કચ્છની ગ્રાન્ટેડ કોલેજોમાં ફી વધારો : ખાનગીકરણની આશંકા
જીકાસ પોર્ટલ પર ચડતા ડેટા, યુનિવર્સિટીની સહમતિ ?
અનેક ગ્રાન્ટેડ કોલેજોમાં હવે સેલ્ફ ફાયનાન્સ જેટલી ત્રણગણી વસૂલવામાં આવી રહી છે ફી
તમામ ગ્રાન્ટેડ કોલેજોના પ્રોફેસરો અને સ્ટાફને સરકાર સરખો પગાર આપે છે, ત્યારે ફીમાં આટલો મોટો તફાવત કેમ ?
ઃ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક મોટો ચિંતાનો વિષય : ફી બદલાવના બદલે સક્ષમ સંચાલકોની નિમણૂંક જરૂરી : જાગૃત શિક્ષણવિદોએ વ્યક્ત કર્યો મત
ભુજ : કચ્છની ગ્રાન્ટેડ કોલેજોમાં છેલ્લા એક વર્ષમાં ફીનો મુદ્દો ગરમાયો છે. અગાઉ સરકારી સહાયથી ચાલતી આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ઓછી ફી પર ઉચ્ચ શિક્ષણ મળે છે એવી માન્યતા હતી. પરંતુ આજે સ્થિતિ બદલાઈ રહી છે. ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચોંકી ગયા છે, કારણ કે અનેક ગ્રાન્ટેડ કોલેજોમાં હવે સેલ્ફ ફાયનાન્સ જેટલી એટલે કે ત્રણગણી ફી વસૂલવામાં આવી રહી છે. આ તમામ ફી ડેટા યુનિવર્સિટીના “જીકાસ“ પોર્ટલ પર ચડાવવામાં આવે છે. એટલે કે, યુનિવર્સિટીની પણ આ પ્રક્રિયામાં સહમતિ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. જોકે, દરેક જિલ્લા અને ફેકલ્ટીમાં ફી અલગ-અલગ જોવા મળે છે. એક જ રાજ્યમાં, સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં ફીનો આ તફાવત અનેક પ્રશ્નો ઊભા કરે છે.
કચ્છના શિક્ષણવિદો વેધક સવાલ કરતાં જણાવે છે કે, જ્યારે તમામ ગ્રાન્ટેડ કોલેજોના પ્રોફેસરો અને સ્ટાફને સરકાર સરખો પગાર આપે છે, ત્યારે ફીમાં આટલો મોટો તફાવત કેમ ? શું ગ્રાન્ટેડ સંસ્થાઓ ધીમે-ધીમે ખાનગીકરણ તરફ વધી રહી છે ? વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક મોટો ચિંતાનો વિષય બની રહ્યો છે.આ વધતી ફીથી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. વાલીઓ કહે છે, “ગ્રાન્ટેડ કોલેજોમાં ભણાવવાનો આશરો રાખ્યો હતો, પણ હવે તો ખાનગી જેવી જ ફી ભરીએ છીએ. સરકાર શું કરે છે?” વિદ્યાર્થીઓ પણ આંધળા બનીને ફી ભરતા રહે છે, કારણ કે ભણવું જરૂરી છે. શિક્ષણવિદો કહે સે કે, ફી બદલાવના બદલે, સક્ષમ સંચાલકોની નિમણૂંક જરૂરી છે. કોલેજ સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારી લાવવી જરૂરી છે. સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોની ફી માટે એક સમિતિ કે કમીશન નિમવું જોઈએ, જે યોગ્ય અને સમાન ફી નક્કી કરે. શિક્ષણ પર દરેક વિદ્યાર્થીનો સમાન અધિકાર છે. ગ્રાન્ટેડ કોલેજોમાં વધતી ફી સામાન્ય પરિવારો માટે પડકારરૂપ બની છે. હવે સમય છે કે સરકાર, યુનિવર્સિટી અને સંચાલકો મળીને યોગ્ય ઉકેલ લાવે, જેથી દરેક વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત અને સસ્તું શિક્ષણ મળી રહે તેવું જાગૃત શિક્ષણવિદો વધુમાં જણાવી રહ્યા છે.
આ અંગે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. અનિલ ગોરનો સંપર્ક કરતા તેમણે ગ્રાન્ટેડ કોલેજમાં વધુ ફી વસૂલવા બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ મળી ન હોવાનું જણાવ્યું હતું. તો બીજીતરફ કારકિર્દીલક્ષી વિવિધ અભ્યાસક્રમો કે જેમાં સરકારી કોલેજોમાં મર્યાદિત બેઠકો છે તેવા અભ્યાસક્રમમાં ગ્રાન્ટેડ કોલેજો વધુ ફી વસૂલતી હોવાની ફરિયાદ વાલીઓમાં ઉઠી છે. કચ્છની ભૌગોલિક વિશાળતા અને ઉચ્ચ અભ્યાસ માટે મર્યાદિત વિકલ્પોના કારણે નાછૂટકે વાલીઓ અને વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ કોલેજોમાં ઊંચી ફી ભરીને પ્રવેશ મેળવવાની ફરજ પડી રહી છે.

Comments