ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા અને સંસ્કૃતિની ભવ્ય પહેલ "અભિવ્યક્તિ" હવે ભુજમાં યોજાશે
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મનમોહક પ્રસ્તુતિઓ બાદ "અભિવ્યક્તિ" હવે ભુજ ખાતે પોતાની હાજરી વિસ્તારશે : દર્શકો માટે પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રહેશે
ભુજ : ભારતના સૌથી પ્રશંસનીય અને પ્રતિષ્ઠિત કલા તેમજ સંસ્કૃતિક રજૂઆતોના પૈકીનો એક એવો "અભિવ્યક્તિ - ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ" હવે ભુજ શહેરમાં પોતાની પ્રથમ આવૃત્તિ સાથે કચ્છની ધરા પર પોતાની પાંખો વિસ્તારશે. ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુએનએમ ફાઉન્ડેશનની પહેલ એવા "અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ" ભુજની કલાપ્રેમી જનતા માટે લોકચાહના મેળવેલા ચાર અદ્દભૂત પ્રસ્તુતિઓ રજુ કરશે જે દર્શકો માટે તદ્દન નિઃશુલ્ક રહેશે.
ભુજ ખાતે અભિવ્યક્તિનો આ બે દિવસીય કાર્યક્રમ તારીખ ૧૨ જુલાઈ (શનિવાર) અને ૧૩ જુલાઈ (રવિવાર)ના રોજ શહેરના ટાઉન હોલ ખાતે યોજાશે. જેમાં નાટ્ય, નૃત્ય અને સંગીતની આકર્ષક પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવશે. અહીં રજુ થનાર પ્રસ્તુતિઓ અમદાવાદ ખાતે યોજાયેલ અભિવ્યક્તિની અગાઉની આવૃત્તિઓમાંથી સૌથી વધુ લોકચાહના મેળવનાર પ્રસ્તુતિઓ પૈકીની કેટલીક ખાસ પ્રસ્તુતિઓ છે.
ભુજ ખાતે યોજાનારા અભિવ્યક્તિના પ્રથમ દિવસે એટલે કે ૧૨ જુલાઈના રોજ ખુશી લંગાલિયા દ્વારા ભરતનાટ્યમ નૃત્ય "નર્મપ્રવાહ" રજુ કરવામાં આવશે. ત્યારબાદ પ્રિયાંક ઉપાધ્યાય દ્વારા આધ્યાત્મિક પ્રાયોગિક નાટક " શૂન્યાવતાર" રજૂ કરવામાં આવશે. બીજા દિવસે એટલે કે ૧૩ જુલાઈના રોજ અનન્યા વૈદ્ય દ્વારા પ્રાયોગિક-આધુનિક લોક નાટક "વહી કહાની, ફિર" અને હાર્દિક દવે દ્વારા લોક સંગીતની પ્રસ્તુતિ "શબ્દ પરિક્રમા" રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન દરેક શૈલીના પ્રખ્યાત કલા ક્યુરેટરો દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા છે, જેમાં સંગીત ક્ષેત્રે ભાર્ગવ પુરોહિત, રંગભૂમિમાં ચિરાગ મોદી અને નૃત્યમાં જયમિલ જોશી ક્યુરેટર રહ્યા હતા. જયારે મેન્ટર તરીકે કલા ક્ષેત્રના પ્રખ્યાત નામો - રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટક) અને મૌલિક અને ઇશિરા (નૃત્ય) નો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૧૮માં અમદાવાદથી શરૂ થયેલ "અભિવ્યક્તિ" હવે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં એક વિશેષતા બની ગઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરત ખાતે કલાત્મક પ્રસ્તુતિઓ યોજાઈ ચુકી છે. યુએનએમ ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિના મંચ ઉપર અત્યાર સુધી દેશભરમાંથી ૧૯૭૯ કલાકારોએ પોતાની કલા રજુ કરી છે. તેમજ અભિવ્યક્તિનો આ મંચ અત્યાર સુધી ૬.૧૯ લાખથી વધુ કલાપ્રેમીઓની પ્રશંસા મેળવી ચુક્યો છે. અભિવ્યક્તિની ભુજ આવૃત્તિ દ્વારા યુએનએમ ફાઉન્ડેશન, વિવિધ કલા સ્વરૂપોને પ્રોત્સાહિત કરે છે અને તેને વ્યાપક સ્તરે પ્રદર્શિત કરે છે. આ દ્વારા તે ઉભરતા કલાકારોને પોતાની કલા રજુ કરવા માટે એક મંચ પુરો પાડવા, તેમજ કોઈપણ પ્રકારના આર્થિક સ્તરના ભેદભાવ વગર દરેક કલાપ્રેમી સુધી કલાને નિઃશુલ્ક પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.
