવ્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના સક્રિય પ્રયાસો થકી ભુજ શહેરને પાણી માટે વધુ એક વિકલ્પ નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થશે, ત્યારે શહેરની પાણીની સમસ્યા હલ થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.

Comments