--------
કલાકારો અને રજૂ થનારી પ્રસ્તુતિઓનો પરિચય
૧૨ જુલાઈ, સાંજે ૭ઃ૦૦ વાગ્યે ખુશી લંગાલિયા દ્વારા ભરતનાટ્યમ આધારીત નૃત્ય પ્રસ્તુતિ "નર્મપ્રવાહ" : યુવા અને પ્રતિભાશાળી કલાકાર ખુશી લંગાલિયા પોતાની મનોહર નૃત્ય પ્રસ્તુતિ - "નર્મપ્રવાહ" થકી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. આ એક પવિત્ર નદી - નર્મદાની વાર્તા માત્ર નથી, પરંતુ તે એક છોકરીના જીવનમાં રૂપાંતરિત લાગણીઓની ગાથા છે. ખુશી દ્વારા રજૂ કરાયેલ ભરતનાટ્યમ પ્રસ્તુતિમાં માનવ જીવનના ચાર તબક્કાઓને દર્શાવતા ચાર દ્રશ્યો રજુ કરવામાં આવશે. આ નૃત્ય પ્રસ્તુતિમાં હાર્દિક દવેએ સંગીત આપ્યું છે અને તેને કંપોઝ કર્યું છે હૃદય દેસાઈએ, અને સ્ક્રિપ્ટ તેમજ વોઈસ-ઓવર ભાર્ગવ પુરોહિત દ્વારા આપવામાં આવ્યો છે.
૧૨ જુલાઈ, રાત્રે ૯ઃ૦૦ વાગ્યે પ્રિયાંક ઉપાધ્યાય દ્વારા એક આધ્યાત્મિક પ્રાયોગિક નાટક "શૂન્યાવતાર" રજુ થશેઃ રેડિયો પ્રોફેશનલ, અભિનેતા, ગાયક, સંગીતકાર, કવિ અને ગીતકાર એવા પ્રિયાંક ઉપાધ્યાય રંગભૂમિનો ૧૫ કરતા વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. પ્રિયાંકનું એક આધ્યાત્મિક પ્રાયોગિક નાટક "શૂન્યાવતાર" વ્યક્તિના અસ્તિત્વ સામે પ્રશ્ન પર પ્રશ્ન ઉઠાવે છે - "તમે કોણ છો?" અને શું તમે તેનો ઉત્તર તમારા નામ, વ્યવસાય, સંસ્કૃતિ ઇત્યાદિ વિના કહી શકો છો? કલાકાર આના જેવા અનેક પ્રશ્નો પુછે છે.
૧૩ જુલાઈ, સાંજે ૭ઃ૦૦ વાગ્યે અનન્યા વૈદ્ય દ્વારા એક પ્રાયોગિક અને આધુનિક લોક નાટક "વહી કહાની, ફિર" રજુ થશેઃ અનન્યા વૈદ્યે ’વહી કહાની, ફિર’ નામના એક પ્રાયોગિક અને આધુનિક લોક નાટક દ્વારા દિગ્દર્શક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ભારતભરની મહિલાઓની વાર્તાઓના સંગ્રહ સમાન આ નાટક લોકગીતો અને લોકકથાઓથી પ્રેરિત છે. અનન્યા આ તમામ વાર્તાઓને પોતાની આગવી ઢબથી રજુ કરે છે. આ પ્રસ્તુતિ પાછળ તેમની મુખ્ય પ્રેરણા પણ નાટ્યાત્મક રહી છે. નાટકમાં તેઓ પોતાની વાતને આધુનિક શૈલીમાં રજુ કરવાની સાથે નારીવાદનો ટચ ભેળવે છે અને દરેક વાર્તા ઉપર પોતાની ટિપ્પણી કરે છે.
૧૩ જુલાઈ, રાત્રે ૯ઃ૦૦ વાગ્યે હાર્દિક દવેની લોક સંગીત ઉપર આધારીત પ્રસ્તુતિ "શબ્દ પરિક્રમા" રજુ થશે : હાર્દિક દવે વિવિધ રાજ્યો અને રાષ્ટ્રીયતાના લોક સંગીતની ઓળખ આપતી પોતાની પ્રસ્તુતિ "શબ્દ પરિક્રમા" રજુ કરશે. આ પ્રસ્તુતિમાં દર્શકોને ગુજરાતથી શરૂ કરીને ભારતના વિવિધ પ્રદેશોના સંગીતની ઝલક માણવા મળશે. આ તમામ લોકસંગીતને પિયાનો, તબલા, ચેલો, ઉડુ અને કરતાલ જેવા વાદ્યોના રસપ્રદ મિશ્રણ દ્વારા રજુ કરાશે.
-------

Comments